નાની પાનની દુકાનથી શરૂઆત કરી અને આજે છે 300 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની, જાણો ત્રણ ભાઈઓના સંઘર્ષની કહાની
સામાન્ય શરૂઆત પછી ભાઈઓએ ધીમે ધીમે ધંધો વિસ્તાર્યો. બ્રાન્ડ નેમ હેઠળ વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ બનાવ્યા. કારોબાર પ્રોપરાઈટરશિપમાંથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રૂપમાં વિકસ્યો. આખરે 2017માં તે લિસ્ટેડ કંપની બની.
ગુજરાતના (Gujarat) એક ગામના ચાર ભાઈઓએ રાજકોટથી (Rajkot) 100 કિમી દૂર આવેલા નાના શહેર અમરેલીમાં આવ્યા અને ઠંડા પીણા અને આઈસ્ક્રીમની (Ice Cream) દુકાન શરૂ કરી હતી. જે આજે હવે લગભગ 300 કરોડ રૂપિયાની એફએમસીજી કંપની (FMCG Company) બની ગઈ છે. પરિવારની રોડની બાજુમાં પાનની દુકાન હતી, પરંતુ પાલિકા દ્વારા તેને તોડી પાડવામાં આવી હતી.
એક વર્ષ પછી, પરિવારે આઈસ્ક્રીમની દુકાન ખોલી. તે સમયે મોટા ભાઈ દિનેશ ભુવા માત્ર 27 વર્ષના હતા. સામાન્ય શરૂઆત પછી ભાઈઓએ ધીમે ધીમે ધંધો વિસ્તાર્યો. બ્રાન્ડ નેમ હેઠળ વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ બનાવ્યા. કારોબાર પ્રોપરાઈટરશિપમાંથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રૂપમાં વિકસ્યો. આખરે 2017માં તે લિસ્ટેડ કંપની બની.
નાનકડા ચાવંડ ગામથી અમરેલી જીલ્લામાં કંપની બનાવવા સુધીની સફર
આજે, શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિમિટેડ એ ગુજરાતની ટોચની વિવિધ ઉત્પાદક કંપનીઓમાંની એક છે. તે વિવિધ સેગમેન્ટમાં 300 થી વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. જેમ કે દૂધ અને દૂધની બનાવટો, આઈસ્ક્રીમ, નાસ્તો, બેકરી, ફ્રોઝન ફૂડ, રાંધવા માટે તૈયાર શાકભાજી, ચોકલેટ અને મીઠાઈઓ. કંપનીને હવે 55 વર્ષીય દિનેશભાઈ અને તેમના બે નાના ભાઈ ભૂપત ભાઈ (43) અને સંજયભાઈ (41) સંચાલિત કરે છે. બીજા નંબરના ભાઈ જગદીશભાઈએ આ બિઝનેસ શરૂ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, પરંતુ 1997માં 25 વર્ષની ઉંમરે એક માર્ગ અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.
આ ભાઈઓની ઉદ્યોગ સાહસિક યાત્રા 1985 માં શરૂ થઈ, જ્યારે તેમના ખેડૂત પિતા દાકુભાઈ, ચાવંડ નામના નાના ગામમાંથી વધુ સારા જીવનની શોધમાં જિલ્લાના મુખ્ય મથક અમરેલીમાં રહેવા આવી ગયા. ચાર ભાઈઓમાં સૌથી મોટા દિનેશભાઈએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “મારા પિતાની ખેતીમાંથી થતી આવક પરિવારના ખર્ચ માટે પૂરતી ન હતી.” આ જ કારણ રહ્યું કે, ઘરની આર્થિક સ્થિતી સારી ન હોવાને કારણે દિનેશભાઈ ધોરણ 12 પછી આગળ ભણી શક્યા ન હતા.
દિનેશભાઈ કહે છે, “પપ્પાએ પરિવારને મોટા શહેરમાં લઈ જવાનું નક્કી કર્યું. જેથી બાળકો અભ્યાસ કરી શકે અને સાથે સાથે પરિવારને ટેકો આપવા માટે કામ પણ શોધી શકે. 1987માં જગદીશે અમરેલી બસ સ્ટેન્ડ પર કામચલાઉ સ્ટોલ શરૂ કર્યો. તે પાન અને ઠંડા પીણાની દુકાન હતી. હું અને જગદીશ તેને જોતા હતા.”
દિનેશભાઈના પિતા ગામ અને અમરેલી વચ્ચે અવરજવર કરતા રહેતા. કારણ કે તેઓ ખેતીનું કામ પણ જોતા હતા. કમનસીબે 1992 માં, નગરપાલિકાએ દુકાન તોડી પાડી. તેનાથી પરિવારને ઘણો આઘાત પહોચ્યો, કારણ કે દુકાનમાંથી થઈ રહેલી આવકથી પરીવારની સ્થિતી આર્થિક રીતે સ્થિર થઈ ગઈ હતી.
