24 જાન્યુઆરી 2023 ના રોજ શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપના શેર વિરુદ્ધ અહેવાલપછી અદાણીના શેરોએ તેમનો સૌથી ખરાબ તબક્કો જોયો છે. કેટલાક શેરમાં 85 ટકાનો ઘટાડો પણ થયો હતો. સામે અદાણી ગ્રુપ માટે GQG પાર્ટનર્સના કો-ફાઉન્ડર અને ચેરમેન રાજીવ જૈન તારણહાર સાબિત થયા છે જેમણે અદાણી ગ્રુપની ચાર કંપનીઓના શેર રૂપિયા 15,446 કરોડમાં ખરીદીને ગ્રુપને જીવનદાન આપ્યું છે.હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું રાજીવ જૈને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરો ખરીદ્યા બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી પાછો ફરવા લાગ્યો છે?
રાજીવ જૈન GQG પાર્ટનર્સના અધ્યક્ષ અને મુખ્ય રોકાણ અધિકારી છે અને તેઓ GQGની રોકાણ વ્યૂહરચના ચલાવે છે. આ પહેલા તેઓ વોન્ટોબેલ એસેટ મેનેજમેન્ટમાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અને ઈક્વિટીઝના વડા હતા. તેમણે વર્ષ 1994માં પોર્ટફોલિયો મેનેજર તરીકે શરૂઆત કરી હતી. માત્ર સાત વર્ષમાં રાજીવ જૈને GQGનું 92 બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ પાવરહાઉસ બનાવ્યું છે.
રાજીવ જૈને ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સિયલ રિવ્યુમાં જણાવ્યું હતું કે અદાણી પાસે ઉત્તમ સંપત્તિ છે જે ખૂબ જ આકર્ષક મૂલ્યાંકન પર ઉપલબ્ધ છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ અદાણી ગ્રૂપના શેરો પર નજર રાખી રહ્યા હતા પરંતુ પછી તેમને ગ્રૂપના શેરનું મૂલ્ય મોંઘું લાગ્યું હતું. રાજીવ જૈનને આશા છે કે તેમનું રોકાણ સાચું સાબિત થશે. તેમણે કહ્યું કે ભારતના 25 ટકા હવાઈ ટ્રાફિક અદાણીના એરપોર્ટ પરથી પસાર થાય છે અને અદાણીના બંદરો કાર્ગો વોલ્યુમમાં 25 થી 40 ટકા હિસ્સો ધરાવે છે.
ભારતમાં જન્મેલા રાજીવ જૈન 1990માં યુએસએની મિયામી યુનિવર્સિટીમાંથી એમબીએ કરવા માટે યુએસ ગયા હતા. 1994 માં તે વોનટોબેલમાં જોડાયા હતા. 2002માં તેઓ આ સ્વિસ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર બન્યા હતા. માર્ચ 2016 માં તેમણે GQG શરૂ કર્યું હતું. તેમની દેખરેખ હેઠળ વોનટોબેલ ઇમર્જિંગ માર્કેટ્સ ફંડે 10 વર્ષમાં 70 ટકા રિટર્ન આપ્યું છે.
ગુરુવારે સાંજે અદાણી જૂથે માહિતી આપી હતી કે રાજીવ જૈનની GQG એ ચાર કંપનીઓના શેર રૂ. 15,446 કરોડમાં ખરીદ્યા છે. બ્લોક ડીલ ગુરુવારે જ બજાર દ્વારા જોવામાં આવી હતી જોકે સાંજે નામ જાહેર થયું હતું. પરંતુ છેલ્લા બે દિવસમાં અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે.