
આજના સમયમાં ચાની દુકાનથી લઈને મોટી ઓનલાઇન ખરીદી સુધી લોકો UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ માધ્યમોનો ઉપયોગ કરે છે. પરંતુ ડિજિટલ વ્યવહારો વધવાની સાથે સાયબર હુમલા અને ઓનલાઇન છેતરપિંડીનું જોખમ પણ વધ્યું છે. આ ખતરાને જોતાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સુરક્ષા મજબૂત કરવા માટે ‘6-Hour Rule’ સહિત અનેક કડક નિયમો જાહેર કર્યા છે.
RBI ની નવી સાયબર સિક્યોરિટી ગાઇડલાઇન મુજબ, તમામ નોન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો (PSO) એ પોતાના સિસ્ટમમાં કોઈ સાયબર હુમલો, સર્વર ડાઉન થવું, ટેકનિકલ ખામી કે પેમેન્ટ સેટલમેન્ટમાં વિલંબ જેવી અસામાન્ય ઘટના બને તો તેની જાણ 6 કલાકની અંદર RBI અને CERT-In ને કરવી ફરજિયાત છે. આ નિયમ NPCI, કાર્ડ નેટવર્ક, પેમેન્ટ એગ્રીગેટર્સ, વોલેટ કંપનીઓ (PPI) અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટરો પર લાગુ થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ઘટનાઓની સમયસર તપાસ અને તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે.
આ નિયમથી પેમેન્ટ કંપનીઓની જવાબદારી વધશે અને તેઓ કોઈપણ ગંભીર ટેકનિકલ ખામીને છુપાવી નહીં શકે. સાયબર હુમલાની જાણ 6 કલાકમાં થવાથી સુરક્ષા એજન્સીઓ તરત જ ડેટા ચોરી કે મોટા નુકસાનને અટકાવી શકશે. ઉપરાંત, પેમેન્ટ અટકી જવું કે સેટલમેન્ટમાં થતા વિલંબ પર RBI ની સીધી નજર રહેશે, જેનાથી ગ્રાહકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવશે. જોકે, આ નિયમ 6 કલાકમાં રિફંડની ગેરંટી આપતો નથી, પરંતુ સમગ્ર પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવે છે.
નિષ્ણાતોના મતે, ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવે છે, તેથી તેની દરેક કડી મજબૂત હોવી જરૂરી છે. RBI ના આ પગલાંથી ડિજિટલ વ્યવહારો વધુ ભરોસાપાત્ર બનશે, પરંતુ ગ્રાહકોએ પણ અજાણી લિંક પર ક્લિક કરવા કે OTP શેર કરવાથી બચવું જોઈએ.