Income Tax : ‘ITR રિફંડ’ના નામે ‘સ્કેમ’ થઈ રહ્યા છે, આ ‘લિંક’ પર ક્લિક કરતા પહેલા વિચારજો નહિતર…

ઘણા લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે અને હવે તેઓ રિફંડની રાહ જોઈ રહ્યા છે. આવા સમયે જો તમને તમારા મોબાઇલ અથવા ઇમેઇલ પર ટેક્સ રિફંડને લગતો મેસેજ આવે છે તો સાવચેત થઈ જજો.

Income Tax : ITR રિફંડના નામે સ્કેમ થઈ રહ્યા છે, આ લિંક પર ક્લિક કરતા પહેલા વિચારજો નહિતર...
| Updated on: Aug 09, 2025 | 4:18 PM

ઈન્કમ ટેક્સ વિભાગે ચેતવણી આપી છે કે, કેટલાક છેતરપિંડી કરનારાઓ ઈન્કમ ટેક્સ વિભાગના નામે નકલી ઇમેઇલ મોકલી રહ્યા છે. આ ઇમેઇલમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમારી પર્સનલ અને બેંકિંગને લગતી માહિતી જોખમમાં મુકાઈ શકે છે. જણાવી દઈએ કે, આવા સ્કેમને ‘ફિશિંગ એટેક’ કહેવામાં આવે છે.

પ્લેટફોર્મ X પર લોકોને ચેતવણી આપી છે

ઈન્કમ ટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને ચેતવણી આપી છે કે, છેતરપિંડી કરનારાઓ ઈન્કમ ટેક્સ વિભાગના નામે નકલી ઇમેઇલ મોકલી રહ્યા છે અને લોકોને રિફંડની લાલચ આપી રહ્યા છે. આ ઇમેઇલ donotreply@incometaxindiafilling.gov.in નામના નકલી આઈડી પરથી આવે છે, જે ઈન્કમ ટેક્સ વિભાગની અસલી વેબસાઇટ સાથે લિંક નથી.

નકલી ઈમેઈલમાં શું કહેવામાં આવ્યું છે?

આ નકલી ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે, તમારા ટેક્સ કેલ્કયુલેશનમાં કોઈ ભૂલ થઈ છે અને તમને રિફંડ મળવું જોઈએ. આની સાથે એક લિંક આપવામાં આવે છે, જેના પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે.

આ લિંક પર ક્લિક કરતાની સાથે જ યુઝર એક નકલી વેબસાઇટ પર જાય છે. ત્યાં તમને તમારી બેંક વિગત, પાસવર્ડ, OTP અને પર્સનલ માહિતી દાખલ કરો તેવું કહેવામાં આવે છે. જો તમે આવું કરો છો, તો તમારી બધી માહિતી સાયબર ઠગોના હાથમાં જઈ શકે છે અને તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.

ફેક ઇમેઇલ અથવા સ્કેમ લિંક કેવી રીતે ઓળખવી?

  1. ઈન્કમ ટેક્સ વિભાગે કહ્યું છે કે, ડિપાર્ટમેન્ટ ફક્ત @incometax.gov.in ડોમેન પરથી જ ઇમેઇલ મોકલે છે. જો તમને આ સિવાય બીજો કોઈ ઇમેઇલ મળે છે, તો સમજી જજો કે તે ઇમેઇલ ફેક છે.
  2. જ્યાં સુધી તમને 100 % ખાતરી ન હોય ત્યાં સુધી કોઈપણ ઇમેઇલ કે મેસેજમાં રહેલી લિંક પર ક્લિક કરશો નહીં.
  3. તમારી બેંક વિગતો, આધાર નંબર, પાસવર્ડ અથવા OTP ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં.
  4. જો તમને કોઈ શંકાસ્પદ ઈમેલ કે મેસેજ મળે, તો તરત જ webmanager@incometax.gov.in પર જઈને રિપોર્ટ કરો.

સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરો

ટેક્સ ફાઇલ કરવા, રિફંડનો દાવો કરવા અથવા કોઈપણ માહિતી અપડેટ કરવા માટે હંમેશા સત્તાવાર આવકવેરાની વેબસાઇટ ‘www.incometax.gov.in’ નો ઉપયોગ કરો. ગૂગલ પર સર્ચ કરવાથી ખુલતી કોઈપણ અજાણી સાઇટ પર વિશ્વાસ કરશો નહીં.

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા દ્વારા થતા હોય છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, ટેલિગ્રામ પર કોઈને કોઈ બહાના હેઠળ નકલી લિંક યુઝર્સને મોકલવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવું ? આને લગતા સમાચાર વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.