True Story: અભયસિંહ ચૂડાસમાએ કહ્યું, ‘પટેલ, લોકોની જિંદગી બચાવવાની જવાબદારી આપણી છે’ અને પછી અંધારામાં આટોપાયું ઓપરેશન
True Story: રાતની શાંતિને જાણે સન્નાટો ભરખી ગયો હતો. સુસવાટા મારતા પવન વચ્ચે ગામના જ કેટલાક લોકોની માથા સુધી લપેટેલી શાલ અને ઉતાવળી ચાલ શેરીના કુતરાને ભસવા મજબૂર કરતી હતી
સત્ય ઘટના
True Story: કડકડતી ઠંડીની રાત અને ઘડિયાળના કાંટા લગભગ ૧૨ પર ભેગા થવાની તૈયારીમાં હતા. રાતની શાંતિને જાણે સન્નાટો ભરખી ગયો હતો. સુસવાટા મારતા પવન વચ્ચે ગામના જ કેટલાક લોકોની માથા સુધી લપેટેલી શાલ અને ઉતાવળી ચાલ શેરીના કુતરાને ભસવા મજબૂર કરતી હતી. છત્તીસગઢના જાંજગીર જિલ્લાના નાનકડા ગામ ચાંપાના આ લોકો ગામની ભાગોળે આવેલા એક પોલીસસ્ટેશન તરફ ધસી રહ્યાં હતા.
પોલીસ સ્ટેશનની બહાર સ્થાનિક પોલીસ અધિકારીઓનો જમાવડો જામ્યો હતો. કોઈ અંદર ડોક્યુ કરી ન શકે તે રીતે નકૂચો દીધા વગર બંધ કરેલા બારણાં પાછળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ(Ahmedabad Crime Branch)ના પી.આઈ કિરણ પટેલ ચાંપા ગામના જ એક યુવકની પુછપરછ કરી રહ્યાં હતા. પોતાની સામેની ખુરશીમાં બેસાડેલો યુવક ચોધાર આંસુએ રડી રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં માહોલ જેટલો તંગ હતો તેનાથી વધુ ગંભીર સ્થિતિ દેશમાં હતી. કોઈએ આગલા દિવસે દિલ્હીની એક ન્યૂઝ ચેનલમાં ઈ મેઈલ કરીને અમદાવાદમાં ક્રિકેટ રમવા આવેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમને ફૂંકી મારવાની ધમકી આપી હતી.
આ એક મેઈલથી ગુજરાત સહિત દેશભરની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. આ ધમકી મળી તેના આગલા વર્ષે જ એટલે કે, 2008માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર હુમલો થયો હતો. 2008માં જ આંતકવાદીઓએ સિરિયલ બ્લાસ્ટ કરીને રોડ પર અમદાવાદીઓના લોહીની નદી વહેવડાવી હતી. માટે આ ધમકી ભર્યા મેઈલને ગંભીરતાથી લેવા સિવાય દેશની સુરક્ષા એજન્સીઓ પાસે કોઈ છુટકો ન હતો.
ન્યૂઝ ચેનલને મળેલા મેઈલની જાણ ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. અભયસિંહ ચુડાસમા(Abhay Chudasama)ને કરાઈ. આ વાત વર્ષ 2009ની છે અને તે વખતે પણ શહેરના વી.આઈ.પી. કે મોટા બંદોબસ્તની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચ પર જ રહેતી. ઉપરાંત અભયસિંહ ચુડાસમાએ એક વર્ષ પહેલા જ સિરિયલ બ્લાસ્ટના કેસમાં ઈન્ડિયન મુઝાહીદ્દીનના આતંકીઓને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવીને તેમની કમર તોડી નાંખી હતી.
ડી.સી.પી. ચુડાસમાએ તાત્કાલીક અધિકારીઓની બેઠક બોલાવી. તે સમયે ક્રાઈમ બ્રાન્ચમાં નવા કહી શકાય તેવા પી.આઈ કિરણ પટેલને બોલાવાયાં અને મેઈલ ટ્રેસ કરવાની જવાબદારી સોંપાઈ. સાયબર ક્રાઈમ(Cyber Crime) પર પી.આઈ કિરણ પટેલની પકડને પગલે ડીસીપી ક્રાઈમને તેમના પર ભરોસો પણ હતો. તે દિવસે સાંજે સાત વાગ્યે દિલ્હીની ન્યૂઝ ચેનલને મેઈલ મળ્યો હતો.
