
દરેક માતા-પિતા ઈચ્છે છે કે, તેમના બાળકનું ભવિષ્ય સુરક્ષિત રહે. સારું શિક્ષણ મળે, કરિયર બનાવવામાં પૈસાની અછત ન આવે અને મોટા થયા પછી તેમને પોતાના સપના પૂરા કરવા માટે કોઈની સામે હાથ ન ફેલાવવો પડે.
આ માટે ઘણા લોકો બાળકોના નામે નાની ઉંમરથી જ બચત શરૂ કરી દે છે. એવામાં સવાલ એ છે કે, બાળકના ભવિષ્ય માટે પૈસા ક્યાં રોકવા વધુ ફાયદાકારક રહેશે? બેંકની FD, PPF કે પછી મ્યુચ્યુઅલ ફંડ?
આમ તો, ત્રણેય રોકાણના પોતાના ફાયદા છે. તેથી, આમાંથી કોઈ એકને પસંદ કરતા પહેલાં એ સમજવું જરૂરી છે કે; તમારો લક્ષ્યાંક શું છે અને તમે કેટલું જોખમ લઈ શકો છો?
જો તમે જોખમ ન લેવા માંગતા હોવ તો બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD એક વિકલ્પ બની શકે છે. તેમાં એક નક્કી સમય માટે પૈસા જમા કરવામાં આવે છે અને બેંક અગાઉથી નક્કી વ્યાજ આપે છે.
બજારમાં વધઘટની FD પર કોઈ અસર પડતી નથી. જો કે, તેમાં મળતું વળતર મર્યાદિત રહે છે. લાંબાગાળામાં મોંઘવારીને ધ્યાનમાં રાખીએ તો, FDનું વળતર ઘણીવાર ઓછું પડી શકે છે. આ ઉપરાંત, વ્યાજથી થતી કમાણી ટેક્સના દાયરામાં પણ આવી શકે છે.
બાળકો માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF પણ સારો વિકલ્પ હોઈ શકે છે. આ સરકારની નાની બચત યોજના છે, જેમાં રોકાણ પર નક્કી વ્યાજ મળે છે. તેમાં 15 વર્ષનો લોક-ઈન પિરિયડ હોય છે. ટૂંકમાં, પૈસા લાંબા સમય સુધી રોકાણમાં જળવાઈ રહે છે.
PPFની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં રોકાણ, વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પર ટેક્સ મુક્તિ મળે છે. જો કે, તેમાં દર વર્ષે રોકાણની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. તેથી, ઘણું મોટું ફંડ બનાવવા માટે આ એકલો વિકલ્પ પૂરતો ન પણ થઈ શકે.
જો બાળકના ભવિષ્ય માટે તમારી પાસે 10 થી 15 વર્ષ કે તેથી વધુનો સમય હોય, તો મ્યુચ્યુઅલ ફંડ પર પણ વિચાર કરી શકો છો. ખાસ કરીને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા દર મહિને થોડી-થોડી રકમ રોકી શકાય છે. તેમાં વળતર બજારના પ્રદર્શન પર આધાર રાખે છે એટલે કે નફો વધુ થઈ શકે છે. જો કે, આમાં નુકસાનની આશંકા પણ રહે છે.
ઉદાહરણ તરીકે, જો તમે દર મહિને 5,000 રૂપિયાની SIP કરો છો અને તમને 12 ટકા વાર્ષિક વળતર મળે છે, તો 15 વર્ષમાં તમારું કુલ રોકાણ 9 લાખ રૂપિયા થશે. તેના પર અંદાજિત વળતર લગભગ 16 લાખ રૂપિયા થઈ શકે છે એટલે કે કુલ ફંડ લગભગ 25 લાખ રૂપિયા બની શકે છે. જો કે, આ માત્ર એક ઉદાહરણ છે, મ્યુચ્યુઅલ ફંડમાં વળતરની કોઈ ગેરંટી હોતી નથી.
જો તમારી પ્રાથમિકતા પૈસા સુરક્ષિત રાખવાની હોય તો FD અને PPF પર વિચાર કરી શકો છો. લાંબાગાળામાં વધુ ફંડ બનાવવાનો લક્ષ્યાંક હોય અને તમે બજારનું જોખમ લઈ શકો તેમ હોવ, તો મ્યુચ્યુઅલ ફંડ ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત જરૂરિયાત અને જોખમ લેવાની ક્ષમતા મુજબ ત્રણેયમાં થોડું-થોડું રોકાણ કરી શકો છો.