સોનમ રઘુવંશીના પ્રિય ‘રાજ’ના કેટલા ‘રાઝ’, કોણ છે સંજય વર્મા ? પોલીસે રહસ્ય પરથી ઉચક્યો પડદો

પોતાના પતિની હત્યા અંગે કસ્ટડીમાં રહેલ સોનમ રઘુવંશીની મેઘાલય પોલીસે કરેલી પુછપરછમાં, એક પછી એક અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. સોનમ કલાકો સુધી સંજય વર્મા નામના વ્યક્તિ સાથે વાત કરતી હતી. તેના કોલ રેકોર્ડના આધારે પોલીસને જાણ થઈ કે, 1 માર્ચથી 25 માર્ચ સુધી, સોનમ રઘુવંશીએ સંજય વર્મા સાથે ફોન પર લગભગ 112 વખત વાત કરી, પરંતુ જ્યારે પોલીસે તે નંબરની બારીકાઈથી તપાસ કરી, ત્યારે ખુલ પોલીસ પણ ચોંકી ઉઠી.

સોનમ રઘુવંશીના પ્રિય રાજના કેટલા રાઝ, કોણ છે સંજય વર્મા ? પોલીસે રહસ્ય પરથી ઉચક્યો પડદો
| Edited By: | Updated on: Jun 19, 2025 | 7:44 PM

ઈન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં શિલોંગ પોલીસની તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. હાલમાં, શિલોંગ પોલીસની એક ટીમ ઇન્દોરમાં રહીને વિવિધ પાસાઓ ઉપર તપાસ કરી રહી છે અને રાજા રઘુવંશીની હત્યા અંગે, પકડાયેલા આરોપીના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે. પરંતુ આ તપાસનો એક ફણગો સંજય વર્મા નામના વ્યક્તિની આસપાસ ફુટ્યો હતો.

ગઈકાલથી સંજય વર્મા કોણ છે જેની સાથે સોનમે 112 વાર મોબાઈલમાં વાત કરી તેની ખૂબ ચર્ચા થઈ રહી હતી. રાજાની હત્યા પહેલા સોનમે સંજયને કુલ 112 વખત ફોન કર્યા હતા. આવી સ્થિતિમાં, શિલોંગ પોલીસ પણ ચિંતામાં હતી કે આ સંજય વર્મા છે કોણ ? અત્યાર સુધીની પોલીસ તપાસમાં સોનમના પ્રેમી તરીકે ફક્ત રાજ કુશવાહનું નામ જ સામે આવ્યું હતું. શું સોનમને સંજય સાથે પણ અફેર હતુ, રાજ સાથે નહીં, શું રાજનો ઉપયોગ ફક્ત પ્યાદા તરીકે કરાયો હતો ? એ દિશામાં પણ શિલોંગ પોલીસે તપાસ હાથ ધરતા, રહસ્ય પરથી પડદો ઉઠી ગયો.

જ્યારે સોનમ અને સંજય વર્માના કોલ્સની સીડીઆર વિગતો બહાર આવી, ત્યારે શિલોંગ પોલીસ પણ ચોંકી ગઈ. વાસ્તવમાં, તપાસમાં પુષ્ટિ મળી કે રાજ કુશવાહાએ ટ્રુકોલર પર પોતાનું નામ સંજય વર્મા તરીકે નોંધાવ્યું હતું અને તે બંને તેના દ્વારા વાત કરતા હતા. રાજે આવું એટલા માટે કર્યું કે, જો તેઓ ક્યારેય પકડાઈ જાય, તો સોનમના પરિવારના સભ્યો તેના પર શંકા ના કરે. રાજ સોનમની પ્લાયવુડ ફેક્ટરીમાં કામ કરતો હોવાથી, તેને નોકરી ગુમાવવાનો પણ ડર રહેતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શિલોંગ પોલીસે ઇન્દોરમાં સોનમ રઘુવંશીના માતાપિતા, ભાઈ અને ભાભીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન, શિલોંગ પોલીસે પહેલો પ્રશ્ન એ હતો કે સોનમ તમારી સાથે કેવું વર્તન કરે છે અને શું તમને રાજ કુશવાહ સાથેના તેના સંબંધોની જાણ હતી. જ્યારે તેના ભાઈ-ભાભી અને સોનમના માતા-પિતાએ કેટલાક પ્રશ્નોના અલગ-અલગ જવાબો આપ્યા, ત્યારે શિલોંગ પોલીસ ટીમે તરત જ સોનમ પાસેથી વીડિયો કોલિંગ દ્વારા તે પ્રશ્નોના જવાબો લીધા અને ફરી એકવાર તેના માતા-પિતાને પૂછપરછ કરી.

પરિવારને ગેરમાર્ગે દોરવા માટેનુ કૃત્ય

સોનમ રઘુવંશી સંજય વર્મા નામના વ્યક્તિ સાથે કલાકો સુધી વાત કરતી હતી. 1 માર્ચથી 25 માર્ચ સુધી, તેણીએ સંજય વર્મા સાથે ફોન પર લગભગ 112 વખત વાત કરી, પરંતુ જ્યારે પોલીસે તે નંબરની બારીકાઈથી તપાસ કરી, ત્યારે તે રાજ કુશવાહનો નંબર હોવાનું બહાર આવ્યું. વાસ્તવમાં, રાજ કુશવાહ અને સોનમે તેમના પરિવારને ગેરમાર્ગે દોરવા માટે આ યોજના બનાવી હતી. જો પકડાઈ જાય, તો સોનમ સંજય વર્મા સાથે વાત કરીને તેને છુટકારો મેળવી શકે છે, જે એક ક્લાયન્ટ છે. તેથી જ સોનમ અને રાજે આ રીતે કાવતરું ઘડ્યું હતું.

સોનમ આ નંબર પર કલાકો સુધી વાત કરતી હતી

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે રાજ કુશવાહ સંજય વર્માના નામે નોંધાયેલા મોબાઇલ નંબરના આધારે સોનમ સાથે કલાકો સુધી વાત કરતો હતો. એવી શક્યતાઓ છે કે 1 માર્ચથી 25 માર્ચ વચ્ચે, સોનમે રાજ કુશવાહ સાથે મળીને રાજા રઘુવંશીને કેવી રીતે મારવા તે અંગે યોજના બનાવી હતી. હાલમાં, સમગ્ર કેસની અલગ અલગ રીતે તપાસ કરતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે.

સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. આવી જ ગુના સંબંધીત જાણકારી મેળવવા માટે અહિં ક્લિક કરો.

Published On - 7:41 pm, Thu, 19 June 25