
ગ્લોબલ ફ્યુઅલ ક્રાઈસિસ અને દેશમાં ગેસની અછત વચ્ચે ભારતીય ઊર્જા ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારી ક્ષેત્રની નવરત્ન કંપની એનએલસી ઈન્ડિયા લિમિટેડ (NLCIL) અને દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) હાથ મિલાવ્યો છે.
PTI ના રિપોર્ટ મુજબ, બંને કંપનીઓ મળીને ગુજરાતમાં જમીનની નીચે જ લિગ્નાઈટ (એક પ્રકારનો કોલસો) માંથી ગેસ બનાવવાની એટલે કે ‘અંડરગ્રાઉન્ડ લિગ્નાઈટ ગેસિફિકેશન’ પ્રોજેક્ટ પર કામ કરશે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે, તો ભારતને મોંઘા આયાતી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પર પોતાની નિર્ભરતા ઓછી કરવામાં બહુ મોટી મદદ મળશે.
PTI એ સૂત્રોના હવાલાથી રિપોર્ટ કર્યો છે કે, આ પ્રોજેક્ટને અમલી બનાવવા માટે તૈયારીઓ તેજ થઈ ચૂકી છે.
તકનીકી સ્ટડી શરૂ: NLCIL અને રિલાયન્સ વચ્ચે આ પ્રોજેક્ટની વહેવારુતા (feasibility) તેમજ તકનીકી ક્ષમતાને ચકાસવા માટે કરાર થઈ ચૂક્યો છે. વધુમાં આ અંગે શરૂઆતી સ્ટડી પણ ચાલી રહી છે.
ગુજરાતના બ્લોક: આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં આવેલા NLCIL ના બે લિગ્નાઈટ બ્લોકને પસંદ કરવામાં આવ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે ગેસિફિકેશન ટેકનોલોજી અને ગેસ હેન્ડલિંગનો પહેલાથી જ ઉત્કૃષ્ટ અનુભવ છે, તેથી તેમની તકનીકી કુશળતાનો ફાયદો ઉઠાવવા માટે તેમને આ પ્રોજેક્ટમાં સાથે લાવવામાં આવ્યા છે.
અંડરગ્રાઉન્ડ ગેસિફિકેશન ટેકનોલોજી હેઠળ જમીનની અંદર રહેલા લિગ્નાઈટને ત્યાં જ ‘સિન્થેસિસ ગેસ’ (Synthesis Gas અથવા Syngas) માં બદલવામાં આવે છે. આ મુખ્યત્વે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડનું મિશ્રણ હોય છે. આ ગેસનો ઉપયોગ ઉદ્યોગોમાં બળતણ તરીકે અથવા કેમિકલ અને ફર્ટિલાઈઝર ઇન્ડસ્ટ્રીમાં કાચા માલ તરીકે કરી શકાય છે.
NLCIL માત્ર ગુજરાત પૂરતી જ સીમિત નથી પરંતુ તે પોતાના લિગ્નાઈટ સંસાધનોના ઉપયોગ માટે ઝડપથી વિવિધતા (Diversification) લાવી રહી છે. કંપની તમિલનાડુના નેવેલીમાં 4,394 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી ‘લિગ્નાઈટ-ટુ-મેથેનોલ’ પ્લાન્ટ લગાવવાની યોજના પર કામ કરી રહી છે.
આ પ્લાન્ટ આગામી વર્ષ સુધીમાં બનીને તૈયાર થવાની આશા છે, જે કેન્દ્ર સરકારના પર્યાવરણ અનુકૂળ અને નેટ-ઝીરો (Net-Zero) લક્ષ્યોના બિલકુલ અનુરૂપ છે.
આ પાર્ટનરશિપ એવા સમયે થઈ છે, જ્યારે કેન્દ્ર સરકારે આ જ મહિને કોલસા અને લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે 37,500 કરોડ રૂપિયાની ભારે-ભરખમ યોજનાને મંજૂરી આપી છે.
સરકારનો લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાના ગેસિફિકેશનનો છે. આ પગલાથી ભારતને એ જરૂરી વસ્તુઓની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે, જે હાલમાં આપણે ભારે માત્રામાં બહારથી મંગાવીએ છીએ. આમાં LNG (50% થી વધુ આયાત), યુરિયા (20% આયાત), એમોનિયા (100% આયાત), અને મેથેનોલ (80-90% આયાત) જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
NLCIL, જે અત્યાર સુધી માત્ર લિગ્નાઈટ માઇનિંગ અને પાવર જનરેશન સુધી સીમિત હતી, તે હવે રિલાયન્સ સાથે મળીને દેશને ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ વધી ચૂકી છે.
Published On - 2:36 pm, Sun, 31 May 26