કેન્દ્ર સરકારે બજેટ 2026માં હેલ્થ સેક્ટર માટે મોટી જાહેરાતો કરી છે. કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓની દવાઓ સસ્તી કરવા માટે ખાસ 'બાયો ફાર્મા સ્કીમ' જાહેર કરાઈ છે. આ ઉપરાંત, આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધારીને 60 વર્ષથી ઉપરના વડીલોને આવરી લેવા અને મફત સારવારની મર્યાદા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
બજેટ 2026માં ‘સ્વાસ્થ્ય સુવિધા’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દેશના સામાન્ય નાગરિકોથી લઈને વડીલો સુધી તમામને આધુનિક અને સસ્તી સારવાર મળે તે હેતુથી અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. કેન્સર અને ડાયાબિટીસની દવાઓ હવે થશે સસ્તી બજેટની સૌથી મોટી જાહેરાત મુજબ, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ માટે જૈવિક (Biological) દવાઓ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. આ માટે ખાસ ‘બાયો ફાર્મા સ્કીમ’ શરૂ કરવામાં આવશે, જેનાથી મોંઘી દવાઓના ભાવમાં મોટો ઘટાડો થશે અને સામાન્ય જનતાને રાહત મળશે.
વડીલો માટે મજબૂત ‘કેર ઇકોસિસ્ટમ’ સરકારે વડીલોની સારસંભાળ માટે અત્યંત સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે.
દેશમાં 1.5 લાખ કેર ટેકર તૈયાર કરવામાં આવશે જે વડીલોની દેખરેખ કરશે.
મેડિકલ કેર સિસ્ટમમાં સુધારો કરીને વડીલોની સારસંભાળ સરકાર પોતે કરશે.
આયુષ્માન ભારત યોજના હેઠળ હાલ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાભ મળે છે, જેનો વિસ્તાર કરી 60 વર્ષથી ઉપરના વડીલોને સામેલ કરવાની શક્યતા છે. આ સાથે જ ₹5 લાખ સુધીની મફત સારવારની રકમમાં પણ વધારો થવાની આશા છે, જેમાં હાર્ટ સર્જરી અને કેન્સર જેવી ગંભીર બીમારીઓને પ્રાધાન્ય અપાશે.
મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો ઉછાળો આરોગ્ય સુવિધાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સરકારે નીચે મુજબના પગલાં ભર્યા છે-
નવી AIIMS: દેશમાં નવી 3 AIIMS હોસ્પિટલો બનાવવામાં આવશે.
આયુર્વેદ પર ભાર: 3 નવી આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટની સાથે જામનગરમાં ખાસ આયુર્વેદ મેડિકલ સેન્ટર બનશે.
ક્ષેત્રીય કેન્દ્રો: દેશના અલગ-અલગ ભાગોમાં 5 નવા ક્ષેત્રીય મેડિકલ સેન્ટરની સ્થાપના થશે.
જિલ્લા હોસ્પિટલ: જિલ્લા કક્ષાની હોસ્પિટલોની ક્ષમતા વધારવામાં આવશે જેથી ગામડાના લોકોને શહેરોમાં ન દોડવું પડે.
પશુચિકિત્સા અને અન્ય જાહેરાતો સરકારે માત્ર માનવીઓ જ નહીં, પણ પશુઓના આરોગ્ય પર પણ ધ્યાન આપ્યું છે. દેશમાં પશુઓના ડોક્ટરો (Veterinarians) તૈયાર કરવા માટે ખાસ ફોકસ કરવામાં આવશે, જેથી ગ્રામીણ અર્થતંત્રના પાયા સમાન પશુપાલન ક્ષેત્રને બળ મળે.
બજેટની આ જાહેરાતોથી સ્પષ્ટ થાય છે કે સરકાર આગામી વર્ષોમાં ભારતને હેલ્થ સેક્ટરમાં સ્વનિર્ભર બનાવવા અને સામાન્ય માનવીના ખિસ્સા પરનો બોજ ઘટાડવા માંગે છે.
બજેટ 2026-27ની વધુ માહિતી માટે જોડાવો tv9 ગુજરાતી સાથે