
ગુજરાત સરકારએ વર્ષ 2026-27 માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24,022 કરોડની જોગવાઈ કરીને રાજ્યના ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ બજેટમાં પાક ઉત્પાદન, પશુપાલન, ડેરી, મત્સ્યોદ્યોગ અને સહકારી ક્ષેત્રને વ્યાપક પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
પાક કૃષિ વ્યવસ્થા હેઠળ ખેડૂતોને વીજ સહાય માટે ₹9,324 કરોડ ફાળવાયા છે, જ્યારે સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન આપવા ₹1,250 કરોડની જોગવાઈ કરાઈ છે. કૃષિ યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર સહાયમાં ₹800 કરોડ અને વિવિધ કૃષિ ઓજારો માટે ₹765 કરોડ ફાળવાયા છે. “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અંતર્ગત નાના ગોડાઉન બનાવવા 15,436 ખેડૂતોને ₹1 લાખ સહાય માટે ₹154 કરોડની જોગવાઈ કરાઈ છે.
ખેડૂતોને સુરક્ષા કવચ આપવા ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં ₹4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવામાં આવશે, જેના માટે ₹146 કરોડ ફાળવાયા છે. અદ્યતન ડ્રોન ટેકનોલોજી અને સીડ રીપ્લેસમેન્ટ રેટ વધારવા ₹77 કરોડ તથા સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ માટે ₹14 કરોડ ફાળવાયા છે.
બાગાયત ક્ષેત્રે ₹798 કરોડ તથા પ્રાકૃતિક કૃષિ માટે ₹392 કરોડની જોગવાઈ નોંધપાત્ર છે. રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ અને સંશોધન માટે ₹1,063 કરોડ ફાળવાયા છે, જે કૃષિ સંશોધન અને નવીનતાને વેગ આપશે.
પશુપાલન ક્ષેત્રે “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” માટે ₹500 કરોડ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ યોજનાઓ માટે ₹424 કરોડ ફાળવાયા છે. ગર્ભધારણ અને વિયાણ થયેલ પશુઓ માટે ખાણદાણ સહાયમાં ₹61 કરોડ, નિ:શુલ્ક પશુ સારવાર માટે ₹52 કરોડ અને ફરતા પશુ દવાખાનાઓ માટે ₹56 કરોડની જોગવાઈ કરાઈ છે. ડેરી ફાર્મ વિકાસ અને દુધાળાં પશુના વીમા પ્રીમિયમ સહાય પણ સામેલ છે.
મત્સ્યોદ્યોગ ક્ષેત્રે 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રોના વિકાસ માટે ₹361 કરોડ તથા માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત સહાય માટે ₹300 કરોડ ફાળવાયા છે. પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ ₹128 કરોડ તથા આંતરદેશીય અને દરિયાઈ મત્સ્યોદ્યોગ વિકાસ માટે વિશેષ ફાળવણી કરાઈ છે. ડીપ-સી ફિશિંગ વેસલ્સ અને માછીમારી સાધનો પર સહાય પણ જાહેર થઈ છે.
ખેડૂતોને સસ્તું ધિરાણ ઉપલબ્ધ થાય તે માટે સમયસર ચુકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને ₹3 લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા ₹1,539 કરોડની જોગવાઈ મહત્વપૂર્ણ છે. સહકારી ગોડાઉન અને ખાંડ મંડળીઓ માટે પણ સહાય ફાળવાઈ છે.
આ રીતે ગુજરાત બજેટ 2026 કૃષિથી લઈને પશુપાલન અને મત્સ્યોદ્યોગ સુધી સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતું સાબિત થયું છે. રાજ્ય સરકારનો આ વ્યાપક પેકેજ ખેડૂતોની આવક વધારવા, ટેકનોલોજી અપનાવવા અને ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાય છે.
Gujarat Budget 2026-27: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણને બૂસ્ટ, MYSYથી રિસર્ચ પાર્ક સુધી મોટા એલાન