GST કલેક્શનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સરકારી તિજોરીમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન રુ. 1.75 કરોડ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું, જેમાં CGST 39,586 કરોડ રૂપિયા અને SGST 33,548 કરોડ રૂપિયા હતો. મે 2024માં સરકારનું GST કલેક્શન 1.73 લાખ કરોડ રૂપિયા હતું. જે ગયા વર્ષના મે મહિનામાં જીએસટી કલેક્શન કરતા રેકોર્ડ 10 ટકા વધુ હતું. ગયા વર્ષે મે મહિનામાં આ આંકડો 1.57 લાખ કરોડ રૂપિયાનો હતો.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, ગયા નાણાકીય વર્ષ 2023-24માં પરોક્ષ કર સંગ્રહ સરકારના 14.84 લાખ કરોડ રૂપિયાના સુધારેલા અંદાજ કરતા ઘણો વધારે છે. તેમણે પ્રાદેશિક કર અધિકારીઓને પત્ર લખ્યો અને 2023-24માં રેકોર્ડ GST કલેક્શન માટે ટીમને ક્રેડિટ આપી. તેમણે તેમના પત્રમાં ટેક્સ અધિકારીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ સિદ્ધિ માત્ર અમારી વ્યાવસાયિકતાને જ પ્રતિબિંબિત કરતી નથી. પરંતુ તે CBIC સમુદાયમાં ટીમ વર્ક અને દ્રઢતાની શક્તિને પણ પ્રકાશિત કરે છે.
CBIC ચીફ સંજય કુમાર અગ્રવાલે કહ્યું કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં GST થી 20.18 લાખ કરોડ રૂપિયાનું ગ્રોસ ટેક્સ કલેક્શન થયું છે. જે પાછલા નાણાકીય વર્ષ 2022-23ના ટેક્સ કલેક્શન કરતાં 11.7 ટકા વધુ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક વધારીને 19.45 લાખ કરોડ રૂપિયા કર્યો હતો. જ્યારે GST, કસ્ટમ્સ અને એક્સાઇઝ ડ્યુટી સહિતના પરોક્ષ કરનો લક્ષ્યાંક ઘટાડીને 14.84 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. સુધારેલા અંદાજો અનુસાર, સરકાર નાણાકીય વર્ષ 2023-24માં કુલ 34.37 લાખ કરોડ રૂપિયાના કુલ ગ્રોસ ટેક્સ કલેક્શનની અપેક્ષા રાખે છે.