Bhakti : તમારા અટકી પડેલા ધંધાને વેગ આપશે એકાક્ષી નારિયેળનો આ ઉપાય !
માન્યતા અનુસાર જે લોકો નિત્ય શિવલીંગની (Shivling) પૂજા કરી, તેનો સ્પર્શ કરી, તે સ્પર્શવાળો હાથ આંખો પર લગાવે છે, તેવા લોકો પરથી નજર, હાય કે બંધનનો પ્રકોપ તત્કાળ દૂર થઇ જાય છે !
નોકરીની સરખામણીએ ધંધો કરનારા લોકોના પ્રશ્નો અને ચિંતાઓ ખૂબ જ ભિન્ન હોય છે. એમાં પણ આજના ઓનલાઈન શોપિંગના સમયમાં ધંધો ટકાવી રાખવો અને તેમાંથી નફો રળવો થોડું મુશ્કેલ બની જતું હોય છે. તો વળી, ઘણીવાર એવું બને છે કે બધું બરાબર ચાલતું હોય, અને અચાનક ગ્રાહકો ઓછા થવા લાગે છે. એવું બને છે કે એકાએક ધંધામાં ખર્ચાઓ વધવા લાગે છે. દુકાનના કે ફેક્ટરીના સાધનો પણ કોઈને કોઈ કારણસર સતત બંધ પડવા લાગે છે. આવાં સંજોગોમાં ધંધાદારી વ્યક્તિ ખૂબ જ બેચેન રહેવા લાગે છે. અને તેની અસર તેના જીવન પર, પરિવારજનો પર પડતા ઘરમાં પણ કલેશ થવા લાગે છે. ત્યારે આવો, આજે આ સમસ્યાના મૂળ સુધી અને તેના નિવારણ સુધી પહોંચીએ.
ઘણીવાર એવું બને છે કે વ્યક્તિને તેની દુકાનમાં કે ધંધામાં અચાનક નુકસાન થવા લાગે છે. કહે છે કે જ્યારે ખુદ વ્યક્તિ પર કે દુકાન પર જો કોઈની નકારાત્મક અસર હોય, ત્યારે આવું બની શકે છે ! સર્વ પ્રથમ તો એ જ જાણીએ કે આ સમસ્યાઓ કયા-કયા પ્રકારની હોય છે ?
કાર્યક્ષેત્ર સંબંધી સમસ્યાઓ
⦁ પોતાની જ દુકાન કે ફેકટરી હોવા છતાં તેમાં કામ કરવા જવાનું મન ન થતું હોય !
⦁ અચાનક જ ધંધો, દુકાન કે ફેક્ટરી બંધ કરવાનો વારો આવી જાય !
⦁ ધંધામાં લગાવેલા પૈસા અટવાઈ પડ્યા હોય !
⦁ ભાગીદારો પર ભરોસો ન રહેતો હોય, અને વારંવાર કર્મચારીઓ તરફથી નુકસાનનો સામનો કરવો પડતો હોય !
⦁ ફેકટરીના મશીનો વારંવાર ખરાબ થઈ જતા હોય !
⦁ દુકાનમાં ગ્રાહક માંડ આવતા હોય, પણ ખરીદી કર્યા વગર જ પરત ફરી જતા હોય ! અથવા તો કોઈપણ કારણસર તેમની સાથે ઝઘડો થઈ જતો હોય !
⦁ કાર્યક્ષેત્રમાં આવતા જ શરીરમાં થાક અને ભાર વર્તાવા લાગતો હોય !
સમસ્યાનું કારણ
⦁ માન્યતા અનુસાર જ્યારે કોઈની કુંડળીમાં છઠ્ઠા અને દસમા ભાવમાં મંગળ હોય ત્યારે તેવા લોકોને આવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
⦁ જો કોઈએ તમારા ધંધા પર કોઈપણ પ્રકારનું બંધન કરાવ્યું હોય, તો પણ આવી સમસ્યા સર્જાઈ શકે છે.
⦁ તમારી દુકાન કે ફેક્ટરી પર કોઈની ખરાબ નજર લાગી હોય, કે કોઈનો નિઃસાસો જેને આપણે ‘હાય’ કહીએ છીએ તે લાગી ત્યારે પણ અચાનકથી જ કામકાજ ઠપ્પ થઈ જતુ હોય છે.
એકાક્ષી નારિયેળનો ઉપાય
એક એકાક્ષી નારિયેળને ધંધાના સ્થાન પર રહેલ પૂજા સ્થાનમાં મૂકી દેવું. ઉલ્લેખનિય છે કે નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. તે કોઈપણ પ્રકારના કાર્યને દોષ મુક્ત કરી દે છે. એટલે કે, ધંધાના સ્થાન પર આ નારિયેળ મૂકવાથી કોઈપણ પ્રકારની નજરદોષ હોય, કોઈની હાય લાગી હોય અથવા કોઈએ બંધન કરાવ્યું હોય તો તે દૂર થઈ જાય છે. એટલું જ નહીં, ધંધાના સ્થાન પર જો આપને સતત ઉચાટ લાગતો હોય તો, તે પણ બંધ થઈ જશે. પરંતુ, તે માટે સૌથી જરૂરી વાત એ છે કે નિત્ય જ આ એકાક્ષી શ્રીફળની આસ્થા સાથે પૂજા કરવી.
શિવલિંગ પૂજા
નિયમિત શિવલીંગની પૂજા કરવી પણ ફળદાયી બની રહેશે. એટલે જો બીજું કંઈ ન થઈ શકે, તો પણ, નિયમિત શિવલિગં પર જળ અર્પણ કરવું જોઈએ. જે લોકો નિત્ય શિવલીંગની પૂજા કરી, તેનો સ્પર્શ કરી, તે સ્પર્શવાળો હાથ આંખો પર લગાવે છે, તેવા લોકો પરથી નજર, હાય કે બંધનનો પ્રકોપ તત્કાળ દૂર થઇ જાય છે !
સરસવનો દીવો
રાત્રે દુકાન બંધ કરો ત્યારે તેની પાસે બહાર સરસવના તેલનો એક દીવો જરૂરથી પ્રજ્વલિત કરવો. જો નિત્ય આ કાર્ય ન થઈ શકે તો, શનિવારના દિવસે તો જરૂરથી આ કામ કરવું. જો દુકાનની બહાર દીવો કરી શકાય તેમ ન હોય તો, દુકાનની અંદર દીવો તૈયાર કરીને પછી તેને નજીક આવેલ પીપળાના વૃક્ષની પાસે લઈ જઈને તેની નીચે દીપ પ્રજ્વલિત કરવો. માન્યતા અનુસાર તેનાથી ચોક્કસથી લાભની પ્રાપ્તિ થશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)