દિલ્હીની ન્યૂઝ ચેનલ પાસેથી મેઈલ મંગાવાયો. માત્ર અઢી કલાકમાં જ પી.આઈ કિરણ પટેલે શોધી કાઢ્યું કે rajesh_karsh@yahoo.com પરથી થયેલો મેઈલ છત્તીસગઢના જાંજગીર જિલ્લાના ચાંપા ગામથી થયો છે. ઉપરાંત તેમણે એ પણ શોધી કાઢ્યું કે, જેના પરથી મેઈલ થયો છે તે ઈ-મેઈલ આઈ.ડી. હજુ છ મહિના પહેલા જ બન્યું હતુ.
પી.આઈ કિરણ પટેલ ડી.સી.પી. ચુડાસમાની ચેમ્બરમાં પ્રવેશ્યા અને બોલ્યાં- સર, આ મેઈલ ચાંપાથી થયો છે. મેઈલમાં જે રાજેશ કર્શ લખ્યું છે તે કર્શ જ્ઞાતિના લોકો જાંજગીર જિલ્લાના દસેક ગામમાં વસે છે. આ સિવય આખા દેશમાં કર્શ અટક ધરાવતી વસ્તી ક્યાંય નથી. આતંકવાદીઓથી માંડીને અનેક ચમરબંધીઓને જેલમાં પુરનારા ડી.સી.પી. ચુડાસમાએ આ વાત સાંભળતા જ રાહતનો દમ ભર્યો અને બોલ્યાં- કોઈ લોકલ જ લાગે છે..!
પણ, આ પછી કિરણ પટેલે જે કહ્યું તેનાથી ફરી એકવાર ડી.સી.પી. અભય ચુડાસમાના કપાળમાં ચિંતાની રેખાઓ ખેંચાઈ. પી.આઈ પટેલે કહ્યું, સર, આ ઈ મેઈલ આઈ.ડી પૂનામાં પણ ઓપરેટ થયેલું છે. આ સમયે પૂના ઈન્ડિયન મુજાહીદ્દીનનો ગઢ મનાતું અને ચુડાસમા આઈ.એમ.ના આખા નેટવર્કને તેની ગળથૂથીથી જાણતા હતાં. ડી.સી.પી. ચુડાસમાએ પોતાની ચેમ્બરમાં દિવાલ પર ટાંગેલી એક ઘડિયાળ પર નજર નાંખી. રાત્રીના સાડા નવ વાગ્યાં હતા. તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને છત્તીસગઢનાં પોલીસ વડાં સાથે વાત કરાવવાં કહ્યું. થોડીવારમાં વાત થઈ અને ધમકી ભર્યા મેઈલ અને જાંજગીર જિલ્લાના ચાંપા ગામના કનેક્શનની માહિતી અપાઈ.
2008 સિરિયલ બ્લાસ્ટના દ્રશ્યો જોનારા ડી.સી.પી. ચુડાસમાંને કદાચીત છત્તીસગઢની પોલીસ પર વિશ્વાસ ન હતો. રાત્રે 12 વાગ્યે ઘરે પહોંચેલા પી.આઈ કિરણ પટેલના મોબાઈલ પર ચુડાસમાએ એક મેસેજ કર્યો. આ મેસેજ પી.આઈ પટેલ વાંચે તે પહેલા ડી.સી.પી.નો ફોન પણ આવી ગયો અને આદેશ કર્યો, ‘તમારી ટિકિટની વ્યવસ્થા કરી છે, સવારે છ વાગ્યાની ફ્લાઈટ છે, છત્તીસગઢ જાતે જ જાવ.’
