
અમેરિકન રાજકારણમાં અટવાયેલા મસ્કને ભારત તરફથી રાહતના સમાચાર મળ્યા છે. ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારત સરકાર તરફથી એક મહત્વપૂર્ણ મંજૂરી મળી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે સ્ટારલિંકને દેશમાં સેવાઓ શરૂ કરવા માટે જરૂરી ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઇટ (GMPCS) લાઇસન્સ આપ્યું છે. આ મંજૂરીને ભારતમાં વ્યાપારી કામગીરી તરફ કંપની માટે એક મોટું પગલું માનવામાં આવે છે.
આ મંજૂરી સાથે, સ્ટારલિંક હવે આ લાઇસન્સ મેળવનારી ભારતની ત્રીજી કંપની બની ગઈ છે. અગાઉ, યુટેલસેટના વનવેબ અને રિલાયન્સ જિયોને પણ ભારત સરકાર તરફથી સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવાઓ માટે મંજૂરી મળી ચૂકી છે. આ લાઇસન્સ હેઠળ, આ કંપનીઓ ભારતના દૂરના અને ઇન્ટરનેટથી વંચિત વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનું લક્ષ્ય રાખે છે.
સ્ટારલિંક છેલ્લા 3 વર્ષથી ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહી હતી. દેશમાં કોમર્શિયલ કામગીરી માટે મંજૂરીની ચર્ચા સૌપ્રથમ વર્ષ ૨૦૨૨ માં થઈ હતી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે મુલતવી રાખવામાં આવતી રહી. એમેઝોનની કુઇપર હજુ પણ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે લાયસન્સની રાહ જોઈ રહી છે.
તાજેતરના મહિનાઓમાં, મસ્કની કંપની સ્ટારલિંક અને અબજોપતિ મુકેશ અંબાણીની કંપની જિયો વચ્ચે ઘણો વિવાદ થયો છે. દેશે સેટેલાઇટ સેવાઓ માટે સ્પેક્ટ્રમ કેવી રીતે આપવું તે અંગે બંને કંપનીઓ વચ્ચે ટકરાવ થયો છે. ભારત સરકારનો નિર્ણય મસ્કના પક્ષમાં ગયો હોવા છતાં, સરકાર માને છે કે સ્પેક્ટ્રમ ફાળવવામાં આવવો જોઈએ અને હરાજી ન કરવી જોઈએ.