આજે સવારે બજાર (Share market updates) 600 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું પરંતુ તેમાં ટ્રેડિંગ દરમિયાન સુધારો જોવા મળ્યો હતો અને દિવસના અંતે માર્કેટ નજીવા ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 85 પોઈન્ટ ઘટીને 57 હજારની નીચે 56975ના સ્તરે અને નિફ્ટી 33 પોઈન્ટના ઘટાડા સાથે 17069ના સ્તરે બંધ થયો હતો. બોનાન્ઝા પોર્ટફોલિયોના રિસર્ચ હેડ વિશાલ વાગે જણાવ્યું હતું કે 16800 પર નિફ્ટી માટે મજબૂત ટેકો છે. જો તે તેનાથી નીચે સરકી જાય છે, તો પ્રથમ સપોર્ટ 16600 પર છે અને બીજો 16400 પર છે. 17600ના સ્તરે અવરોધ છે. બેન્ક નિફ્ટીની વાત કરીએ તો, 37000-37200 પર મજબૂત અવરોધ છે અને 35500-36000 વચ્ચે સપોર્ટ છે. આવતીકાલે બજાર બંધ રહેશે.
સેન્સેક્સના ટોપ-30માં 11 શેર ઉછળ્યા હતા અને 19 શેર ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી અને પાવરગ્રીડ સૌથી વધુ વધ્યા હતા. ટાઇટન, વિપ્રો અને ટેક મહિન્દ્રામાં ઘટાડો નોંધાયો હતો. માર્ચ ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. કોન્સોલિડેટેડ પ્રોફિટમાં 51 ટકાનો ઉછાળો નોંધાયો છે. બ્રોકરેજે ખરીદીની સલાહ આપી છે. સીએલએસએ 1200 રૂપિયા, મોર્ગન સ્ટેનલી 1300 રૂપિયા, ક્રેડિટ સુઈસ 1150 રૂપિયા અને નોમુરા 1285 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ ધરાવે છે. કોટ ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીએ લક્ષ્યાંક 1050 રૂપિયા રાખ્યું છે. શેર ખાને 1150 રૂપિયા અને મોતીલાલ ઓસવાલે 1195 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે.
હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડે આજે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં HDFCનો નફો 16 ટકા વધીને 3,700 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં નફો 3,180 કરોડ રૂપિયા હતો. HDFCના બોર્ડે ઈક્વિટી શેર દીઠ 30 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. માર્ચ ક્વાર્ટરમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની ચોખ્ખી વ્યાજ આવક (NII) 4,601 કરોડ રૂપિયા હતી. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 4,027 કરોડ રૂપિયા હતી.