બીજા દિવસે સવારે 9.30 વાગ્યે પી.આઈ પટેલ છત્તીસગઢ પહોંચી ગયાં, પરંતુ સગવડાતાના અભાવે અને બિસ્માર રસ્તાઓના કારણે તેમને ચાંપા પહોંચતા સાંજના ૬ વાગી ગયાં. તે પહોંચ્યા ત્યાં સુધીમાં ચાંપા પોલીસ આગલી રાત્રે જ અમદાવાદ પોલીસ દ્વારા મળેલી માહિતીના આધારે શાહુ નામના એક યુવકને પોલીસ સ્ટેશન ઉઠાવી લાવી હતી. પી.આઈ. પટેલ ચાંપા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાંના અધિકારીઓએ હરખાતાં કહ્યું- ‘સાહબ, આરોપી કો ઉઠા લાયે હૈ, આપ ચિંતા ના કરે.’
જો કે, પી.આઈ પટેલ જાતે જ તે આરોપીને પુછપરછ કરવા માંગતા હતા. એક બે પ્રશ્નોમાં જ કિરણ પટેલ સમજી ગયાં કે, શાહુ સાયબર કાફેનો માલિક છે એટલે કે, મેઈલ તેણે નથી કર્યો પરંતુ તેના કાફેમાંથી થયો છે. પી.આઈ પટેલ તેને સાથે લઈને તેના સાયબર કાફે પર ગયાં. મેઈલ મળ્યો તે સમયે વપરાયેલા કોમ્પ્યુટરના ડેટાની તપાસ કરી તો મેઈલ કર્યા બાદ રાજેશ કર્શ નામના શખ્સે પોતાનું ‘ઓરકૂટ’ એકાઉન્ટ પણ ખોલ્યું હતુ.
ઓરકૂટ એકાઉન્ટની રાજેશ કર્શની પ્રોફાઈલ તપાસી તેમાં ઘરનો નંબર તો ન હતો પરંતુ એડ્રેસમાં ‘નિયર કેનાલ’ લખ્યું હતુ. પી.આઈ પટેલે સ્થાનિક પોલીસને આદેશ કર્યો કે, રાજેશ કર્શ આ ગામમાં રહે છે અને કેનાલ પાસે તેનું ઘર છે, તેને લાવવો પડશે. આ સાંભળીને સ્થાનિક પોલીસને ૪૪૦ વોટનો આંચકો લાગ્યો. આ કેવી ટેક્નોલોજી કે આટલા જલ્દી આરોપીની સચોટ માહિતી મળી?!
નાનું ગામ હોવાથી રાજેશ કર્શને શોધવામાં સ્થાનિક પોલીસને વધુ વાર ન લાગી. રાતના ૧૨ વાગવાની તૈયારી હતી એવામાં સ્થાનિક પોલીસ રાજેશને લઈને ચાંપા પોલીસ સ્ટેશનમાં પહોંચી. રાજેશને જોતા જ પી.આઈ પટેલના મોઢા પર ચિંતાનું મોજું ફરી વળ્યું. કારણ ચાંપા પોલીસ જે રાજેશને લઈ આવી હતી તેના પહેરવેશ અને બોડી લેંગ્વેજ જોતા જ પી.આઈ પટેલ સમજી ગયાં કે આ દિલ્હીની ચેનલને ટપાલ ના લખી શકે તે મેઈલ કેવી રીતે કરે? ચાંપા પોલીસ જ્યારે રાજેશને શોધવા નિકળી ત્યારે પી.આઈ કિરણ પટેલે અમદાવાદ ફોન કરીને ડીસીપી ચુડાસમાને આરોપી લગભગ મળી ગયો છે તેવી ખાતરી આપી દીધી હતી.
રાજેશ કર્શને જોયા બાદ કિરણ પટેલે ફરી ફોન કર્યો અને ચુડાસમાને કહ્યું, ‘સાહેબ, કોઈ લોચો લાગે છે’. ચુડાસમાના અવાજમાં પણ ગંભીરાત આવી ‘કેમ શું થયું?’ કિરણ પટેલે કહ્યું, રાજેશ કર્શને તો પોલીસ લાવી છે પણ રાજેશે મેઈલ કર્યો હોય તેવું નથી લાગતુ. ડી.સી.પી. સમજી ગયાં કે હવે મામલો ગંભીર છે.