આજીવિકાના મુખ્ય સ્ત્રોતથી વંચિત પરિવાર હવે કોઈ નવી તકની શોધમાં હતો. ત્યારે અમરેલીમાં વાર્ષિક જન્માષ્ટમીનો મેળો ભરાયો હતો. આ મેળાએ ભાઈઓને તે તક આપી, જેણે આઈસ્ક્રીમ વ્યવસાયનો પાયો નાખ્યો.
દિનેશભાઈ આગળ યાદ કરતા જણાવે છે કે, મારા પિતા સાથે પરામર્શ કરીને અમે નક્કી કર્યું કે અમે લસ્સી અને આઈસ્ક્રીમનો નાનો સ્ટોલ લગાવીશું. અમે સ્થાનિક દુકાનદારો પાસેથી ઉત્પાદનો લાવતા અને મેળામાં વેચતા. દરેકને આ ઉત્પાદનો ગમ્યા. સ્થિતિ એવી હતી કે લસ્સી અને આઈસ્ક્રીમ આવતાની સાથે જ વેચાઈ જતા હતા. અમને સમજાયું કે આ વસ્તુઓનું વિશાળ બજાર છે. આ રીતે અમે આ વ્યવસાયમાં આવવાનું મન બનાવી લીધું છે.
1993 માં, તેમણે કુટુંબની બચતમાંથી પૈસા કાઢીને અમરેલી બસ સ્ટેન્ડ પાસે 2 લાખ રૂપિયામાં 5 ફૂટ બાય 5 ફૂટની નાની દુકાન ખરીદી. દુકાનમાં પાન, ઠંડા પીણા અને આઈસ્ક્રીમનું વેચાણ થતું હતું. ત્યાં સુધીમાં ભૂપત અને સંજય પણ તેમના ભાઈઓને ધંધામાં મદદ કરવા લાગ્યા હતા.
ભૂપતભાઈ કહે છે, અમે અભ્યાસ અને કામ વચ્ચે સમય વહેચી લીધો હતો. અમે શાળાએથી પાછા ફર્યા પછી તરત જ દુકાને બેસી જતા અને ભાઈઓને મદદ કરતા. ભૂપતભાઈએ 1994માં અમરેલીની કેકે પારેખ કોમર્સ કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે કહે છે, 1995માં અમે લસ્સી અને આઈસ્ક્રીમ જેવી દૂધની બનાવટો બનાવવાની શરૂઆત કરી. જગદીશ અને હું આ ઉત્પાદનો ઘરે બનાવતા. આ સ્વાદિષ્ટ હતા અને ટૂંક સમયમાં જ માગ વધવા લાગી.
ભૂપતના કહેવા પ્રમાણે, “અમે ચોકો અને નારંગી આઈસ્ક્રીમ કેન્ડી બનાવવાનું પણ શરૂ કર્યું. ટૂંક સમયમાં ઉત્પાદનો પ્રખ્યાત થઈ ગયા. લોકો અમારી પાસેથી ઉત્પાદનો ખરીદીને વેચવા લાગ્યા. અમે અમારી બ્રાન્ડનું નામ શીતલ રાખ્યું છે. મેં 2000 માં જન્મેલી મારી પુત્રીનું નામ પણ આ જ રાખ્યું છે.
1997માં એક દુ:ખદ ઘટનામાં 25 વર્ષીય જગદીશનું મૃત્યુ થયું હતું. ભાઈઓ માટે તે મોટો આઘાત હતો. દિનેશભાઈ યાદ કરે છે, “અમે ખૂબ જ સખત મહેનત કરી અને બ્રાન્ડને પ્રખ્યાત બનાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા.” જગદીશભાઈનું સપનું હતું કંપનીને ઉંચાઈઓ પર લઈ જવાનું. જગદીશભાઈની અણધારી વિદાયથી ભાઈઓને ક્યારેય પુરી ન શકાય એવી ખોટ પડી. પરંતુ ભાઈઓએ જગદીશભાઈના સ્વપ્નને સાકાર કરવાનું મન બનાવી લીધુ.
ત્રણ વર્ષ બાદ તેમણે શ્રી શીતલ ઈન્ડસ્ટ્રીઝ નામથી કંપની રજીસ્ટર કરાવી. આ એક પ્રોપરાઈટરશીપ ફર્મ હતી. તેમણે અમરેલીમાં 1000 ચોરસ મીટર જગ્યા પણ ખરીદી હતી. સંજય કહે છે, અમે 17-20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને 150 લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપ્યો. અમે આઈસ્ક્રીમ અને અન્ય દૂધની બનાવટો બનાવતા હતા. સંજયે 1994માં શાંતાબેન દયાલજીભાઈ કોટક લો કોલેજમાંથી એલએલબી પૂર્ણ કર્યું હતું. અમે બાઇક અને ઓટો-રિક્ષા દ્વારા એક દુકાનેથી બીજી દુકાને જતા હતા. ઓર્ડર લાવતા હતા અને પહોંચાડતા હતા.
