RBI એ રેપો રેટમાં વધારો કરતા હોમ-ઓટો સહિત તમામ લોન મોંઘી થશે, જાણો કેટલો વધી શકે છે EMI
રેપો રેટમાં (Repo Rate) વધારા બાદ હવે બેંકો લોનના વ્યાજ દરમાં વધારો કરશે. જો બેંકો વ્યાજ દરમાં 0.40 ટકાનો વધારો કરે છે, તો લોનની EMI નોંધપાત્ર રીતે વધી જશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (Reserve Bank of India) ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે એટલે કે 4 મે 2022ના રોજ રેપો રેટમાં (Repo Rate) 40 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. આ વધારા બાદ રેપો રેટ વધીને 4.40 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. પોલિસી રેટ વધવાથી હોમ લોન, ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. સામાન્ય માણસ પર EMIનો બોજ વધશે. આરબીઆઈએ 2 મે થી 4 મે દરમિયાન એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં, MPCએ સર્વસંમતિથી દરો વધારવાની તરફેણમાં મતદાન કર્યું હતું. આરબીઆઈએ સીઆરઆરમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. આરબીઆઈએ કેશ રિઝર્વ રેશિયો અને સીઆરઆરમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. કેશ રિઝર્વ રેશિયો 0.5 ટકા વધીને 4.50 ટકા થયો છે. રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી. દાસે જણાવ્યું હતું કે, CRR ના વધારાથી રૂ. 87,000 કરોડ લિક્વિડિટી પાછી આવશે.
તમારા ખિસ્સા પર રેપો રેટમાં વધારાની અસર
રેપો રેટમાં વધારો થવાથી લોનની EMI વધે છે. જેમ આપણે આપણી જરૂરિયાતો માટે બેંકો પાસેથી લોન લઈએ છીએ, તેવી જ રીતે બેંકો પણ પોતાની જરૂરિયાતો માટે રિઝર્વ બેંક પાસેથી લોન લે છે. રિઝર્વ બેંક જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. જો રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરે છે, તો તમને બેંક દ્વારા હોમ લોન, કાર લોન, પર્સનલ લોન જેવી લોન પણ મોંઘી થઈ જશે.
CRR સામાન્ય માણસને કેવી રીતે અસર કરે છે
જો CRR વધે છે, તો બેંકોએ રિઝર્વ બેંક પાસે મોટો હિસ્સો રાખવો પડશે અને તેમની પાસે લોન તરીકે આપવા માટે ઓછી રકમ બાકી રહેશે. એટલે કે સામાન્ય માણસને લોન આપવા માટે બેંકો પાસે પૈસા ઓછા હશે. જો રિઝર્વ બેંક CRR ઘટાડે છે, તો બજારમાં રોકડ પ્રવાહ વધે છે.
EMI કેટલો વધશે?
રેપો રેટમાં વધારા બાદ હવે બેંકો લોનના વ્યાજ દરમાં વધારો કરશે. જો બેંકો વ્યાજ દરમાં 0.40 ટકાનો વધારો કરે છે, તો લોનની EMI નોંધપાત્ર રીતે વધી જશે. હાલમાં હોમ લોનનો વ્યાજ દર 6.70 ટકા છે જે હવે વધીને 7.10 ટકા થશે. તમે તેને આ રીતે સમજી શકો છો. જો તમે 6.70 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય તો તેની EMI 22,721 રૂપિયા થાય છે. બીજી તરફ, 0.40 ટકાના વ્યાજ દરમાં વધારો કરવા પર, નવા દરો વધીને 7.10 ટકા થશે અને તમારી EMI વધીને રૂ. 23,439 થશે. આ રીતે તમારા ખિસ્સા પર દર મહિને 718 રૂપિયાનો બોજ વધશે.