બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આગમનથી પાવન થઈ છે આ ધરા ! જાણો શામળાજીમાં વિદ્યમાન શ્યામસુંદરનો મહિમા

પ્રભુ અહીં દેવગદાધરના નામે પૂજાય છે. મહાભારતમાં પણ શ્રીકૃષ્ણ માટે અનેકવાર દેવગદાધર નામનું સંબોધન જોવા મળે છે. એ દૃષ્ટિએ આ વિષ્ણુ પ્રતિમાને ભક્તો કૃષ્ણ સ્વરૂપ પણ માને છે ! જો કે, મોટાભાગે ભાવિકો આ શ્યામસુંદરને શામળિયા તેમજ કાળિયા ઠાકોરના નામે સંબોધે છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આગમનથી પાવન થઈ છે આ ધરા ! જાણો શામળાજીમાં વિદ્યમાન શ્યામસુંદરનો મહિમા
Shamlaji
| Edited By: | Updated on: Aug 17, 2022 | 6:29 AM

ઊંચા નીચા ડુંગરા, વચમાં ધોરી ધાર
ધારે બેઠો શામળિયો, મારો તરથ – તારણહાર

ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં શામળાજી (shamlaji) નામે ગામ આવેલું છે. આ એ સ્થાન છે કે જ્યાં કુદરતે ખોબલેને ખોબલે સૌંદર્ય વેર્યું છે. પ્રચલિત માન્યતા અનુસાર આ ધરા સ્વયં ત્રિદેવના આગમનથી પાવન થઈ છે. અને આ પાવની ભૂમિ પર જ બિરાજે છે ભક્તોનો વહાલો શામળીયો સરકાર. (shamaliyo sarkar) એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનું (lord shri krishna) અત્યંત મનોહારી શ્યામ સુંદર સ્વરૂપ !

મંદિર માહાત્મ્ય

શામળાજીની ભૂમિ પર અત્યંત ભવ્ય મંદિર પ્રસ્થાપિત છે. લગભગ 10મી સદીમાં નિર્મિત આ ઊંચા મંદિરીયામાં ધોળી ધજા સદૈવ ફરફરતી રહે છે. મંદિરના પરિસરમાં પ્રસરતી આસ્થાની સુંવાસ ભક્તોના હૃદયને સતત ભાવમાં ભિંજવતી રહે છે. અને સ્થાનકની અંદર પગ મુકતાં જ શામળિયાની મનોહારી સૂરત ભક્તોના નેત્રને જાણે તેના નેહમાં બાંધી લે છે !

ચતુર્ભુજધારી દેવગદાધર !

શામળાજી મંદિરના ગર્ભગૃહ મધ્યે શ્રીવિષ્ણુનું ચતુર્ભુજધારી સ્વરૂપ વિદ્યમાન થયું છે. મૂળે તો પ્રભુ અહીં દેવગદાધરના નામે પૂજાય છે. મહાભારતમાં પણ શ્રીકૃષ્ણ માટે અનેકવાર દેવગદાધર નામનું સંબોધન જોવા મળે છે. એ દૃષ્ટિએ આ પ્રતિમાને ભક્તો કૃષ્ણ સ્વરૂપ પણ માને છે ! પણ, મોટાભાગે ભાવિકો આ શ્યામ પ્રતિમાને શામળિયા તેમજ કાળિયા ઠાકોરના નામે સંબોધે છે. અને કહે છે કે આ કાળિયો ઠાકોર તો દર્શન માત્રથી ભક્તોની તમામ ચિંતાઓનું શમન કરી દે છે.

પ્રાગટ્ય ગાથા

શામળાજીના અહીં પ્રાગટ્ય સાથે રોચક કથા જોડાયેલી છે. શાસ્ત્રોક્ત કથા અનુસાર બ્રહ્માજી સૃષ્ટિ ચલાવવા જે મનુષ્યજીવની ઉત્પત્તિ કરતાં તેને નારદજી મુક્તિ અપાવી દેતાં. નારદજીના આ કાર્યને લીધે બ્રહ્માજીનું સૃષ્ટિ સર્જનનું કાર્ય નિષ્ફળ ગયું. અને તેના પ્રાયશ્ચિત માટે તેઓ શામળાજીની આ ભૂમિ પર આવ્યા. તે સમયે આ ક્ષેત્ર ત્રિશૃંગ પર્વતના નામે પ્રસિદ્ધ હતું. 1,000 વર્ષ તપ કરી બ્રહ્માજીએ મહેશ્વરને પ્રસન્ન કર્યા. અને શિવજીએ પ્રગટ થઈ બ્રહ્માજીને પાપમુક્ત કર્યા. સાથે જ મહાયજ્ઞ કરવાનો નિર્દેશ કર્યો. કહે છે કે બ્રહ્માજીએ શામળાજીની આ જ ધરા પર મહાયજ્ઞ આદર્યો. તે સમયે શ્રીવિષ્ણુ શ્યામલ રૂપ ધરી પ્રગટ થયા. અને પછી બ્રહ્માજીની પ્રાર્થનાથી એ જ ગદાધર સ્વરૂપે ત્રિશૃંગ ક્ષેત્રમાં વિદ્યમાન થયા.

પૌરાણિક કાળનું ત્રિશૃંગ એ ત્યારબાદ કરામ્બુ તીર્થક્ષેત્ર, હરિશ્ચંદ્રપુરી જેવાં નામોથી ખ્યાત થઈ આજે કળિયુગમાં શામળાજીના નામે જગવિખ્યાત બન્યું છે. ન માત્ર ગુજરાતમાંથી પરંતુ, સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ આ પાવનકારી સ્થાનકના દર્શને આવે છે. કહે છે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ આ જ ભૂમિ પર રાજસૂય યજ્ઞ કરાવ્યો હતો. અને અહીં જ તેમને પુત્રપ્રાપ્તિના આશીર્વાદ મળ્યા હતા !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)