જો તમારી નોકરી એવી છે કે જેમાં થોડા સમય પછી તમારૂં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર થતી રહે છે, તો પોતાના વાહનના રજિસ્ટ્રેશનને લગતા ટેંશનને તમારાથી વધુ સારી રીતે કોઈ જાણતું નહીં હોય. પરંતુ હવે આ સમસ્યા હંમેશ માટે દૂર થવા જઈ રહી છે. સરકારે નવા વાહનો માટે (Bharat series for new vehicles )ભારત સિરીઝ રજૂ કરી છે. નવી સિરીઝના વાહનોની નોંધણી સમગ્ર ભારતમાં માન્ય રહેશે અને તેઓ આ સિરીઝના રજીસ્ટ્રેશન નંબરના આધારે દેશના કોઈપણ ભાગમાં કોઈપણ અવરોધ વિના વાહનનો ઉપયોગ કરી શકશે.
નવા વાહનો માટે ભારત સીરીઝ
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે નવા વાહનો માટે નવી નોંધણી માર્ક ભારત સિરીઝ (BH-સિરીઝ) રજૂ કરવામાં આવી છે. આ સીરીઝ સાથે, જ્યારે વાહનોના માલિકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે ત્યારે વાહન માટે નવી નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં.
કોને મળશે આ નવી સીરીઝનો લાભ ?
એક લેખિત જવાબમાં ગડકરીએ કહ્યું કે નવી શ્રેણી સ્વૈચ્છિક ધોરણે ઉપલબ્ધ હશે અને સંરક્ષણ કર્મચારીઓ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારની કંપનીઓ અને કર્મચારીઓ માટે તેમજ આવી ખાનગી ક્ષેત્રની એવી કંપનીઓ અને સંસ્થાઓ કે જેમની ઓફિસ 4 કે તેથી વધુ રાજ્યોમાં હાજર છે તેવા કર્મચારીઓને ભારત સિરીઝનો લાભ મળશે.
ભારત સિરીઝ માટે રોડ ટેક્સ કેવી રીતે વસૂલવામાં આવશે
વાહન માટે ભારત સિરીઝ લેતી વખતે 2 વર્ષ માટે રોડ ટેક્સ ભરવાનો રહેશે. જે બાદ દર 2 વર્ષે રોડ ટેક્સ ચૂકવવામાં આવશે. રજીસ્ટ્રેશનની તારીખથી 14મા વર્ષ પછી દર વર્ષે ટેક્સ લાગુ થશે, જો કે તેનો દર અડધો હશે. 10 લાખથી ઓછી કિંમતના વાહનો પર 8 ટકા ટેક્સ લાગશે, જ્યારે 10થી 20 લાખની કિંમતના વાહનો પર 10 ટકા ટેક્સ લાગશે, 20 લાખથી વધુની કિંમતના વાહનો પર 12 ટકા ટેક્સ લાગશે. ડીઝલ વાહનો પર 2 ટકા વધારાનો ટેક્સ વસૂલવામાં આવશે, જો કે ઇલેક્ટ્રિક વાહનોને 2 ટકાની ટેક્સ છૂટ મળશે.
કેવી રીતે અરજી કરી શકાશે.
જો તમારી પાસે પણ ઉપરોક્ત લાયકાત છે, તો તમે તમારી ઓફિસ દ્વારા જાહેર કરાયેલ ID સાથે નવા રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકો છો. અરજી કરવા માટે, તમારે માર્ગ અને ધોરીમાર્ગ મંત્રાલયના વાહન પોર્ટલ પર જવું પડશે. તમે ડીલર મારફત પણ ભારત સીરીઝ માટે અરજી કરી શકો છો. વેપારીએ તમારા વતી ફોર્મ 20 ભરવું પડશે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓએ ફોર્મ 60 ભરવું પડશે, જેમાં તેમણે રોજગાર સંબંધિત ઓળખ કાર્ડ સબમિટ કરવાનું રહેશે.
આ પણ વાંચો : શું હવે કોલસાની ક્વોલિટીના આધાર પર વસૂલવામાં આવશે ગ્રીન સેસ, જાણો શું છે સરકારનો પ્લાન
Published On - 7:39 pm, Wed, 22 December 21