ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે મોંઘવારી પર હુમલો કર્યો છે. છૂટક બજારમાં ડુંગળી અને ટામેટાના ભાવમાં વધારો થવા લાગ્યો ત્યારે સરકાર દ્વારા લોકોને સસ્તા ભાવે ડુંગળી અને ટામેટાનું વેચાણ શરૂ કર્યું હતું. થોડા દિવસ પહેલા જ સરકારે સસ્તા ભાવે લોટનું વેચાણ કરવા માટે ‘ભારત આટા’ લોન્ચ કર્યું હતું. આ જ ક્રમમાં હવે ‘ભારત દાળ’ લોન્ચ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર હવે ‘ભારત દાળ’ ના નામથી ચણાની દાળનું છૂટક વેચાણ કરી રહી છે. સરકારે તેને જુલાઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો હતો. સરકાર ‘ભારત દાળ’ બ્રાન્ડ હેઠળ 60 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે તેનું વેચાણ કરશે. થોડા જ દિવસોમાં સમગ્ર દેશમાં આ દાળ ઉપલબ્ધ થશે. દાળના ભાવ છૂટક બજાર કરતાં લગભગ અડધા છે.
હાલ ‘ભારત દાળ’ નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED), નેશનલ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF), કેન્દ્રીય ભંડાર અને સફળ સ્ટોર્સ દ્વારા વેચવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર મોબાઈલ વાન દ્વારા પણ આ દાળ વેચી રહી છે, જેનું વેચાણ ‘ભારત આટા’ની સાથે થઈ રહ્યુ છે.
આ મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા ‘ભારત આટા’નું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ઘઉંનો લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. સમગ્ર દેશમાં NAFED, NCCF અને કેન્દ્રીય ભંડારના અંદાજે 2,000 આઉટલેટ્સ પરથી તેનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત સરકાર 800 મોબાઈલ વાન દ્વારા પણ ‘ભારત આટા’નું વેચાણ કરી રહી છે.
સરકાર દેશમાં કઠોળ, લોટ, ચોખા, ડુંગળી, બટેટા અને ટામેટા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો બફર સ્ટોક રાખે છે. તેના માટે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ બનાવવામાં આવ્યું છે. જે હેઠળ સરકાર ચણા, અડદ, તુવેર, મગ અને મસૂર જેવા કઠોળનો સ્ટોક રાખે છે. ભાવને નિયંત્રણમાં રાખવા માટે આ સ્ટોકમાંથી કઠોળનો જથ્થો ખુલ્લા બજારમાં મુકવામાં આવે છે.
આ પણ વાંચો : સામાન્ય લોકોને મળી મોટી રાહત, ઓક્ટોબરમાં મોંઘવારી દર 5 મહિનામાં સૌથી નીચો રહ્યો
સરકારે અડદ અને તુવેરની આયાતને માર્ચ 2024 સુધી ‘ફ્રી કેટેગરીમાં’ રાખી છે. આ સાથે જ મસૂરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. હાલમાં નાફેડ દ્વારા કઠોળ 60 રૂપિયે કિલો, લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલો અને ડુંગળી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યુ છે.