બીજી તરફ શ્રીલંકાની ટીમના મેનેજરને ક્યાંકથી ખબર પડી કે તેમની ટીમ પર ખતરો છે, તેમણે મેચ રદ્દ કરીને પાછા જવાની જીદ પકડી. પોલીસ અને રાજ્ય સરકારે મહામહેનતે તેમને સુરક્ષાની ખાતરી આપી રોકી રાખ્યાં હતા. દેશભરની બીજી સુરક્ષા એજન્સીઓ પણ આ મેઇલની તપાસમાં લાગી હતી. માહોલ લગભગ તંગ બની ગયો હતો.
ડી.સી.પી. ચુડાસમાએ પી.આઈ.ને કહ્યું, ‘ગમે તે કરો પટેલ, સાચા આરોપીને પકડવો જ પડશે, લોકોની જિંદગીની જવાબદારી આપણા પર છે. કોઈનો વિશ્વાસ તુટવો ન જોઈએ..!’. ફોન પત્યો અને ચાંપાની પોલીસના મારમાંથી છોડાવી પી.આઈ પટેલ રાજેશ કર્શને પોલીસ સ્ટેશનના અલગ રૂમમાં લઈ ગયાં અને પોતાની સામેની એક ખુરશીમાં બેસાડ્યો.
ચોધાર આંસુએ રડતા રાજેશ કર્શે કહ્યું, ‘સાબ તીન દીન સે પુલીસ માર રહી હૈ, મેરા ક્યાં ગુન્હા હૈ?’ કિરણ પટેલ આ સાંભળી ચોંક્યા, મેઈલ કાલે મળ્યો છે અને ત્રણ દિવસથી પોલીસ તેને ફટકારે છે? પી.આઈ પટેલ માનતા હતાં કે, ભલે આ રાજેશ કર્શ હોય પણ મેઈલ તેણે નથી કર્યો. તેમણે કૂતુહલવશ પૂછ્યું ‘તીન દીનસે પુલીસ ક્યું માર રહી હૈ?’. રાજેશે કહ્યું, ‘સાબ, ગાંવ કે ગુરૂજી હૈના, જીનકી પુલીસમે બહુત પહેચાન હૈ. ઉનકા લડકા મેરી બહન કો ભગા લે ગયા હૈ. વો જબભી ગાંવમે આતા હૈ મે ઉસકો પીટતા હું. ઓર ગુરૂજી પુલીસ બુલાકર મુજે પીટવાતે હૈ.’
સ્ટોરી કંઈક બીજી જ ચાલી રહી હતી પરતું પી.આઈ પટેલને ધમકી ભર્યો મેઈલ કરનારા સુધી પહોંચવું હતુ. તેમણે આગળ પુછ્યું ‘તેરી બેહન કો ઉઠા કે લે ગયા હૈ વો લડકા ક્યાં કરતા હૈ?’ રાજેશ કહ્યું, ‘સાબ વો બહુત ઊંચી પઢાઈ કરતા હૈ, વો પૂના હૈ વહાં..!’ મધદરિયે અંધારામાં કિનારો શોધતા જહાંજના કેપ્ટનને દિવાદાંડી દેખાય તેવો આ અહેસાસ હતો. પી.આઈ પટેલ સમજી ગયાં કે, નક્કી આ મેઈલ રાજેશ નહીં પણ તેની બહેનને ઉઠાવી જનારા આકાશે જ કર્યો છે.
રાજેશની મદદથી રાત્રે ત્રણ વાગ્યે આકાશને તેના ઘરમાંથી જ પોલીસે પકડી પાડ્યો. પોલીસના બસ બે જ લાફાંમાં આકાશ ભાંગી પડ્યો. તેણે કબૂલી લીધું કે, રાજેશ તેને ફટકારતો હોઈ તેને પોલીસ કેસમાં ફસાવી દેવાં તેના નામનું બોગસ મેઈલ એકાઉન્ટ બનાવ્યું હતુ અને મેઈલ કર્યો હતો. રાત્રે ત્રણ વાગ્યે અશોકની ધરપકડ કરાઈ મેઈલ મળ્યાનાં ૩૬ કલાકમાં ઓપરેશન આટોપાયું. બીજા દિવસે સુરક્ષીત માહોલમાં ભારત-શ્રીલંકાની મેચ રમાતાની સાથે જ અભયસિંહ ચુડાસમાનાં હાથમાં જશની રેખાઓ અંકાઇ ગઇ.