
તમારા ખિસ્સા ખાલી છે અને LIC ના હપ્તાની તારીખ નજીક આવી રહી છે? તો ચિંતા કરવાની જરૂર નથી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની એક ખાસ સુવિધા દ્વારા તમે હવે તમારા PF ખાતાના બેલેન્સમાંથી સીધા LIC પ્રીમિયમ ચૂકવી શકો છો. આ સુવિધા નાણાકીય તંગી દરમિયાન પણ તમારી પોલિસી લેપ્સ થવાથી બચાવે છે.
ઘણી વખત મહિનાના અંતે નાણાકીય તંગી ઉભી થાય છે. આવી સ્થિતિમાં જો LIC પોલિસીના હપ્તા ભરવાની તારીખ આવે, તો લોકો પર તણાવ વધી જાય છે. ભંડોળના અભાવે અનેક લોકો તેમની પોલિસી લેપ્સ થવા દે છે, જેના કારણે વર્ષોની બચત અને વીમા સુરક્ષા બંને જોખમમાં મુકાય છે. જો તમે નોકરી કરતા હો અને EPF ખાતું ધરાવતા હો, તો આ સમસ્યાનો ઉકેલ EPFO દ્વારા આપવામાં આવ્યો છે.
EPF સ્કીમના ફકરા 68(DD) હેઠળ મળતી આ સુવિધા દરેક માટે ઉપલબ્ધ નથી. આ લાભ લેવા માટે વ્યક્તિ સક્રિય EPFO સભ્ય હોવો જરૂરી છે. સાથે જ PF ખાતામાં ઓછામાં ઓછા બે મહિનાના પગાર જેટલું બેલેન્સ હોવું ફરજિયાત છે.
એક મહત્વપૂર્ણ શરત એ છે કે જે LIC પોલિસી માટે પ્રીમિયમ ચૂકવવાનું છે, તે પોલિસી ફક્ત સભ્યના પોતાના નામે હોવી જોઈએ. પત્ની, પતિ અથવા બાળકોના નામે આવેલી LIC પોલિસી માટે PF ફંડનો ઉપયોગ કરી શકાતો નથી. આ સુવિધા માત્ર LIC માટે જ લાગુ પડે છે, કોઈપણ ખાનગી વીમા કંપનીની પોલિસી માટે નહીં.
પહેલાં PF સંબંધિત કામ માટે EPFO ઓફિસના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન બની ગઈ છે. LIC પ્રીમિયમ PF મારફતે ચૂકવવા માટે તમારે ફોર્મ 14 સબમિટ કરવું પડશે.
EPFOની સત્તાવાર વેબસાઇટ પર UAN અને પાસવર્ડ દ્વારા લોગિન કરી, KYC વિભાગમાં જઈને LIC પોલિસી વિકલ્પ પસંદ કરવો પડશે. અહીં પોલિસી નંબર સહિતની જરૂરી વિગતો દાખલ કરવી પડશે. વિગતો વેરિફાઈ થયા બાદ LIC પોલિસી PF ખાતા સાથે લિંક થઈ જશે.
એકવાર લિંક થયા પછી, નિર્ધારિત તારીખે પ્રીમિયમ આપમેળે PF બેલેન્સમાંથી કપાઈને LIC પાસે ટ્રાન્સફર થઈ જશે. આથી હપ્તા ભૂલાઈ જવાની ચિંતા અને લેટ ફીનો ડર દૂર થાય છે.
આ સુવિધા કટોકટીના સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તાત્કાલિક નાણાકીય તંગી હોવા છતાં તમારી LIC પોલિસી લેપ્સ થતી નથી અને તમારે કોઈ પાસેથી ઉધાર લેવાની જરૂર પડતી નથી.
પરંતુ નાણાકીય નિષ્ણાતો ચેતવણી પણ આપે છે. PFના પૈસા નિવૃત્તિ માટેનો આધાર છે. તેમાંંથી ઉપાડ કરવાથી તમારા લાંબા ગાળાના નિવૃત્તિ ભંડોળ પર અસર પડે છે. PF પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળતું હોવાથી, આજનો નાનો ઉપાડ પણ ભવિષ્યમાં મોટું નુકસાન કરી શકે છે.
આથી આ સુવિધાનો ઉપયોગ આદત તરીકે નહીં, પરંતુ ફક્ત બેકઅપ પ્લાન અથવા કટોકટીના વિકલ્પ તરીકે કરવો સમજદારીભર્યું રહેશે.