
ખાનગી ક્ષેત્રના લાખો પેન્શનરો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. EPS-95 પેન્શન વધારવાની આશાઓ પર હવે સરકારએ બ્રેક લગાવી દીધી છે. શ્રમ રાજ્યમંત્રી શોભા કરંદલાજીએ સંસદમાં સ્પષ્ટ કહ્યું કે હાલ લઘુત્તમ પેન્શન ₹1,000 થી વધુ વધારવાનો કોઈ પ્રસ્તાવ સરકારના વિચારાધીન નથી. પેન્શનરો મોંઘવારી ભથ્થા (DA) માટે પણ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, પણ સરકાર મુજબ તે યોજનાના માળખામાં શક્ય નથી.
લાંબા સમયથી અપેક્ષા હતી કે EPS-95 હેઠળ પેન્શન ₹1,000 થી વધારીને ₹7,500 કરવામાં આવશે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે ઓક્ટોબર 2025 ની CBT મીટિંગમાં આ અંગે મંજૂરી મળી શકે છે. પરંતુ હવે સંસદના શિયાળુ સત્રમાં સરકારના સત્તાવાર જવાબ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે નજીકના ભવિષ્યમાં પેન્શન વધવાની શક્યતા નથી.
1 ડિસેમ્બર 2025ના રોજ લોકસભામાં સંસદ સભ્ય બલાયા મામા સુરેશ ગોપીનાથ મ્હાત્રેએ સરકારને સ્પષ્ટ પૂછ્યું કે –
શું લઘુત્તમ પેન્શન ₹1,000 થી વધારીને ₹7,500 કરવામાં આવશે?
પેન્શન ન વધારવાના કારણો, પેન્શનરોને DA કેમ ન મળે, અને આજના ખર્ચ સાથે ₹1,000 માં જીવવું કેવી રીતે શક્ય બનશે — તેવા સવાલો પણ પૂછાયા. તેના જવાબમાં સરકારએ કહ્યું કે હાલમાં કોઈ વધારો વિચારાધીન નથી.
સરકાર અનુસાર EPS-95 એક Defined Contribution Scheme છે, એટલે કે પેન્શનનો દર ફુગાવા પ્રમાણે સ્વયં વધતો નથી. પેન્શનની રકમ ફંડમાં કેટલું યોગદાન થાય છે તેના આધાર પર નક્કી થાય છે. આ કારણને આધારે EPS-95 પેન્શનરોને મોંઘવારી ભથ્થું (DA) આપી શકાય એમ નથી — એવું સરકારનું વલણ છે.
સરકારએ 2019 ના એક્ચ્યુરિયલ વેલ્યુએશન રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે EPS પેન્શન ફંડ ખાધમાં ચાલી રહ્યો છે.
હાલમાં યોગદાનનું માળખું આ રીતે છે..
EPS-95 હેઠળ દેશભરમાં 80 લાખથી વધુ વૃદ્ધ પેન્શનરો આવરી લેવાયા છે. વર્ષ 2014 માં પેન્શન ₹1,000 નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી કોઈ વધારો થયો નથી. વધતા ફુગાવા વચ્ચે ખાનગી ક્ષેત્રના પેન્શનરો ₹7,500 થી ₹9,000 સુધીની લઘુત્તમ પેન્શનની માંગ કરી રહ્યા છે.
નિષ્ણાતો અનુસાર પેન્શન વધારવાનો માર્ગ બંધ નથી, પરંતુ સરળ પણ નથી. પેન્શન વધારવા માટે કંપનીઓ તરફથી યોગદાનમાં વધારો, અથવા સરકારની સબસિડીમાં મોટા પ્રમાણમાં વધારો જરૂરી છે. આવા પરિવર્તનો થયા વગર ₹7,500 પેન્શનનું સ્વપ્ન હકિકતમાં બદલાવું મુશ્કેલ છે.