MONEY9: સોનાની આયાત જકાત વધવાથી દાણચોરીને પ્રોત્સાહન મળશે?

સરકારે સોનાની આયાત પર લાગતી ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી છે. સરકારના આ નિર્ણયથી સોનાના ભાવમાં વધારો થયો છે. જોકે, એવી પણ બીક છે કે, જકાત વધવાને કારણે સોનાની દાણચોરીને પ્રોત્સાહન મળી શકે છે.

MONEY9: સોનાની આયાત જકાત વધવાથી દાણચોરીને પ્રોત્સાહન મળશે?
| Edited By: | Updated on: Jul 18, 2022 | 6:15 PM

MONEY9: સરકારે જુલાઈના પ્રારંભિક સપ્તાહમાં જ મોટો નિર્ણય લીધો અને સોના (GOLD)ની આયાત (IMPORT) પર લાગતી જકાત વધારી દીધી. સરકારનો ઈરાદો ગોલ્ડની આયાતમાં ઘટાડો કરવાનો, વેપાર ખાધને અંકુશમાં રાખવાનો અને રૂપિયાના ઘટાડાને બ્રેક મારવાનો છે.

સોનાની વધતી આયાત ચિંતાજનક

મે મહિનામાં ભારતમાં 107 ટન ગોલ્ડની આયાત થઈ હતી, જેથી સરકારની ચિંતા વધી ગઈ હતી અને આથી, સરકારે ગોલ્ડ પર ઈમ્પૉર્ટ ડ્યૂટી વધારી દીધી. પહેલાં ગોલ્ડની આયાત પર 10.75 ટકા ડ્યૂટી લાગતી હતી, જે હવે વધીને 15 ટકા થઈ છે.

ઈમ્પૉર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય વાજબી

વેપારખાધ અને રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં લઈએ તો, ગોલ્ડ પર ઈમ્પૉર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય વાજબી પણ લાગે છે. જૂનમાં વેપાર ખાધનો આંકડો 25 અબજ ડૉલરના વિક્રમ સ્તરે પહોંચી ગયો હતો. વેપાર ખાધમાં થયેલી આ જંગી વૃદ્ધિ પાછળ ક્રૂડ ઓઈલ અને ગોલ્ડની આયાતનો મુખ્ય ફાળો છે. જૂનમાં ગોલ્ડની આયાતમાં 169 ટકા વૃદ્ધિ થઈ હતી અને 2.61 અબજ ડૉલરથી વધુ મૂલ્યના ગોલ્ડની આયાત થઈ હતી. વેપાર ખાધ વધવાથી પણ રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. ડૉલર સામે રૂપિયો ઘટીને 11 જુલાઈએ 79.48ના વિક્રમ સ્તરે પહોંચી ગયો હતો.

સોનાના ભાવ પર અસર

જોકે, સરકારના આ નિર્ણયે ગ્રાહકોની મુશ્કેલી વધારી દીધી છે, કારણ કે, સરકારી ઈમ્પૉર્ટ ડ્યૂટી વધારી ત્યારથી સોનાના ભાવ 1,500 રૂપિયા સુધી વધી ગયા છે. ઈમ્પૉર્ટ ડ્યૂટી વધી તેની પહેલાં કૉમોડિટી એક્સચેન્જ MCX પર સોનાનો ભાવ 50,600 રૂપિયાની આસપાસ હતો, જે બાદમાં 52,100 રૂપિયાની ઉપર પહોંચી ગયો હતો.

એક્સપર્ટનો મત

ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશનના પ્રવક્તા કુમાર જૈનનું કહેવું છે કે, સોનાની આયાત પર જકાત વધવાથી ભારતમાં સોનાની દાણચોરીને પ્રોત્સાહન મળી શકે છે. દુબઈમાં સોનાનો ભાવ ભારતીય ચલણમાં 46,500 રૂપિયાની આસપાસ છે અને ભારતમાં આ ભાવ 53,500 રૂપિયા છે. એટલે કે, કિલો દીઠ લગભગ 7 લાખ રૂપિયાનો ફરક છે. આ આંકડો વિદેશમાંથી સોનાના સ્મગ્લિંગને પ્રોત્સાહન આપવા માટે પર્યાપ્ત છે.

જ્વેલરી માર્કેટ પર અસર

ઈમ્પૉર્ટ ડ્યૂટી વધવાથી ગોલ્ડના ભાવ વધ્યા છે અને તેની અસર જ્વેલરીની માંગ પર પડી શકે છે. ભારતનો જ્વેલરી ઉદ્યોગ કોરોના મહામારીમાંથી બહાર નીકળવા માટે લગ્નસરાની સીઝન પર મીટ માંડીને બેઠો છે ત્યારે સોનાના ભાવ વધવાથી તેમની આ આશા પર પાણી ફરી વળે તેવી શક્યતા છે.