
ભારતીય વીમા ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને આલિયાન્ઝ ગ્રુપે ભારતમાં જનરલ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સેવાઓ પૂરી પાડવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ બંને કંપનીઓ વચ્ચે 50:50 ટકાની ભાગીદારી રહેશે. જુલાઈ 2025માં કરવામાં આવેલી પ્રાથમિક ચર્ચા બાદ આજે સત્તાવાર રીતે અમલમાં આવી છે.
આ ડીલ પર ખુશી વ્યક્ત કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા સ્થાપક ધીરુભાઈ અંબાણી માનતા હતા કે શ્રેષ્ઠ સુવિધાઓ દરેક ભારતીયને મળવી જોઈએ, માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકોને જ નહીં. ‘2047 સુધીમાં દરેક માટે વીમો’ એ એક રાષ્ટ્રીય મિશન છે અને જિયો ફાઇનાન્શિયલ આ મિશનને પૂરું કરવા માટે કટિબદ્ધ છે. આલિયાન્ઝના ગ્લોબલ અનુભવ અને જિયોના ડિજિટલ નેટવર્કથી અમે ભારતના ખૂણે ખૂણે સસ્તો અને સમજવામાં સરળ વીમો પહોંચાડીશું.”
આ જોઈન્ટ વેન્ચર અત્યારે જનરલ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ બંને કંપનીઓ ભારતમાં લાઈફ ઇન્શ્યોરન્સ (જીવન વીમા) વ્યવસાય શરૂ કરવા માટે પણ અલગથી ચર્ચાઓ કરી રહી છે. જરૂરી કાનૂની મંજૂરીઓ મળ્યા બાદ આ જોઈન્ટ વેન્ચર તેની કામગીરી શરૂ કરશે.
આલિયાન્ઝ ગ્રુપના સીઈઓ ઓલિવર બેટે જણાવ્યું કે, “જિયો જેવી મજબૂત કંપની સાથે જોડાઈને અમે ભારતમાં વીમાનું એક નવું મોડલ તૈયાર કરીશું, જે સંપૂર્ણપણે ગ્રાહકોની જરૂરિયાતો પર આધારિત હશે.”
ભારતમાં વધતો મધ્યમ વર્ગ અને યુવા વસ્તીને ધ્યાનમાં રાખીને આ ભાગીદારી આગામી સમયમાં વીમા માર્કેટના સમીકરણો બદલી શકે છે.
Published On - 7:55 pm, Wed, 22 April 26