તમારી પાસે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા-LICની પોલિસી(LIC Policy) છે અને તે લેપ્સ્ડ મોડમાં ચાલી રહી છે. એટલે કે જો તમે લાંબા સમયથી પ્રીમિયમ ચૂકવ્યું નથી તો તમે બાકીનું પ્રીમિયમ જમા કરીને તમારી પોલિસીને ફરીથી એક્ટિવ કરી શકો છો. દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)એ લેપ્સ પોલિસી પર પોલિસીધારકોને મોટી રાહત આપી છે. LIC લેપ્સ્ડ વીમા પોલિસીના સસ્તામાં રિવાઇવ કરવા માટે ઝુંબેશ ચલાવી રહી છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલ ઝુંબેશ 25 માર્ચે સમાપ્ત થશે. તેનો અર્થ એ કે હવે તમારી પાસે પોલિસી ફરી શરૂ કરવા માટે માત્ર 2 દિવસ બાકી છે.
તે પોલિસીઓ જેમની પ્રીમિયમની તારીખ પસાર થઈ ગઈ છે પરંતુ રિવાઈવલની તારીખ હજુ બાકી છે તેઓ આ ઝુંબેશનો લાભ લઈ શકે છે. નોંધનીય છે કે આ ઝુંબેશ મલ્ટીપલ રિસ્ક પોલિસી, ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી અને હાઇ રિસ્ક વીમા પોલિસીને આવરી લેતી નથી.
વીમા કંપનીએ કહ્યું, “કોવિડ-19 રોગચાળાએ વીમા સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને આ ઝુંબેશ એલઆઈસી પોલિસીધારકો માટે તેમની પોલિસીને ફરીથી એક્ટિવ કરવાની સારી તક છે.” આ ઉપરાંત પોલિસીને ફરીથી એક્ટિવ કરવા માટે જરૂરી મેડિકલ રિપોર્ટમાં કોઈ રાહત આપવામાં આવશે નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સૂક્ષ્મ વીમા યોજનાઓમાં પ્રીમિયમની મોડી ચુકવણી માટે ફી માફ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ પાંચ વર્ષ સુધી પ્રીમિયમ ન ભરવાની પોલિસી પણ એક્ટિવ કરી શકાશે.
એલઆઈસીએ કહ્યું કે નિષ્ક્રિય પોલિસીને ફરીથી સક્રિય કરવા માટેની ફી પણ માફ કરવામાં આવી રહી છે. જો કે, ટર્મ પ્લાન અને હાઈ રિસ્ક ઈન્સ્યોરન્સ પ્લાન પર આ ડિસ્કાઉન્ટ નહીં મળે.
જો તમે માત્ર એક કે બે પ્રિમીયમજ ચૂકવ્યા હોય અને રકમ નજીવી હોય અને તમારી જરૂરિયાતો હાલની પોલિસીને આવરી લેવામાં સક્ષમ ન હોય તો તેને ફરીથી શરૂ કરવાનો કોઈ અર્થ નથી. લેપ્સ પોલિસી રિવાઇવ કરતા પહેલા મૂલ્યાંકન કરો કે તમને આ પોલિસીની જરૂર છે કે નહીં?