ધંધાના શરૂઆતના દિવસોમાં તેમણે જે પડકારોનો સામનો કર્યો હતો તેમાં અમરેલીમાં અવારનવાર જતી લાઈટો હતી. જેના કારણે વેચાણને ઘણી અસર થઈ હતી. સંજય કહે છે, અમરેલીમાં થોડીક જ દુકાનો હતી જે આઈસ્ક્રીમ વેચતી હતી. ત્યાં કોઈ મોટી બ્રાન્ડ પણ ન હતી કારણ કે રાજ્ય પાવર કટ સાથે ઝઝૂમી રહ્યું હતું, જે એક દિવસમાં ઘણા ઘણા કલાકો સુધી થતું હતું. દુકાનદારો નુકસાનના ડરથી આઈસ્ક્રીમ સ્ટોકમાં રાખતા ન હતા. કેટલાકમાં ઇન્વર્ટર અને પાવર બેકઅપ રાખતા હતા, પરંતુ તે દરેક માટે શક્ય નહોતું.
જો કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં સમગ્ર ગુજરાતમાં વીજળીકરણ કરવા માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી ત્યારે પરિસ્થિતિમાં સુધારો થયો. તેનાથી તેના આઈસ્ક્રીમના વેચાણમાં વધારો થયો કારણ કે વધુ દુકાનોએ આઈસ્ક્રીમ વેચવાનું શરૂ કર્યું. કંપનીએ દર ત્રણથી પાંચ વર્ષે તેની ઉત્પાદન ક્ષમતા વધારવાનું શરૂ કર્યું. પાંચ વર્ષ પહેલાં કંપની પ્રોપરાઈટરશિપ ફર્મમાંથી ખાનગી લિમિટેડ કંપની બની અને 2017માં તે પબ્લિક લિમિટેડ કંપની બની અને BSE પર લિસ્ટેડ થઈ.
કંપનીની કમાન આગલી પેઢીના હાથમા
2019 માં, કંપનીએ 15 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિસ્તરણ કર્યું અને ફ્રોઝન ફૂડ અને નાસ્તાની વસ્તુઓમાં પણ સાહસ કર્યું. પરંતુ તે જ વર્ષે, તેમના નાસ્તાના યુનિટમાં આગની મોટી ઘટનાને કારણે તેમને આશરે 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ભૂપતભાઈ કહે છે, “ઘટનામાં ઘણું નુકસાન થયું હતું. અમારા મોટાભાગના સાધનો બળી ગયા. પરંતુ અમે હિંમત ન હારી અને સખત મહેનત કરી. બે વર્ષમાં અમે અમારા નુકસાનની ભરપાઈ કરી લીધી.” હાલમાં કંપની મીઠાઈઓ, નાસ્તા, વિવિધ આઈસ્ક્રીમ, રસગુલ્લા અને લસ્સી જેવી 300 થી વધુ વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
તેમનું બજાર ગુજરાત બહાર પણ વિસ્તર્યું. હવે તેમની હાજરી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોમાં પણ છે. ભૂપતભાઈ કહે છે, અમરેલી જિલ્લામાં અમે સૌથી મોટા રોજગારદાતા છીએ. આજે એક હજારથી વધુ લોકો અમારી સાથે કામ કરે છે. અમે 1993 માં શરૂઆત બાદ અમે એક લાંબી યાત્રા કરી છે, જ્યારે અમે માત્ર 4 લોકો સાથે પાનની દુકાન શરૂ કરી હતી.
તેમણે જણાવ્યું કે, બે વર્ષ પહેલા અમારી પ્રોડક્ટ્સ પણ વેસ્ટર્ન રેલ્વેમાં રજીસ્ટર કરવામાં આવી હતી. ગુજરાતમાં 10 રેલવે સ્ટેશનો પર અમારી પાસે સ્ટોલ છે. અમે ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને સિંગાપોરમાં પણ ઉત્પાદનોની નિકાસ કરીએ છીએ. કંપની 250 વિતરકો સાથે કામ કરે છે અને તેના ઉત્પાદનો ઘણા રાજ્યોમાં ફેલાયેલા 30 હજારથી વધુ આઉટલેટ્સ પર વેચાય છે.
પરિવારમાં આગલી પેઢી પણ આ વ્યવસાયમાં જોડાઈ ગઈ છે. દિનેશભાઈના 30 વર્ષના પુત્ર હાર્દિક અને ભૂપતભાઈના 20 વર્ષના પુત્ર યશને જવાબદારી સોંપી દેવામાં આવી છે. યશ કહે છે, “અમે 1500 કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કરવા માટે મિશન 2030 પર કામ કરી રહ્યા છીએ. અમે દેશની ટોચની 5 FMCG કંપનીઓમાંની એક કંપની તરીકે પણ આગળ વધવા માંગીએ છીએ.”
આ પણ વાંચો : Budget 2022: એસોચેમ એ NBFC સેક્ટર માટે કાયમી રિફાઇનાન્સ વિંડો બનાવવાનુ આપ્યુ સુચન