શું કોઈ આરોપીને બે વખત ફાંસી આપી શકાય? કોર્ટે ગુનેગારને સંભળાવી ‘ડબલ ડેથ સેન્ટેન્સ’ની ઐતિહાસિક સજા, જાણો શું છે તેનો કાનૂની અર્થ

તમિલનાડુની પોક્સો અદાલતે સગીરા પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિતને બેવડી ફાંસીની સજા ફટકારી છે. કાયદાની દ્રષ્ટિએ આ સજા ક્યારે અને કેમ આપવામાં આવે છે તેની વિગતો જાણો.

શું કોઈ આરોપીને બે વખત ફાંસી આપી શકાય? કોર્ટે ગુનેગારને સંભળાવી ડબલ ડેથ સેન્ટેન્સની ઐતિહાસિક સજા, જાણો શું છે તેનો કાનૂની અર્થ
Image Credit source: AI
| Updated on: May 27, 2026 | 2:39 PM

તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાંથી કાયદાની તાકાત અને ન્યાયતંત્રની કડકતાનો એક અસાધારણ કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક વિશેષ પોક્સો અદાલતે 17 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરવાના કેસમાં 38 વર્ષના દોષિત ધર્મમુનીસ્વરન ઉર્ફે માવીરનને ‘ડબલ ડેથ સેન્ટેન્સ’ એટલે કે બેવડી ફાંસીની સજા સંભળાવી છે.

આ ચુકાદો બહાર આવ્યા બાદ સામાન્ય જનતાના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે ‘બેવડી ફાંસી’ એટલે શું? શું કોઈ પણ ગુનેગારને બે વાર ફાંસીના માચડે લટકાવી શકાય? સામાન્ય માણસના મનમાં ઉત્સુકતા જગાડતા આ સવાલનો જવાબ કાયદાની ગૂંચવણોમાં છુપાયેલો છે. આવો એકદમ સરળ ભાષામાં સમજીએ કે કાનૂની જગતમાં ‘ડબલ ડેથ સેન્ટેન્સ’નો અર્થ શું થાય છે અને આવી સજા ક્યારે સંભળાવવામાં આવે છે,

શું છે આ ‘ડબલ ડેથ સેન્ટેન્સ’?

કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ ગુનેગાર એક જ ઘટના દરમિયાન એવા બે અલગ-અલગ અત્યંત ઘાતકી અને જઘન્ય ગુના આચરે છે, જેમાં તે બંને ગુનાઓ માટે કાયદાના પુસ્તકમાં અલગથી ફાંસીની સજાની જોગવાઈ હોય, ત્યારે અદાલત તેને ‘ડબલ ડેથ સેન્ટેન્સ’ સંભળાવે છે.

વ્યવહારિક રીતે જોઈએ તો માણસનું જીવન એક જ વાર હોય છે, તેથી દોષિતને ફાંસી પર તો એક જ વાર લટકાવવામાં આવશે. પરંતુ કાનૂની દ્રષ્ટિએ બંને ગુનાઓની ગંભીરતા સમાન હોવાથી, કોર્ટે બંને કલમો હેઠળ અલગ-અલગ ફાંસીની સજા ફટકારી છે. આ સજા સમાજમાં એક કડક સંદેશ આપે છે કે આવા રાક્ષસી કૃત્ય કરનારાઓ માટે કાયદામાં દયાની કોઈ જગ્યા નથી.

ડબલ હેંગિંગ લો: BNS અને પોક્સો એક્ટની કઈ કલમો હેઠળ સજા થાય છે?

આ કેસમાં કોર્ટે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટના કડક કાયદાઓનો ઉપયોગ કરીને ચુકાદો આપ્યો છે. જ્યારે કોઈ સગીરા પર આ પ્રકારનો અત્યાચાર થાય છે, ત્યારે કાયદાકીય રીતે બે મુખ્ય કલમો હેઠળ ફાંસીની સજા આપવામાં આવે છે:

  • સગીરા પર બળાત્કાર (પોક્સો એક્ટ): પોક્સો એક્ટની સંબંધિત કલમો અને ભારતીય ન્યાય સંહિતા મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરની સગીરા પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અથવા બળાત્કાર ગુજારવાના કેસમાં ગુનાની ગંભીરતા જોઈને અદાલતને ફાંસીની સજા આપવાની સંપૂર્ણ સત્તા છે.
  • હત્યાનો ગુનો (BNS): બળાત્કાર કર્યા બાદ પીડિતા પુરાવાનો નાશ કરવા અથવા ક્રોધાવેશમાં આવીને બાળકીની હત્યા કરી નાખે, તો ભારતીય ન્યાય સંહિતાની હત્યાની જોગવાઈઓ હેઠળ અલગથી મૃત્યુદંડની સજા પાત્ર બને છે.

આ કેસમાં આરોપીએ પહેલા સગીરા પર બળાત્કાર કર્યો અને ત્યારબાદ તેની બેરહમીથી હત્યા કરી નાખી. આ બંને ગુના કાયદાની નજરમાં ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ની શ્રેણીમાં આવતા હોવાથી અદાલતે બંને કલમો હેઠળ અલગ-અલગ ફાંસીની સજા ફટકારીને આ ઐતિહાસિક દાખલો બેસાડ્યો છે.

સેવિંગ્સ એકાઉન્ટને ભૂલી જાઓ ! આજના યુગ પ્રમાણે જાણો કયું સુરક્ષિત એકાઉન્ટ આપશે બમણું વળતર

Follow Us