Shradh Paksh 2021: કેમ કરવું જોઈએ શ્રાદ્ધ ? પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ કામ !
તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થિર થાય છે. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ આ ત્રણેય ઋણ માંથી મુક્તિ અપાવે છે શ્રાદ્ધ કર્મ !
પવિત્ર પિતૃપક્ષ (Pitru Paksh) એટલે કે શ્રાદ્ધની શરૂઆત થઈ ગઈ છે. ભાદરવા મહિનાની પૂનમથી શ્રાદ્ધની શરૂઆત થાય છે અને 15 દિવસ સુધી શ્રાદ્ધપક્ષ ચાલે છે. આ 15 દિવસ દરમિયાન લોકો પોતાના પિતૃઓના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ કરે છે, પિંડદાન કરે છે, તર્પણ કરે છે અને દાન કર્મ પણ કરે છે.
એવું કહેવાય છે કે તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થિર થાય છે. તમે લોકોને એવું કહેતાં પણ સાંભળ્યા હશે કે જો પિતૃઓ નારાજ છે તો વ્યક્તિએ અનેક પરેશાનીમાંથી પણ પસાર થવું પડે છે. કેટલાય લોકોને એ સવાલ થતો હોય છે કે શું શ્રાદ્ધ કરવું જ પડે ? શ્રાદ્ધ કેમ કરવું જોઈએ ? અને શ્રાદ્ધના 15 દિવસ દરમિાયન શું બિલકુલ ન કરવું જોઈએ ? આવો આજે આપણે આપીએ આ તમામ સવાલોનો જવાબ.
કેમ જરૂરી છે શ્રાદ્ધ ?
એવી માન્યતા છે કે વ્યક્તિ પર કુલ 3 પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. એવું કહેવાય છે કે શ્રાદ્ધ કર્મ કરવાથી આ ત્રણેય ઋણમાંથી મૃક્તિ મળે છે. એવું પણ કહેવાય છે કે જેમના પર પિતૃઓ નારાજ હોય તેમને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. ક્યારેક આર્થિક તંગી તો ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તો વળી ક્યારેક સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે પિતૃની આત્માની શાંતિ માટે અને પિતૃદોષના નિવારણ માટે શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી મનાય છે.
પિતૃદોષમાં કયા કામ ન કરવા ?
⦁ શ્રાદ્ધ કર્મ દરમિયાન માંસાહારનો ત્યાગ કરવો.
⦁ સંપૃણ પિતૃપક્ષમાં લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
⦁ શ્રાદ્ધ કર્મ દિવસ દરમિયાન જ કરવું. સુર્યાસ્ત પછી શ્રાદ્ધ કર્મ કરવું નહી.
⦁ શ્રાદ્ધ પક્ષમાં કોઈ શુભ કાર્ય જેમકે લગ્ન, ગૃહપ્રવેશ જેવા પ્રસંગો ન કરવા જોઈએ.
⦁ જે વ્યક્તિ પીંડદાન કરવાનું હોય તેમણે તેમના નખ કે વાળને પિતૃપક્ષમાં કાપવા ન જોઈએ.
⦁ કોઈ પશુ પક્ષીને પણ પરેશાન ન કરવા. કારણકે શ્રાદ્ધ પર પિતૃઓ પશુ કે પક્ષીના રૂપમાં તેના સ્વજનને મળવા આવતા હોવાની માન્યતા છે.
આ પણ વાંચો: તમે વિચાર્યું છે ક્યારેય કે મંદિરની પ્રદક્ષિણા પણ તમને ફાયદો કરાવી શકે છે !
આ પણ વાંચો: કયા દેવી દેવતાની કેટલી પ્રદક્ષિણા બનશે વિશેષ ફળદાયી ?