KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન
Mucormycosis : હમેંશા અપુરતી આરોગ્ય સુવિધાના મુદ્દે ચર્ચામાં રહેતી અદાણી સંચાલીત હોસ્પિટલમાં જટીલ કહી શકાય તેવા કેસની યોગ્ય સારવાર કરી 42 દિવસે બાળકીને નવજીવન અપાયું.
KUTCH : કોરોનાકાળમાં મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસના (Black fungus) રોગના અનેક દર્દીઓ જોવા મળ્યા હતા. પરંતુ, મ્યુકરમાઇકોસિસ સાથે ડાયાબિટીસ (Diabetes) અને તે પણ 5 વર્ષની બાળકીને થયો હોય તેવો માત્ર કચ્છમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં જુજ કેસ જોવા મળ્યા હતા.તેવા એક કેસની ઘનિષ્ઠ સારવાર અદાણી સંચાલિત જી.કે. હોસ્પિટલમાં કરાઇ હતી. જે બાળકીને 42 દિવસ બાદ બાળરોગ અને ઇ.એન.ટી. વિભાગની મદદથી નવજીવન મળ્યુ હતું.
ગાંધીધામની યુવિકા ઉમેશચંદ્ર સૈની નામની 5 વર્ષીય બાળકીને એક ખાનગી હોસ્પિટલમાથી મ્યુકરમાઇકોસિસ અને ડાયાબિટીસના નિદાન માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. બાળરોગ વિભાગના હેડ અને નિષ્ણાંત ડો. રેખાબેન થડાની તેમજ ચીફ મેડિકલ સુપ્રિ. તેમજ ઇ.એન.ટી. વિભાગના વડા ડો.નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે,ગુજરાતમાં જવલ્લે જ જોવા મળતી આવી બીમારીને નાથવા દર્દીને ખાસ વોર્ડમાં દાખલ કરી સતત 42 દિવસ સુધી મોંઘા અને અત્યંત ભારે કહી શકાય તેવા એમ્ફોટેરિસીન ઈંજેકશનથી ઘનિષ્ઠ સારવાર કરી દર્દીને બ્લેકફંગસ મુક્ત અને ડાયાબિટીસ કંટ્રોલ કરી રજા આપવામાં આવી હતી.
બાળકીને ઈન્જેકશનથી કિડની તેમજ શરીરના કોઈ મોટા અંગ ઉપર આડઅસર ન થાય તે માટે રોજેરોજ લોહીની ચકાસણી કરી તેમજ બ્લેક ફંગસને પ્રસરતું અટકાવવા તમામ પગલાં લેવામાં આવ્યા. સામાન્ય રીતે બ્લેક ફ્ંગસ કાન,નાક અને ગળામાં અસર કરે છે. બ્લેક ફંગસનું નિર્મૂલન કરવા સાથે શરીરમાં આગળ ન વધે તેમજ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે તે ખાસ ચકાસવાનું હોય છે. જે સતત 42 દિવસ સુધી કરવામાં આવ્યું.
બ્લેક ફંગસ આખા શરીરમાથી નીકળી જાય તે જોવા ઉપરાંત ઊથલો ન મારે તે માટે પોસોકોનેઝોલ (Posoconazole) નામની ભારે દવાની સારવારનો કોર્સ પણ હોસ્પિટલમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. બાળરોગ વિભાગના રેસિ. ડો.કરણ પટેલ, ઇ.એન.ટી. વિભાગના ડો. નિસર્ગ દેસાઇ, ડો. અજિત ખીલનાની, ડો. રોનક બોડાત, ડો. રશ્મિ સોરઠિયા વિગેરેની સીધી દેખરેખ હેઠળ બાળકીની સઘન સારવાર કરી રજા અપાઇ હતી.
હમેંશા અપુરતી આરોગ્ય સુવિધાના મુદ્દે ચર્ચામાં રહેતી અદાણી સંચાલીત હોસ્પિટલમાં જટીલ કહી શકાય તેવા કેસની યોગ્ય સારવાર કરી 42 દિવસે બાળકીને નવજીવન અપાયું.
આ પણ વાંચો : કચ્છમાં આહીર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, એક જ દિવસમાં 1080 વર-કન્યાના લગ્ન થયા
આ પણ વાંચો : Bhavnagar : સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજનિષ્ઠા, લગ્ન મંડપમાં વેક્સિનેશનને પ્રાથમિકતા આપી