જ્યારે પણ સૌથી ધનવાન લોકોની વાત આવે ત્યારે ગુજરાતી ઉધોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણીનું નામ સૌપ્રથમ આવે છે. ગુજરાતીઓ વ્યાપાર ક્ષેત્રે હમેશાં અગ્રેસર હોય છે. ગુજરાતીઓનો વ્યવસાય સાથે વર્ષો જૂનો નાતો છે. ગુજરાતીઓને શરૂઆતથી જ બિઝનેસનો માહોલ મળ્યો છે. ગુજરાતીઓ સારા બિઝનેસમેન હોવાની કહાની ઈતિહાસ સાથે જોડાયેલી છે. આજે અમે તમને જણાવીશું કે, ગુજરાતીઓ વ્યવસાય ક્ષેત્રે આગળ કેમ છે ?
ભારતમાં અંગ્રેજો પહેલા પણ જે વિદેશીઓ આવ્યા તે વ્યવસાય કરવાના ઉદ્દેશથી આવતા હતા. એ વખતે લોકો એક દેશથી બીજા દેશ જવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા હતા. ગુજરાત સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે, એ વખતે જ્યારે વિદેશીઓ ભારતમાં આવતા ત્યારે ગુજરાતમાંથી પણ પ્રવેશ કરતા અને ટ્રાન્સપોર્ટેશન સરળતાથી થઈ શકે તેથી વિદેશીઓએ ગુજરાતમાં વ્યવસાય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી ગુજરાતીઓ વ્યવસાય વિશે શીખતા આવ્યા છે.
ગુજરાતમાં મોટાભાગે લોકો વરસાદ આધારિત ખેતી કરતા હતા. પાણીની સમસ્યાના કારણે ખેતીવાડી ઓછી થતી ગઈ અને લોકો બિઝનેસ તરફ વળ્યા. બીજા વિશ્વ યુદ્ધ પછી ગુજરાતીઓએ યુરોપ, યુકે, યુએસમાં પણ વ્યવસાય શરૂ કર્યો. ગુજરાતનો વ્યવસાય શરૂઆતમાં કોટન અને મીલો સાથે જોડાયેલો હતો.
50 અને 60ના દાયકાની શરૂઆતમાં ગુજરાતી વ્યવસાય મુખ્યત્વે કાપડ અને મિલો સાથે સંકળાયેલો હતો. તેમાંના અગ્રણી લાલભાઈ અને સારાભાઈ વેપારી પરિવારો હતા. ત્યાર બાદ 70ના દાયકામાં ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે એન્ટ્રી કરી. ત્યાર બાદ અદાણી પોર્ટ અને ઉર્જા ઉધોગમાં લાઈમલાઈટમાં આવ્યા બાદ પણ આ ટ્રેન્ડ આજે પણ ચાલુ છે. ગુજરાતી ઉદ્યોગપતિઓ દ્વારા શરૂ કરાયેલા નવા અને સફળ વ્યવસાયોમાં સિમ્ફની, ફોગ, બાલાજી વેફર્સ, પીડિલાઇટ, સિન્ટેક્સ, વાઘ બકરી, વાડીલાલ, હેવમોર, નિરમા, ઝાયડસ કેડિલા અને ટોરેન્ટનો સમાવેશ થાય છે.
ગુજરાતના લોકો વ્યવસાય ક્ષેત્રે આગળ હોવાનું સૌથી મોટું અને પ્રાથમિક કારણ ગુજરાતની ભૌગોલિક સ્થિતિ છે. ગુજરાતમાં 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો છે, જે ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો છે અને તે ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર છે. સદીઓથી અહીં વેપાર ચાલતો આવ્યો છે, જેના કારણે લોકોને વેપાર કરવાની તક મળતી રહી અને ગુજરાતના લોકોની રગે રગમાં વ્યાપાર વસી ગયો અને લોકો વ્યવસાય ક્ષેત્રે આગળ વધતા રહ્યા.
જો કોઈ ગુજરાતીની આર્થિક સ્થિતિ સારી ન હોય તો તે પોતાની કારકિર્દીની શરૂઆત નોકરીથી કરે છે. ગુજરાત વ્યાપારનું મોટું કેન્દ્ર હોવાથી ત્યાંના યુવાનોને અન્ય રાજ્યોની સરખામણીમાં સરળતાથી નોકરી મળે છે અને પછી તેઓ પોતાની નોકરીની સાથે પોતાનો વ્યવસાય પણ શરૂ કરે છે. આ રીતે ગુજરાતીઓ વ્યવસાય ક્ષેત્રે આગળ આવ્યા છે.
