ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો, નવ મોટા શહેરોમાં EV ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા માત્ર ચાર મહિનામાં અઢી ગણી વધી
ઉર્જા મંત્રાલયે કહ્યું કે છેલ્લા ચાર મહિનામાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિત નવ મોટા શહેરોમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
ઈલેક્ટ્રિક વાહનોની (Electric vehicles) વધતી જતી સ્વીકૃતિ અને લોકપ્રિયતા વચ્ચે, દેશમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Electric Vehicle charging stations) ઝડપથી વિકસી રહ્યું છે. છેલ્લા ચાર મહિનામાં દેશના નવ મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં અઢી ગણો વધારો થયો છે. ઉર્જા મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનામાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિત નવ મોટા શહેરોમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સરકારી નીતિના ભાગરૂપે, મોટા શહેરોમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધારવાના પ્રયાસો ચાલુ છે. આ નિવેદન અનુસાર, ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 વચ્ચે આ નવ શહેરોમાં 678 વધારાના ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. આ રીતે, આ શહેરોમાં હાજર જાહેર EV સ્ટેશનોની સંખ્યા વધીને 940 થઈ ગઈ છે. હવે દેશભરમાં તેમની સંખ્યા વધીને લગભગ 1,640 થઈ ગઈ છે.
પ્રારંભિક તબક્કામાં, સરકારે 40 લાખથી વધુ વસ્તીવાળા મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે. આ ક્રમમાં, ઇલેક્ટ્રિક વાહનો માટે માળખાકીય આધાર બનાવવા માટે મોટા શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. 14 જાન્યુઆરીના રોજ, ઉર્જા મંત્રાલયે EV ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના સંબંધિત માર્ગદર્શિકા અને સુધારેલા ધોરણો જાહેર કર્યા હતા. આનાથી EV ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના સંબંધિત પરિસ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.
આ કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરી રહી છે કામ
સરકારે EV ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાના પ્રયાસમાં બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી (BEE), એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ (EESL), પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ અને NTPC જેવી જાહેર સંસ્થાઓ ઉપરાંત ખાનગી કંપનીઓને પણ પોતાની સાથે જોડી છે. આનાથી મોટા વિસ્તારમાં EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ બનાવવામાં મદદ મળશે અને વાહન ઉપભોક્તાઓને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન લાઇસન્સ વિના ઇન્સ્ટોલ કરી શકાય છે
કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી લાયસન્સની જરૂરિયાત વિના સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવા માટે મુક્ત છે, પણ શરત એટલી કે, આવા સ્ટેશનો સમયાંતરે પાવર મંત્રાલય, બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી (BEE) અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા હેઠળ કામગીરીના ધોરણો અને પ્રોટોકોલ તેમજ ટેકનીકલ, કામગીરીના ધોરણો અને પ્રોટોકોલને પૂરા કરતા હોવા જોઈએ.
પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ (PCS) માટે અનુપાલનની આવશ્યકતાઓની વ્યાપક સૂચિ પણ ઓળખવામાં આવી છે. આમાં નાગરિક, પાવર અને સુરક્ષા સંબંધિત જરૂરિયાતો માટે યોગ્ય માળખાકીય સુવિધાઓના માપદંડોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : જો LIC IPO અંગે સરકારની તમામ ગણતરીઓ સાચી પડશે તો શેરબજારમાં અનેક રેકોડ બનશે, જાણો વિગતવાર