Closing Bell: ઉતાર-ચડાવ ભરેલા સત્રમાં ઘટાડા સાથે બંધ થયુ બજાર, બેંક શેરોમાં જોવા મળ્યો ઘટાડો
આજે બેંકિંગ સેક્ટર અને ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં 1.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ મીડિયા અને મેટલ સેક્ટરના શેરોમાં આજે ખરીદી જોવા મળી હતી.
શેરબજાર આજે (Stock Market today) અસ્થિરતા બાદ મર્યાદિત ઘટાડા સાથે બંધ થયું છે. પ્રારંભિક તીવ્ર ઘટાડા પછી આજે મુખ્ય સૂચકાંકો (Sensex and Nifty) તેમના પાછલા સ્તરની નજીક બંધ થયા છે. આજે બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરના મોટા શેરોમાં ઘટાડાને કારણે માર્કેટમાં દબાણ જોવા મળ્યું હતું. જો કે, ગુરુવારના વેપારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસમાં ખરીદીને કારણે મુખ્ય સૂચકાંકોનું નુકસાન મર્યાદિત હતું. ગુરુવારના કારોબારમાં સેન્સેક્સ 89 પોઈન્ટના ઘટાડા સાથે 57,596 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 23 પોઈન્ટના ઘટાડા સાથે 17,223ના સ્તર પર બંધ થયો હતો. આજના કારોબારમાં બેન્કિંગ અને ફાયનાન્સિયલ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે આજે મીડિયા અને મેટલ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો.
કેવો રહ્યો આજનો કારોબાર
આજે શેરબજારમાં ભારે ઘટાડા સાથે શરૂઆત થઈ. સેન્સેક્સ અગાઉના 57,685ના બંધ સ્તર સામે આજે 57,190 પર ખુલ્યો હતો. જોકે, કારોબારની સાથે બજારમાં રિકવરી જોવા મળી હતી અને બજાર લીલા નિશાન પર પહોંચી ગયું હતું. પરંતુ બજાર લાંબા સમય સુધી લાભને ટકાવી શક્યું ન હતું અને સમગ્ર કારોબારમાં ઉતાર-ચઢાવનો માહોલ હતો. બીએસઈ પર વધી રહેલા 1,444 શેરો સામે 1,939 શેરો ઘટાડા સાથે બંધ થયા. 122 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી.
બીએસઈ પર સૂચિબદ્ધ તમામ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય 260 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું. બેન્કિંગ સેક્ટરના દિગ્ગજોના કારણે આજે બજારમાં દબાણ જોવા મળ્યું છે. એચડીએફસી બેન્ક 2 ટકાથી વધુ ઘટીને બંધ થઈ હતી, જ્યારે ICICI બેન્કમાં લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એચડીએફસીમાં 1.5 ટકાનું નુક્સાન જોવા મળ્યું. બેન્કિંગ દિગ્ગજોમાં ઘટાડો રિલાયન્સ અને ટીસીએસ જેવા શેરોમાં થયેલા વધારાને કારણે સરભર થયો હતો. બંને દિગ્ગજ શેરો આજે એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે.
ક્યાં થઈ કમાણી અને ક્યાં થઈ ખોટ
ગુરુવારના વેપારમાં બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડેક્સ આજે 1.72 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નાણાકીય સેવા ક્ષેત્રમાં 1.56 ટકાનો ઘટાડો થયો છે. ઓટો સેક્ટર ઈન્ડેક્સ આજે લગભગ અડધા ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બીજી તરફ મીડિયા સેક્ટર ઈન્ડેક્સમાં આજે સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ આજે 5.91 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. મેટલ સેક્ટર ઈન્ડેક્સ 1.54 ટકા વધીને બંધ રહ્યો હતો. આજે આઈટી અને ફાર્મા સેક્ટરે એક-એક ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 22 શેરો આજે વધારા સાથે બંધ થયા છે. આ જ 27 શેરોમાં આજે ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા