કેન્દ્ર સરકારે ગત ડિસેમ્બરમાં ઘરેલુ હવાઈ ભાડા ઉપર લાદવામાં આવેલી કામચલાઉ ભાડા ઉપરની મર્યાદા હટાવી દીધી છે. ગયા ડિસેમ્બર મહિનામાં ઇન્ડિગોની ફ્લાઈટ ઘડાઘડ કેન્સલ થવાને કારણે અન્ય એરલાઈન્સ દ્વારા મુસાફરી ભાડામાં તોતિગ વધારો કરી દેવાયો હતો. ફ્લાઇટ વિક્ષેપને ધ્યાનમાં રાખીને સરકારે તમામ એરલાઈન્સ પર ભાડા માર્યાદા લાગુ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, આ મર્યાદા, આવતીકાલ 23 માર્ચથી અમલમાં નહીં રહે. કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે એરલાઇન્સ તેમના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરીમાં ગંભીર અસરનો સામનો કરી રહી છે.
કેન્દ્ર સરકારે હવાઈ ઉડ્ડયન સંબંધે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, એરલાઇન્સે ખાતરી કરવી જોઈએ કે, મુસાફરી ભાડા વાજબી, પારદર્શક અને બજારની સ્થિતિ સાથે સુસંગત હોય, જેથી મુસાફરોના હિતોને પ્રતિકૂળ અસર ન થાય. ઉડ્ડયન મંત્રાલયે એ પણ ભાર મૂક્યો હતો કે, ભાડામાં કોઈપણ અતિશય અથવા ગેરવાજબી વધારાને ગંભીરતાથી જોવામાં આવશે.મંત્રાલયે પોતાના આદેશમાં એરલાઇન્સને ભાડા નિર્ધારણમાં શિસ્ત જાળવવા અને જવાબદારીપૂર્વક વર્તન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, એરલાઇન્સે ખાતરી કરવી જોઈએ કે ભાડા વાજબી, પારદર્શક અને બજારની પરિસ્થિતિઓ સાથે સુસંગત હોય, જેનાથી મુસાફરોના હિતોને કોઈપણ પ્રતિકૂળ અસર સામે રક્ષણ મળે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વધુમાં ભાર મૂક્યો કે, અતિશય અથવા ગેરવાજબી ભાડા વધારાનો કોઈપણ કેસ – ખાસ કરીને વધતી માંગ, કામગીરીમાં વિક્ષેપો અથવા કટોકટીની પરિસ્થિતિઓ દરમિયાન અત્યંત ગંભીરતાથી લેવામાં આવશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય વાસ્તવિક સમયના ધોરણે હવાઇ ભાડાના વલણોનું નિરીક્ષણ કરી રહ્યું છે. આદેશ અનુસાર, સ્થાનિક હવાઇ ભાડા પર કામચલાઉ મર્યાદા મૂળ રૂપે 6 ડિસેમ્બરના રોજ ટિકિટના ભાવમાં અસામાન્ય વધારાને રોકવા માટે લાદવામાં આવી હતી, જે ઇન્ડિગો એરલાઈન્સના પાઈલટની નીતિના કારણે એકાએક ફ્લાઈટ રદ થવા લાગી હતી. જેની સીધી અસર હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે અનુભવાઈ હતી. વ્યાપક ફ્લાઇટ વિક્ષેપોના પરિણામે અન્ય એરલાઈન્સે ભાડમાં એકાએક વધારો કરી નાખ્યો હતો. આવા સમયે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આદેશ બહાર પાડીને ભાડા વધારા પર માર્યાદા લાદી હતી. ત્યારથી, ભાડાની પરિસ્થિતિ સ્થિર થઈ છે, ક્ષમતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે, અને સમગ્ર ક્ષેત્રમાં કામગીરી સામાન્ય થઈ ગઈ છે. વ્યાપક સમીક્ષા બાદ, 23 માર્ચ, 2026 થી લાગુ પડતી ભાડા મર્યાદા ઉઠાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.