
નોકરી કરતાં લોકો માટે રિટાયરમેન્ટ (Retirement) ની તૈયારી જલ્દી શરૂ કરવી જરૂરી છે. એવામાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) તેના બે લોકપ્રિય વિકલ્પ છે. બંને લાંબાગાળે બચત તૈયાર કરે છે પરંતુ રોકાણ કરવાની રીત, વળતર, જોખમ અને નાણાં ઉપાડવાના નિયમો અલગ છે. હવે સવાલ એ છે કે, કઈ સ્કીમમાં રોકાણ કરવાથી મોટું ફંડ બની શકે છે?
EPF નું સંચાલન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) કરે છે. સામાન્ય વ્યવસ્થામાં કર્મચારી પોતાની બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થાનું 12 ટકા યોગદાન આપે છે. નિયોક્તા પણ 12 ટકા આપે છે પરંતુ તેનો પૂરો હિસ્સો EPF ખાતામાં જમા થતો નથી. એક હિસ્સો કર્મચારી પેન્શન યોજના (EPS) માં જમા થાય છે. નાણાકીય વર્ષ 2025-26 માટે EPF નો વ્યાજ દર 8.25 ટકા છે. આ દર બદલાઈ શકે છે, તેથી તેને આગામી 25 વર્ષનું નક્કી વળતર ન માનવું જોઈએ.
NPS બજાર સાથે જોડાયેલી યોજના છે. તેમાં રકમ ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ અને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ થાય છે. રોકાણકાર એક્ટિવ ચોઈસ (Active Choice) માં રોકાણનું પ્રમાણ પસંદ કરી શકે છે, જ્યારે ઓટો ચોઈસ (Auto Choice) માં ઉંમરની સાથે આ પ્રમાણ પોતાની મેળે બદલાય છે. મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક હેઠળ કેટલાક બિન-સરકારી સબ્સ્ક્રાઇબર્સને 80 થી 100 ટકા સુધી ઇક્વિટીનો વિકલ્પ મળી શકે છે. જો કે, વધુ ઇક્વિટીથી વધારે વળતરની ખાતરી મળતી નથી.
ધારો કે, 35 વર્ષના કર્મચારીની બેસિક સેલેરી 50,000 રૂપિયા મહિનો છે અને તે 60 વર્ષની ઉંમરે રિટાયર થવા માંગે છે. ધારી લઈએ કે, દર વર્ષે સેલરી 5 ટકા વધે છે અને EPF પર 8.25 ટકા વ્યાજ મળે છે. આ હિસાબે 25 વર્ષ પછી EPF માં લગભગ 1.58 કરોડ રૂપિયા જમા થઈ શકે છે. બીજીબાજુ, NPS માં 8 ટકા વળતર પર લગભગ 1.43 કરોડ, 10 ટકા પર 1.87 કરોડ અને 12 ટકા પર 2.46 કરોડ રૂપિયાનું ફંડ બની શકે છે.
EPF માં લાગુ શરતો અનુસાર, રિટાયરમેન્ટ પર જમા બેલેન્સ ઉપાડી શકાય છે. સામાન્ય એક્ઝિટ પર બિન-સરકારી NPS સબ્સ્ક્રાઇબર 80 ટકા સુધી રકમ એકમુશ્ત ઉપાડી શકે છે. ઓછામાં ઓછી 20 ટકા રકમથી એન્યુટી ખરીદવી પડે છે, જેનાથી નિયમિત પેન્શન મળે છે. 80 ટકા ઉપાડવાની મંજૂરીનો મતલબ એ નથી કે, પૂરી રકમ ટેક્સ-ફ્રી હશે. તેથી, ટેક્સ પછી મળતી રકમનો હિસાબ પણ જરૂરી છે.
આમાં તો જેમને સ્થિર વ્યાજ અને ઓછું બજાર જોખમ જોઈતું હોય, તેમના માટે EPF એક સારો વિકલ્પ હોઈ શકે છે. લાંબા સમય સુધી રોકાણ કરવાની અને બજારના ઉતાર-ચઢાવને સહન કરવાની ક્ષમતા ધરાવતા લોકો NPS પર વિચાર કરી શકે છે. ઘણા કર્મચારીઓ માટે બંને યોજનાઓનો સંતુલિત ઉપયોગ પણ સારો વિકલ્પ બની શકે છે. અંતે ‘નિર્ણય’ ઉંમર, જોખમ ક્ષમતા, નિયોક્તાનું યોગદાન, ટેક્સ વ્યવસ્થા અને રિટાયરમેન્ટની જરૂરિયાતોના આધારે લો.