
શુક્રવારે સિનેમાઘરોમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન અભિનિત ફિલ્મ ‘હૈવાન’ દર્શકો સામે આવવાની છે. ફિલ્મમાં હૈવાન કેટલો ખૌફ પેદા કરશે તે તો બોક્સ ઓફિસના આંકડા જ કહેશે, પરંતુ શેરબજારમાં હાલ છ એવા ‘હૈવાન’ સક્રિય થયા છે, જે રોકાણકારોના સેન્ટિમેન્ટને સતત નુકસાન પહોંચાડી રહ્યા છે. કાચા તેલથી લઈને ઈરાન-અમેરિકા તણાવ, IPOની ધૂમ, IT શેરોમાં ઘટાડો, રૂપિયામાં નબળાઈ અને FIIની વેચવાલી સુધીના પરિબળોએ ભારતીય બજાર પર દબાણ વધાર્યું છે.
ભારતીય શેરબજારમાં બુધવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો. કાચા તેલની વધતી કિંમતો અને મિડલ ઈસ્ટના તણાવને કારણે રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 813 પોઈન્ટથી વધુ તૂટીને 74,764ના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી-50માં પણ લગભગ 204 પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને ઈન્ડેક્સ 23,431ના સ્તરે બંધ રહ્યો.
બજારમાં આવેલા આ ઘટાડાની સીધી અસર કંપનીઓના માર્કેટ કેપ પર જોવા મળી. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.2 લાખ કરોડથી વધુ ઘટીને લગભગ રૂ.484 લાખ કરોડ રહ્યું હતું.
જો છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરે સેન્સેક્સ 76,515.43ના સ્તરે બંધ થયો હતો, જે હવે ઘટીને 74,764.23 પર આવી ગયો છે. એટલે કે માત્ર ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1,751.20 પોઈન્ટનો ઘટાડો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ આ ઘટાડો આશરે 2.29 ટકા છે.
નિફ્ટીની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરે તે 23,897.70ના સ્તરે હતો, જે હવે 23,431ની આસપાસ આવી ગયો છે. એટલે કે ત્રણ દિવસમાં નિફ્ટી લગભગ 466 પોઈન્ટ તૂટ્યો છે. આ દરમિયાન BSEના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ.4.08 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.
બજારમાં ઘટાડાની સૌથી વધુ અસર IT શેરોમાં જોવા મળી. સેન્સેક્સમાં ઈન્ફોસિસ, HCL ટેક, ટેક મહિન્દ્રા અને TCSના શેરોમાં આશરે 2થી 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હિન્દુસ્તાન યુનિલિવર અને HDFC બેન્કના શેર પણ લગભગ 2 ટકા ઘટ્યા હતા.
બીજી તરફ અદાણી પોર્ટ્સના શેરમાં લગભગ 4 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે ટાટા સ્ટીલના શેરમાં 2 ટકાથી વધુની તેજી જોવા મળી હતી. બ્રોડર માર્કેટની વાત કરીએ તો નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ પણ 0.6 ટકા સુધી ઘટ્યા હતા. સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી IT 3 ટકાથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી મેટલમાં લગભગ 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. NSE પર 1,484 શેર વધ્યા હતા, જ્યારે 2,092 શેરમાં ઘટાડો નોંધાયો હતો. લગભગ 100 શેરમાં કોઈ ખાસ ફેરફાર થયો નહોતો.
હાલ ભારતીય શેરબજાર પર છ મોટા પરિબળોનું દબાણ જોવા મળી રહ્યું છે. આ પરિબળોએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળું બનાવ્યું છે અને બજારમાં વેચવાલીનું દબાણ વધાર્યું છે.
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે. યમનમાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના કેટલાક શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો બાદ સ્થિતિ વધુ વણસી હતી. આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે પણ ટકરાવ વધ્યો છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ખાડી વિસ્તારમાં અમેરિકાના બે જહાજો અને આઠ ઓઈલ ટેન્કરો પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. ઈરાનના પાંચ ટેન્કરો પર અમેરિકી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવી ઘટનાઓને કારણે વૈશ્વિક રોકાણકારોમાં ચિંતા વધી છે.
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની સૌથી મોટી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર જોવા મળી છે. કાચા તેલની કિંમત ફરી એક વખત 100 ડોલર પ્રતિ બેરલના સ્તરથી ઉપર પહોંચી ગઈ છે.
હોર્મુઝ સ્ટ્રેટને લઈને પણ બજારમાં ચિંતા વધી છે. વિશ્વના ક્રૂડ ઓઈલ શિપમેન્ટ માટે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. જો અહીં લાંબા સમય સુધી અવરોધ ઊભો થાય તો વૈશ્વિક સપ્લાય પર અસર પડી શકે છે. આવી આશંકાને કારણે તેલના ભાવમાં વધુ ઉછાળો આવવાની ચિંતા રોકાણકારોને સતાવી રહી છે.
એક તરફ સેકન્ડરી માર્કેટમાં વેચવાલી જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ પ્રાઈમરી માર્કેટમાં IPOને લઈને રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. બુધવારે એકસાથે છ મેઈનબોર્ડ IPO જાહેર બિડિંગ માટે ખુલ્યા હતા. તેમાં Rentomojo, Karamtara Engineering, LCC Projects, Steamhouse India, Manipal Payment & Identity Solutions અને Asset Reconstruction જેવી કંપનીઓ સામેલ છે.
