
ટેક જાયન્ટ Microsoft દ્વારા ફરી એકવાર મોટાપાયે કર્મચારીઓની છટણી (લે-ઓફ) ની જાહેરાત કરવામાં આવી છે. કંપની તેના વૈશ્વિક વર્કફોર્સના આશરે 2.1 ટકા એટલે કે લગભગ 4,800 કર્મચારીઓની છટણી કરશે.
જો કે, પ્રભાવિત કર્મચારીઓને રાહત આપતાં કંપનીએ આકર્ષક સેવરન્સ પેકેજ આપવાની જાહેરાત કરી છે. કર્મચારીઓને તેમના જોબ લેવલ અને કંપનીમાં વિતાવેલા સમયના આધારે મહત્તમ 39 અઠવાડિયા સુધીનો બેઝ સેલેરી (મૂળ પગાર), સ્ટોક વેસ્ટિંગ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ મળશે.
બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ મુજબ, Microsoft દ્વારા કર્મચારીઓ માટે અલગ-અલગ લેવલના આધારે સેવરન્સ પેકેજ નક્કી કરવામાં આવ્યું છે. કંપનીમાં ઇન્ટરનલ લેવલ 64 કે તેથી નીચેના કર્મચારીઓને દર 6 મહિનાની સેવા પર એક અઠવાડિયાની બેઝ સેલેરી આપવામાં આવશે.
લેવલ 65 થી લેવલ 67 સુધીના કર્મચારીઓને દર 6 મહિનાની સેવા પર બે અઠવાડિયાની બેઝ સેલેરી મળશે. લેવલ 68 અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે અલગ કમ્પેન્સેશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.
Microsoft માત્ર સેવરન્સ પે (Severance Pay) જ નહીં આપે પરંતુ પાત્ર કર્મચારીઓને વધારાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવશે. લેવલ 67 સુધીના યોગ્ય કર્મચારીઓને તેમની સેવાના સમયગાળાના આધારે 6 અથવા 12 મહિના સુધી નિયમિત સ્ટોક વેસ્ટિંગનો લાભ મળતો રહેશે.
આ ઉપરાંત, કંપની 6 મહિના સુધી પેઇડ હેલ્થ ઇન્સ્યોરન્સ પણ પૂરો પાડશે. કર્મચારીઓ ઈચ્છે તો COBRA દ્વારા વધારાના 12 મહિના સુધી હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ ચાલુ રાખી શકશે. કંપનીએ જણાવ્યું કે, આ પેકેજ આ વર્ષની શરૂઆતમાં વોલન્ટરી રિટાયરમેન્ટ પ્રોગ્રામ (વીઆરએસ) હેઠળ આપવામાં આવેલા પેકેજ જેવું જ છે.
Microsoft આ છટણી દ્વારા પોતાના ખર્ચને નિયંત્રિત કરવા માંગે છે. કંપની આ વર્ષે આશરે 190 અબજ ડોલરનો કેપિટલ એક્સપેન્ડિચર (મૂડી ખર્ચ) કરવાની તૈયારીમાં છે. તેનો મોટો હિસ્સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને નવી AI ટેક્નોલોજીના વિકાસ પાછળ ખર્ચવામાં આવશે.
કંપનીનું માનવું છે કે, ઝડપથી બદલાતા બિઝનેસ વાતાવરણમાં સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જરૂરી છે. આ જ કારણે તે પોતાના સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરી રહી છે.
આ છટણીની સૌથી મોટી અસર Microsoft ના Xbox ડિવિઝન પર પડશે. કંપની આગામી નાણાકીય વર્ષ દરમિયાન ગેમિંગ બિઝનેસ સાથે જોડાયેલા આશરે 3,200 કર્મચારીઓની છટણી કરશે.
આ સાથે જ ચાર ગેમ સ્ટુડિયોને અલગ કરવામાં આવશે અથવા વેચી દેવામાં આવશે, જ્યારે પાંચમા સ્ટુડિયોના ભવિષ્યની સમીક્ષા કરવામાં આવી રહી છે. જરૂર પડ્યે તેને પણ બંધ કરવામાં આવી શકે છે.
Microsoft ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ એમી કોલમેને કર્મચારીઓને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે, દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને બિઝનેસ પણ તે જ પ્રમાણે બદલાઈ રહ્યો છે.
કંપનીઓ એ નક્કી નથી કરી શકતી કે તેમનો ઉદ્યોગ બદલાશે કે નહીં પરંતુ તેઓ એ ચોક્કસ નક્કી કરી શકે છે કે, તેઓ તે બદલાવ સાથે પોતાની જાતને કેવી રીતે ઢાળે.