
ઇનકમ ટેક્સ વિભાગની નોટિસ આવે એટલે સામાન્ય રીતે ગમે તેવા મોટા માથાઓના પરસેવા છૂટી જતા હોય છે. પરંતુ મુંબઈમાં એક એવો અદભુત કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ 5 કરોડ રૂપિયા કરતાં વધુની જમીન વેચી, નિયત સમય મર્યાદામાં પોતાનું આઇટીઆર (ITR) પણ ન ભર્યું, છતાં કાનૂની લડાઈ બાદ તેને એક પણ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડ્યો નથી.
આ રસપ્રદ કેસ આ દિવસોમાં દેશભરના ટેક્સપેયર્સ વચ્ચે ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો છે. આખરે આ શખ્સે આવકવેરા વિભાગના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને કોર્ટમાંથી કેવી રીતે રાહત મેળવી, તે જાણવા જેવું છે.
મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં રહેતા બાબુલાલ નામના વ્યક્તિએ વર્ષ 2017 માં પોતાની ત્રણ જમીનો આશરે 5.03 કરોડ રૂપિયામાં વેચી હતી. આ સોદામાંથી તેમને આશરે 3.68 કરોડ રૂપિયાનો લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) એટલે કે લાંબાગાળાનો મૂડી નફો થયો હતો.
નિયમ મુજબ, જો તમે જમીન કે મકાન વેચીને નફો કમાઓ છો, તો ટેક્સ બચાવવા માટે આવકવેરા કાયદાની કલમ-54 હેઠળ નવી રહેણાંક પ્રોપર્ટી ખરીદવી પડે છે. જો સમયસર નવી પ્રોપર્ટી ન ખરીદાય, તો તે પૈસા કેપિટલ ગેઇન્સ એકાઉન્ટ સ્કીમ (CGAS) એટલે કે ખાસ સરકારી ખાતામાં જમા કરાવવાના હોય છે.
બાબુલાલે નિયત તારીખ સુધીમાં પોતાનું આઇટીઆર ફાઇલ કર્યું ન હતું. સરકારે વધારેલી ડેડલાઇન ચૂકી ગયા પછી છેક 28 ડિસેમ્બર 2018 ના રોજ તેમણે મોડું (બિલેટેડ) આઇટીઆર દાખલ કર્યું. પરંતુ આઇટીઆર ભરવાના બરાબર ચાર દિવસ પહેલાં તેમણે એક મોટો દાવ ખેલ્યો હતો. તેમણે નવી પ્રોપર્ટી ખરીદવા માટે 8.45 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી.
જ્યારે તેમણે આ આધારે ટેક્સ મુક્તિ માંગી, ત્યારે ઇનકમ ટેક્સ વિભાગે વાંધો ઉઠાવ્યો કે તેમણે સમયસર ખાસ CGAS ખાતામાં પૈસા જમા કરાવ્યા ન હતા, તેથી આ છૂટ મળી શકે નહીં. આખરે આ મામલો મુંબઈ ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) માં પહોંચ્યો.
મુંબઈ આઈટીએટી (ITAT) એ આ કેસમાં ખૂબ જ મહત્વનો ચુકાદો આપતા ઇનકમ ટેક્સ વિભાગની દલીલ ફગાવી દીધી. ટ્રિબ્યુનલે જણાવ્યું કે જો ટેક્સપેયરે મોડું આઇટીઆર ફાઇલ કરતા પહેલા જ તમામ નાણાં નવી મિલકત ખરીદવામાં રોકી દીધા હોય, તો પછી અલગથી CGAS ખાતામાં પૈસા જમા કરાવવાની કોઈ જરૂર રહેતી નથી.
જ્યારે નફાની આખેઆખી રકમ નવી પ્રોપર્ટીમાં વપરાઈ ગઈ હતી, ત્યારે કોઈ વણવપરાયેલી રકમ બચી જ નહોતી. આથી માત્ર ટેકનિકલ કારણોસર ટેક્સપેયરની કાયદેસરની છૂટ રોકી શકાય નહીં. જોકે, ટ્રિબ્યુનલે અધિકારીઓને નવી પ્રોપર્ટીના દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવાના આદેશ આપ્યા છે.
આ ચુકાદો એવા તમામ લોકો માટે એક મોટો સબક અને રાહતના સમાચાર છે જેઓ કોઈ કારણસર સમયસર આઇટીઆર ભરી શકતા નથી, પરંતુ કેપિટલ ગેઇનનો ઉપયોગ નવી પ્રોપર્ટી ખરીદવામાં કરી દે છે. જોકે, ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે દરેક કેસની સ્થિતિ અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ મોટા નાણાકીય રોકાણ કે ટેક્સ પ્લાનિંગ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.