માર્કેટ નિષ્ણાતોના મતે IPO માર્કેટમાં વધી રહેલી લિક્વિડિટી સેકન્ડરી માર્કેટમાંથી પૈસા ખેંચી રહી છે. તાજેતરના IPOમાં મળેલા સારા લિસ્ટિંગ ગેઈનને કારણે રિટેલ અને ઈન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો પણ પ્રાઈમરી માર્કેટ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.
ભારતીય બજારમાં IT સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો પણ નિફ્ટી અને સેન્સેક્સ માટે ચિંતાનો વિષય બન્યો છે. નિફ્ટી IT ઈન્ડેક્સમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. Coforgeના શેરમાં પણ આશરે 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
Coforgeએ 8 સપ્ટેમ્બર, 2026ના રોજ નોન-એક્ઝિક્યુટિવ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અને ચેરપર્સન ઓમ પ્રકાશ ભટ્ટના તાત્કાલિક અસરથી રાજીનામાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત વ્યાજદરમાં વધારો થવાની આશંકાએ પણ IT શેરો પર દબાણ વધાર્યું છે. ઈન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા સહિતની મોટી IT કંપનીઓના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો.
અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયામાં પણ નબળાઈ જોવા મળી રહી છે. રૂપિયો ઘટીને 95.1050ના સ્તરે પહોંચ્યો હતો. વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે કરન્સી પર પણ દબાણ વધ્યું છે.
LKP Securitiesના કમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સેશનમાં FIIની વેચવાલીએ રૂપિયાની સ્થિતિ પર વધુ દબાણ વધાર્યું છે. હવે રોકાણકારોની નજર અમેરિકાના PCE પ્રાઈસ ઈન્ડેક્સ અને આગામી ફેડ પોલિસી નિર્ણય પર રહેશે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII ભારતીય શેરબજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. NSEના પ્રારંભિક આંકડા અનુસાર મંગળવારે FIIએ ભારતીય શેરોમાં રૂ.123 કરોડની નેટ વેચવાલી કરી હતી.
એક દિવસની આ વેચવાલી બહુ મોટી ન ગણાય, પરંતુ સતત અનેક સેશનમાં FIIની વેચવાલીએ બજારના સેન્ટિમેન્ટને નબળું બનાવ્યું છે. આ મહિનામાં અત્યાર સુધીના છમાંથી ચાર ટ્રેડિંગ સેશનમાં FII ભારતીય શેરોના નેટ સેલર રહ્યા છે.
બજારની હાલની સ્થિતિ જોતા રોકાણકારો માટે આગામી દિવસો પણ મહત્વપૂર્ણ બની શકે છે. Geojit Investmentsના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, જૂન બાદથી IPOના લિસ્ટિંગ ગેઈનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કારણે રિટેલ તેમજ ઈન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો IPO માર્કેટ તરફ આકર્ષાઈ રહ્યા છે. વિજયકુમારના જણાવ્યા અનુસાર 2026માં અત્યાર સુધી નિફ્ટીનું રિટર્ન લગભગ 9.5 ટકા નેગેટિવ રહ્યું છે. બીજી તરફ IPO માર્કેટમાં સારા લિસ્ટિંગ ગેઈનને કારણે રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે આ વર્ષે અત્યાર સુધી FIIએ એક્સચેન્જ મારફતે લગભગ રૂ.2.84 લાખ કરોડની ઈક્વિટી વેચી છે, પરંતુ આ જ સમયગાળામાં તેમણે IPOમાં આશરે રૂ.36,000 કરોડનું રોકાણ કર્યું છે. એટલે કે સેકન્ડરી માર્કેટમાંથી નાણાં કાઢી રહેલા રોકાણકારો પ્રાઈમરી માર્કેટમાં પણ તક શોધી રહ્યા છે.
જોકે IPOમાં વધતી માંગ સાથે વેલ્યુએશન પણ ઊંચું થઈ રહ્યું છે. માત્ર લિસ્ટિંગ ગેઈનની આશાએ કોઈપણ IPOમાં રોકાણ કરવું જોખમી બની શકે છે. તેથી રોકાણકારોએ કંપનીનું બિઝનેસ મોડલ, વેલ્યુએશન, નાણાકીય સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓનું મૂલ્યાંકન કર્યા બાદ જ IPO માટે અરજી કરવી જોઈએ.
હાલ માટે મિડલ ઈસ્ટનો તણાવ, ક્રૂડ ઓઈલના ભાવ, રૂપિયાની ચાલ, FIIની વેચવાલી અને અમેરિકાની ફેડ પોલિસી જેવા પરિબળો ભારતીય શેરબજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી બજારમાં ઉતાવળભર્યા નિર્ણયને બદલે સાવચેતી અને યોગ્ય રિસર્ચ સાથે આગળ વધવું રોકાણકારો માટે વધુ યોગ્ય રહેશે.
શું Nifty 28,770 ના સ્તરે પહોંચશે ? શેરબજારમાં આગામી મહિનાઓ કેવા રહેશે ? જાણીતી બ્રોકરેજ ફર્મે કર્યો ‘મોટો દાવો’