
1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટને લઈને મધ્યમ વર્ગમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પગારદાર વર્ગ અને કરદાતાઓને આ બજેટમાંથી મોટી રાહતોની આશા છે. ખાસ કરીને નવો આવકવેરા કાયદો અમલમાં આવે તે પહેલાં, જૂની કર વ્યવસ્થા હેઠળ કલમ 80Cની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરવાની અને હોમ લોન પર વધારાની કરછૂટ આપવાની માગ ઉઠી રહી છે. હવે સવાલ એ છે કે શું આ વખતે નાણામંત્રી મધ્યમ વર્ગની અપેક્ષાઓ પર ખરી ઉતરશે?
દર વર્ષે જેમ જેમ ફેબ્રુઆરી નજીક આવે છે તેમ તેમ દેશભરના લાખો મધ્યમ વર્ગીય પરિવારોનું ધ્યાન નાણામંત્રીના બજેટ ભાષણ પર કેન્દ્રિત થાય છે. 1 ફેબ્રુઆરી, 2026ના રોજ રજૂ થનારો મોદી સરકાર 3.0નો ત્રીજો પૂર્ણ બજેટ ફક્ત આંકડાઓ પૂરતો નથી, પરંતુ તે સામાન્ય માણસની બચત, ખર્ચ અને ભવિષ્યને અસર કરનાર મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.
કેન્દ્રીય બજેટ 2026-27ને ખાસ અને ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ વર્તમાન આવકવેરા કાયદા હેઠળનું છેલ્લું પૂર્ણ બજેટ હશે. સરકાર 1 એપ્રિલ, 2026થી લગભગ 60 વર્ષ જૂના આવકવેરા કાયદાને બદલીને નવો આવકવેરા કાયદો 2025 અમલમાં મૂકવાની તૈયારીમાં છે. તેથી આ બજેટ માત્ર વર્તમાન રાહતો પૂરતું નહીં, પરંતુ ભવિષ્યની કર વ્યવસ્થાનો પાયો નાખનાર બની શકે છે.
બજેટ 2025માં સરકારે નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવીને ₹12 લાખ સુધીની આવકને કરમુક્ત કરી હતી અને મૂળભૂત મુક્તિ મર્યાદા ₹4 લાખ સુધી વધારી હતી. આ નિર્ણયોથી નવી કર વ્યવસ્થા મજબૂત બની, પરંતુ જૂની કર વ્યવસ્થા પસંદ કરનારા કરદાતાઓ પોતાને અવગણાયેલા અનુભવતા રહ્યા.
જૂની વ્યવસ્થા હેઠળ પી.એફ., હોમ લોન અને વીમા જેવી બચત યોજનાઓ પર આધાર રાખનારા લોકોની સૌથી મોટી માંગ એ છે કે મૂળભૂત મુક્તિ મર્યાદા ₹2.5 લાખથી વધારવામાં આવે. સાથે સાથે, વધતા ફુગાવાના સમયમાં કલમ 80C હેઠળની ₹1.5 લાખની મર્યાદા અપૂરતી લાગી રહી છે. શિક્ષણ અને વીમા ખર્ચને ધ્યાનમાં રાખીને આ મર્યાદા ઓછામાં ઓછી ₹2 લાખ કરવાની માગ ઉઠી રહી છે.
મોંઘવારીના આ સમયમાં ઘર ખરીદવું અને તબીબી સારવાર લેવો મધ્યમ વર્ગ માટે મોટો પડકાર બની ગયો છે. કરદાતાઓનું માનવું છે કે માત્ર ટેક્સ સ્લેબમાં ફેરફારથી જ નહીં, પરંતુ જરૂરી ખર્ચ પર વધુ કપાતથી સાચી રાહત મળશે. વધતી મકાન કિંમતોની સામે હોમ લોનના વ્યાજ પર મળતી ₹2 લાખની કરછૂટ હવે ઓછી લાગી રહી છે.
આ સાથે જ મધ્યમ વર્ગની માંગ છે કે જો સરકાર ભવિષ્યમાં નવી કર વ્યવસ્થાને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવા માગે છે, તો તેમાં પણ આરોગ્ય વીમા અને ગૃહ લોન જેવી મહત્વપૂર્ણ કપાતોનો સમાવેશ કરવો જોઈએ, જેથી બચત અને રોકાણને પ્રોત્સાહન મળી શકે.
સામાન્ય કરદાતા હવે ફક્ત કર ઘટાડાની નહીં, પરંતુ સરળ અને પારદર્શક કર વ્યવસ્થાની પણ અપેક્ષા રાખે છે. ઘણી વખત રિટર્ન ફાઇલ કર્યા બાદ રિફંડમાં વિલંબ અથવા TDS મેચિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આગામી નવા આવકવેરા કાયદાથી સૌથી મોટી અપેક્ષા એ છે કે નિયમો સરળ બનાવવામાં આવશે. ‘આકારણી વર્ષ’ને બદલે ‘કર વર્ષ’ની સંકલ્પનાને અમલમાં મૂકવાની ચર્ચા ચાલી રહી છે. સાથે સાથે, મૂડી લાભ કર (Capital Gains Tax)ને લઈને પણ સરળ અને એકસમાન નિયમોની માગ છે, કારણ કે હાલ શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને મિલકત માટે અલગ અલગ નિયમો હોવાને કારણે કરદાતાઓમાં ગૂંચવણ ઊભી થાય છે.
1 ફેબ્રુઆરી રવિવાર છે તો શું બજેટની તારીખ બદલાશે? જાણો