Ahmedabad: રક્ષક જ બન્યો ભક્ષક, ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈ પોલીસ કોન્સ્ટેબલે આચર્યું દુષ્કર્મ
Police Constable Mahendrasinh Dodia

Ahmedabad: ‘રક્ષક જ બન્યો ભક્ષક’, ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈ પોલીસ કોન્સ્ટેબલે આચર્યું દુષ્કર્મ

| Edited By: | Updated on: Jul 15, 2021 | 12:07 AM

પોલીસકર્મીએ મહિલાને મેસેજ કરીને મિત્રતા કેળવી અને બાદમાં તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ઘણા સમયથી પોલીસકર્મી મહિલા સાથે દુષ્કર્મ આચરતો હતો

Ahmedabad: અમદાવાદમાં પોલીસની ખાખી વર્ધીને ડાઘ લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીના વચ્ચે થયેલા ઘરેલુ ઝઘડાની ફરિયાદ કરનાર મહિલાને પોલીસકર્મીએ વિશ્વાસમાં લઈને મિત્રતા કેળવી અવારનવાર દુષ્કર્મ (Rape)આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન (Ellisbridge Police Station)માં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

થોડા સમય પહેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station)માં એક મહિલા પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવા ગઈ હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ડોડીયા (Mahendrasinh Dodia) સાથે પરિચય થયો, જે બાદ પોલીસકર્મીએ મહિલાને મેસેજ કરીને મિત્રતા કેળવી અને બાદમાં તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ઘણા સમયથી પોલીસકર્મી મહિલા સાથે દુષ્કર્મ આચરતો હતો, પરંતુ મહિલાએ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ડોડીયાના ફોનમાં અન્ય યુવતીઓ સાથે ચેટ જોઈ જતા તેનો ભાંડો ફૂટી જતા કોન્સ્ટેબલે કોઈ જવાબ આપ્યો નહતો.

 

કોન્સ્ટેબલનો ભાંડો ફૂટતા મહિલાને જાણ થઈ હતી કે તે પહેલાથી જ પરિણીત છે અને છતાંય તેને લગ્નની લાલચ આપી અને પતિ સામેના કેસમાં મદદ કરવાના બહાને ફોસલાવી સતત બળાત્કાર ગુજારતો હતો અને થોડાક દિવસો પહેલા મહિલાને એલિસબ્રિજ પાસેથી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેથી અંતે મહિલાએ આ મામલે કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ડોડીયા સામે દુષ્કર્મની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આરોપી કોન્સ્ટેબલ હાલ બોટાદ જિલ્લામાં ફરજ બજાવે છે. ત્યારે એલિસબ્રિજ પોલીસે મહિલાના મેડિકલ રિપોર્ટ કરાવી કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ દોડીયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે દુષ્કર્મ ગુજારનાર લંપટ પોલીસકર્મી એલિસબ્રિજ પોલીસની પકડમાં ક્યારે આવે છે.

 

આ પણ વાંચો: AMRELI : જિલ્લામાં અવિરત વરસાદથી નદીનાળા છલકાયા, જાફરાબાદ નજીક કોઝવેમાં છકડાએ પલટી મારી

Published on: Jul 15, 2021 12:03 AM