ગુજરાત ભારતના સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે, જે વસ્તીની દ્રષ્ટિએ 9મા ક્રમે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ છઠ્ઠા ક્રમે આવે છે. ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતો હોવાથી આંતરરાષ્ટ્રીય વેપાર અહીંથી મોટા પાયે થાય છે. ગુજરાતમાં ભારતની માત્ર 5 ટકા વસ્તી છે, તેમ છતાં એકલું ગુજરાત ભારતની 25 ટકા નિકાસ કરે છે. એટલું જ નહીં, 25 ટકા કપાસનું ઉત્પાદન એકલું ગુજરાત કરે છે, વિશ્વના 80 ટકા હીરાનું પોલિશિંગ સુરતમાં થાય છે. આ ઉપરાંત સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ફેક્ટરી પણ ગુજરાતમાં છે.
ગાંધીનગરમાં યોજાયેલ વાઇબ્રન્ટ સમિટ 2024ને સંબોધન કરતી વખતે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, દેશની 5 ટકા વસ્તી ગુજરાતમાં વસે છે, પરંતુ દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.5 ટકા છે. તો ગુજરાત ભારતનું ત્રીજું સૌથી શક્તિશાળી રાજ્ય છે અને સૌથી વધુ નફાકારક અર્થતંત્ર પણ ધરાવે છે. સમગ્ર એશિયામાં ટેક્સટાઈલ ક્ષેત્રે ગુજરાતનો દબદબો છે અને આવનારા સમયમાં ગુજરાત ટેક્સટાઈલની બાબતમાં સમગ્ર વિશ્વમાં અગ્રેસર રહેશે તેવું મનાય છે.
વર્લ્ડ બેન્કના ડેટા અનુસાર, ભારતની કુલ વસ્તી લગભગ 141 કરોડ છે, જેમાંથી લગભગ 7 કરોડ વસ્તી ગુજરાતમાં છે. એટલે કે દેશના 5 ટકા વસ્તી ગુજરાતમાં છે. દેશની 5 ટકા વસ્તી હોવા છતાં અબજોપતિઓની સંખ્યા મામલે ગુજરાત અગ્રેસર છે. ફોર્બ્સની યાદી પ્રમાણે દેશના ટોપ-10 ઉધાગપતિઓમાં ગુજરાતના 3 ઉધાગપતિઓનો સમાવેશ થાય છે. જેમની કુલ સંપત્તિ 226 બિલિયન ડોલર છે, જ્યારે બાકીના 7 ઉધાગપતિઓની સંપત્તિ માત્ર 164 બિલિયન ડોલર છે. એટલે કે દેશના ટોપ-10 ઉધાગપતિઓની સંપત્તિમાંથી 50 ટકાથી વધુ સંપત્તિ તો ફક્ત ગુજરાતીઓ પાસે છે.
ફોર્બ્સની તાજેતરની યાદી મુજબ ભારતના અબજોપતિઓની સંખ્યા 200 થઈ ગઈ છે, જેમાં ગુજરાતી ઉધોગપતિઓની વાત કરીએ તો, ટોપ-10માં મુકેશ અંબાણી, ગૌતમ અબાણી અને દિલીપ સંઘવીનો સમાવેશ થાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 116 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. તો સંપત્તિની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે નવમા ક્રમે છે. ભારતીય અબજોપતિઓમાં ગૌતમ અદાણી 84 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા ક્રમે છે. તેમજ 26.7 બિલિયન ડોલરની નેટવર્થ સાથે દિલીપ સંઘવી પાંચમા ક્રમે છે.
ભારતના ટોપ-10 ઉધોગપતિઓ
ક્રમ | નામ | સંપત્તિ |
1 | મુકેશ અંબાણી | 116 બિલિયન ડોલર |
2 | ગૌતમ અદાણી | 84 બિલિયન ડોલર |
3 | શિવ નાદર | 36.9 બિલિયન ડોલર |
4 | સાવિત્રી જિંદાલ | 33.5 બિલિયન ડોલર |
5 | દિલીપ સંઘવી | 26.7 બિલિયન ડોલર |
6 | સાયરસ પૂનાવાલા | 21.3 બિલિયન ડોલર |
7 | કુશલપાલ સિંહ | 20.9 બિલિયન ડોલર |
8 | કુમાર બિરલા | 19.7 બિલિયન ડોલર |
9 | રાધાકિશન દામાણી | 17.6 બિલિયન ડોલર |
10 | લક્ષ્મી મિત્તલ | 16.4 બિલિયન ડોલર |
ફોર્બ્સે તાજેતરમાં જાહેર કરેલ વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોનો સમાવેશ કરાયો છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલર છે, જે ગયા વર્ષની 675 બિલિયન ડોલર કરતાં 41 ટકા વધુ છે. આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિઓએ એન્ટ્રી કરી છે. નવી યાદીમાં નરેશ ત્રેહાન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીના નામ પણ સામેલ છે. તો રોહિકા મિસ્ત્રી અને બાયજુ રવિન્દ્રનનું નામ યાદીમાંથી બહાર થઈ ગયું છે.
ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ટોચના સ્થાને છે, જેમની નેટવર્થ 83 બિલિયન ડોલરથી વધીને 116 બિલિયન જોલર થઈ છે, જેથી તેઓ 100 બિલિયન ડોલરની ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.