ICICI Bank Q2 Results: બીજા ક્વાર્ટરમાં પ્રોફિટમાં આવ્યો 25 ટકાનો ઉછાળો, કુલ 6,092 કરોડની કમાણી
ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક ICICI બેન્કે સપ્ટેમ્બર ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકના નેટ પ્રોફિટમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે.
ખાનગી ક્ષેત્રની ICICI બેંકનો નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળામાં એકીકૃત ચોખ્ખો નફો 24.7 ટકા વધીને 6,092 કરોડ રૂપિયા થયો છે. બેંકે સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી. બેન્કે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 4,882 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.
ICICI બેન્કે જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક નજીવી રીતે વધીને 39,484.50 કરોડ રૂપિયા થઈ હતી. જે 2020-21ના સમાન સમયગાળામાં 39,289.60 કરોડ રૂપિયા હતી. એકલ આધાર પર ક્વાર્ટર દરમિયાન બેન્કનો ચોખ્ખો નફો 30 ટકા વધીને 5,511 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 4,251 કરોડ રૂપિયા હતો. એકલ આધાર પર ક્વાર્ટર દરમિયાન બેંકની આવક 23,651 કરોડ રૂપિયાથી વધીને 26,031 કરોડ થઈ છે.
એસેટ ક્વોલિટીમાં આવ્યો સુધારો
બેંકની એસેટ ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો. તેની કુલ નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઘટીને 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ લોનના 4.82 ટકા થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 5.17 ટકા હતી. બેંકની નેટ એનપીએ પણ એક ટકાથી ઘટીને 0.99 ટકા થઈ છે.
HDFC બેંકનું પરિણામ કેવું હતું
HDFC બેંકે ગયા અઠવાડિયે પરિણામ જાહેર કર્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 17.6 ટકા વધ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો 8,834.30 કરોડ રૂપિયા રહ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં બેન્કનો નફો 7,513.11 કરોડ રૂપિયા હતો.
નેટ ઈન્ટ્રેસ્ટ ઈન્કમ 12.1% વધી
એચડીએફસી બેન્કે જણાવ્યું હતું કે તેની ચોખ્ખી વ્યાજ આવક (NII) ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે 12.1 ટકા વધીને 17,684.40 કરોડ રૂપિયા થઈ છે. NII બેંક દ્વારા લોનમાંથી મેળવેલ વ્યાજની આવક અને થાપણદારોને ચૂકવવામાં આવેલા વ્યાજ વચ્ચેનો તફાવત છે. NII એક વર્ષ અગાઉના ત્રિમાસિક ગાળામાં 15,776.40 કરોડ રૂપિયા હતું. ક્વાર્ટર માટે કોર નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NIM) 4.1 ટકા પર રહી છે.
પ્રોવિઝનીંગ વધી ગઈ છે
ક્વાર્ટર માટે પ્રોવિઝનિંગ અને આકસ્મિકતા વધીને 3,924.70 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં તે 3,703.50 કરોડ રૂપિયા રહી હતી. બેંકે કહ્યું કે ત્રિમાસિક માટે કુલ પ્રોવિઝનિંગ 1,200 કરોડ રૂપિયાની આકસ્મિક જોગવાઈનો સમાવેશ થયો છે. જૂન ક્વાર્ટરના અંતે પ્રોવિઝનિંગ અને આકસ્મિકતા 4830.84 કરોડ રહી હતી. તેથી પ્રોવિઝનિંગમાં ઘટાડો થયો છે, પરંતુ તે વાર્ષિક ધોરણે વધુ રહી છે.
એસેટની ક્વોલિટીમાં પણ સુધારો થયો છે
બેંકની એસેટ ગુણવત્તામાં પણ સુધારો થયો છે. 30 સપ્ટેમ્બર 2021ના રોજ કંપનીની કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) કુલ એડવાન્સિસના 1.35 ટકા હતી. આ 30 જૂન 2021ના 1.47 ટકા અને 30 સપ્ટેમ્બર 2020ના 1.37 ટકા હતી. જ્યારે 30 સપ્ટેમ્બર 2021ના રોજ નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) નેટ એડવાન્સિસના 0.40 ટકા રહી હતી.