દેશમાં હરિયાળી ક્રાંતિ (Green Revolution) બાદ ખેતરોમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો છે. જેના કારણે ખેતીમાં હકારાત્મક અને નકારાત્મક બંને અસરો જોવા મળી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે દેશમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે, પરંતુ તેની સાથે અનેક જીવલેણ રોગોમાં પણ ઝડપથી વધારો થયો છે. દરમિયાન, સ્વસ્થ આહારથી વધુ સારા સ્વાસ્થ્યના વિચારને ધ્યાનમાં રાખીને, ઓર્ગેનિક ખેતી (Organic Farming)એ દેશભરમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના ખેતી કરવામાં આવે છે, પરંતુ સજીવ ખેતીમાં પણ પાકને જીવાતોથી બચાવવા ખૂબ જ પડકારરૂપ છે. આવી સ્થિતિમાં લીમડાનો ઉપયોગ જંતુનાશક તરીકે સજીવ ખેતીમાં થાય છે. ચાલો સમજીએ કે લીમડો (Neem) જંતુનાશક તરીકે કેટલો અસરકારક છે અને તેમાંથી જંતુનાશક કેવી રીતે તૈયાર થાય છે.
જૈવિક ખેતીમાં જીવાતોના નિવારણ માટે લીમડામાંથી બનાવેલ જંતુનાશકોને નીમાસ્ત્ર કહેવામાં આવે છે. જે ચૂસનાર જંતુઓ, નાની ઈયળોને નિયંત્રિત કરે છે. લીમડાના છંટકાવથી આવતી દુર્ગંધને કારણે જંગલી પ્રાણીઓ પાક ખાતા નથી. લીમડાને તૈયાર કર્યા પછી તેમાં 15 ગણું પાણી ભેળવીને છંટકાવ કરવો. જેને છંટકાવ કરતા પહેલા કપડાથી ગાળી લેવાનું હોય છે.
જૈવિક ખેતી કરતા કોઈપણ ખેડૂત જીવાતોના નિવારણ માટે જાતે જ નીમાસ્ત્ર તૈયાર કરી શકે છે. આ માટે 5 કિલો પાન અથવા ડાળી, 5 કિલો દેશી ગાયનું છાણ અને 5 કિલો ગૌમૂત્રની જરૂર પડે છે. આ સામગ્રીને એકત્રિત કર્યા પછી, નીમાસ્ત્ર બનાવા માટે સૌથી પહેલા લીમડાના પાંદડા અને સૂકા ફળોને ક્રશ કરવામાં આવે છે. આ પછી તેને પાણીમાં મિક્સ કરવાની જરૂર રહે છે. જેના કારણે લીમડાનું પાઉડર પાણી તૈયાર થાય છે. ત્યારબાદ તેમાં ગાયનું છાણ અને ગૌમૂત્ર મિક્સ કરવામાં આવે છે.
બધુ જ મિશ્રણ બરાબર મિક્ષ કર્યા બાદ તેને કોથળી વડે ઢાંકીને 48 કલાક છાંયડામાં રાખવાનું છે. દરમિયાન, મિશ્રણને સવારે અને સાંજે લાકડા વડે હલાવવાની જરૂર રહે છે. 48 કલાક છાંયડામાં રાખ્યા બાદ નીમાસ્ત્ર તૈયાર થાય છે. 15 ગણું પાણી ઉમેરી ત્યાર બાદ છંટકાવ કરતા પહેલા ગાળવું પડે છે. આ નીમાસ્ત્ર ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે ખેડૂતોના પૈસાની પણ બચત થાય છે, સાથે જ તેમની ઓર્ગેનિક ઉત્પાદન કરતા વધુ ઉત્પાદન થાય છે.