ભક્તોને ઘેલું લગાવે છે દ્વારિકાધીશની પ્રતિમા ! જાણો દ્વારકાના જગત મંદિરનો મહિમા

ઈ.સ. પૂર્વે 400 માં સ્વયં શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે અહીં પ્રથમ છત્રીની સ્થાપના કરી હતી ! ત્યારબાદ દ્વારિકાની ભૂમિ અનેકવાર વાસ્તુ અને વિનાશની સાક્ષી બની. હાલનું દ્વારિકાધીશનું મંદિર (dwarkadhish temple) એ 15 થી 16મી સદીમાં નિર્મિત હોવાનું મનાઈ રહ્યું છે.

ભક્તોને ઘેલું લગાવે છે દ્વારિકાધીશની પ્રતિમા ! જાણો દ્વારકાના જગત મંદિરનો મહિમા
કોરોનાકાળ બાદ મોટી સંખ્યામાં ભાવિકોએ કર્યા પ્રભુના દર્શન
TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

Aug 18, 2022 | 6:32 AM

ઊંચું દેરું નાથનું ધ્વજ ફરકે દિનરાત,

વાદળથી બાથું લીયે કરે ચાંદા સૂરજની વાત

જેના શિખર પર ફરફરતી ધજા આકાશને આંબે છે. સ્વયં પાવની ગોમતી જેના ચરણોને સ્પર્શ કરે છે અને દરિયાદેવ તેમના ધ્વનિથી દિન-રાત જેનો જયઘોષ કરે છે, તે મંદિર એટલે આપણાં વહાલા દ્વારિકાધીશનું મંદિર (dwarkadhish temple).  ભારતના 68 તીર્થ ધામમાં જેનો આગવો જ મહિમા છે, સપ્ત મોક્ષપુરીમાં (Sapta Puri) જેની ગણના થાય છે અને જે પ્રસિદ્ધ ચાર ધામમાં (char dham) દ્વાપરયુગનું મહાધામ મનાય છે તે જ તો છે આપણું દ્વારકા (dwarka), શ્રીકૃષ્ણની દ્વારિકા.

મંદિર માહાત્મ્ય

દ્વારિકાધીશનું મંદિર એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સ્થિત છે. આ દ્વારકા તાલુકો આજે ઓખામંડળના નામે પણ ખ્યાત છે. જ્યાં 72 સ્તંભ પર પાંચ માળનું અદભુત કોતરણીઓ વાળુ મંદિર શોભાયમાન છે. કદાચ તેના આ અપ્રતિમ સૌંદર્યને લીધે જ આ મંદિરને ત્રૈલોક્યસુંદર મંદિર એવું નામ અપાયું છે. અલબત્, ભક્તોમાં તો તે જગત મંદિરના નામે જ વધારે પ્રસિદ્ધ છે.

ઐતિહાસિક માહિતી અનુસાર ઈ.સ. પૂર્વે 400 માં સ્વયં શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે અહીં પ્રથમ છત્રીની સ્થાપના કરી હતી ! ત્યારબાદ દ્વારિકાની ભૂમિ અનેકવાર વાસ્તુ અને વિનાશની સાક્ષી બની. હાલનું જગત મંદિર એ 15 થી 16મી સદીમાં નિર્મિત હોવાનું મનાઈ રહ્યું છે. જેની મધ્યે દ્વારિકાના રાજા તરીકે પૂજાઈ રહ્યા છે દ્વારિકાધીશ. ભગવાન શ્રીકૃષ્ણનું આ દ્વારિકાધીશ સ્વરૂપ સદીઓથી ભક્તોને ઘેલું લગાવી રહ્યું છે. મનોહારીની આ દિવ્ય પ્રતિમા તેની શરણે આવનારા ભાવિકોના અધૂરાં કોડની પૂર્તિ કરી રહી છે.

મૂર્તિ રહસ્ય

જગત મંદિરમાં પ્રસ્થાપિત દ્વારિકાધીશની હાલની પ્રતિમા અત્યંત મનોહારી ભાસે છે. આ પ્રતિમાનું મુખારવિંદ એટલું તો ભાવવાહી છે કે ભક્તો પ્રભુને નિરખતા જ રહી જાય છે. ઐતિહાસિક ઉલ્લેખો અનુસાર વર્ષ 1559માં તે સમયના શંકરાચાર્ય શ્રીઅનિરુદ્ધાચાર્યજીએ જગત મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. શ્રીઅનિરુદ્ધાચાર્યજીએ જ રાજસ્થાનના ડુંગરપુરમાંથી દ્વારિકાધીશની પ્રતિમાને લાવી તેની જગત મંદિરમાં સ્થાપના કરી હતી. શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી આ ચતુર્ભુજ પ્રતિમા ત્રિવિક્રમરાયજીના નામે પ્રસ્થાપિત થઈ છે. જો કે, ભક્તો તો તેમના વહાલાને દ્વારિકાધીશના નામે જ પૂજે છે. જેની દિવ્ય ઊર્જાની અનુભૂતિ તો અહીં આવનારા શ્રદ્ધાળુઓને સતત વર્તાતી જ રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati