
વિજયાદશમી એટલે કે દશેરાના પર્વે શસ્ત્ર પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આ દિવસે શસ્ત્રોને સાફ કરીને તેના પર તિલક કરવામાં આવે છે અને પુષ્પો અર્પણ કરાય છે. હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે આસો માસના શુક્લ પક્ષની દશમી તિથિએ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. 20 ઓક્ટોબરના રોજ બપોરે 12:50 વાગ્યે થશે અને તેનું સમાપન 21 ઓક્ટોબરના રોજ બપોરે 2:11 વાગ્યે થશે. આવી સ્થિતિમાં, 20 ઓક્ટોબર 2026ના રોજ વિજયાદશમી 2026 ઉજવવામાં આવશે.
દશેરાના દિવસે શસ્ત્ર પૂજન અને નવા કાર્યોની શરૂઆત માટે અપરાહ્ન કાળ તથા વિજય મુહૂર્તને વિશેષ શુભ માનવામાં આવે છે. આ વર્ષે વિજય મુહૂર્ત બપોરે 2:20થી 3:06 વાગ્યા સુધી રહેશે, જેનો કુલ સમયગાળો 46 મિનિટનો છે. દશેરાના દિવસે અપરાહ્ન પૂજાનો સમય બપોરે 1:34થી 3:52 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળો કુલ 2 કલાક 18 મિનિટનો છે.
વર્ષ 2026 માં વિજયાદશમીના પર્વ પર અત્યંત ફળદાયી શ્રવણ નક્ષત્રનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ, શ્રવણ નક્ષત્ર 19 ઓક્ટોબર 2026 ના રોજ બપોરે 03:38 વાગ્યે શરૂ થશે અને 20 ઓક્ટોબર 2026 ના રોજ સાંજે 06:02 વાગ્યા સુધી પ્રભાવી રહેશે.
પ્રાચીન કાળમાં રાજા-મહારાજાઓ યુદ્ધમાં જતા પહેલાં પોતાના અસ્ત્ર-શસ્ત્રોની વિધિવત પૂજા કરતા હતા, જેથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય અને રાજ્યની રક્ષા માટે દેવી-દેવતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય. આધુનિક સમયમાં આ પર્વ આપણને આપણી જવાબદારીઓ, આંતરિક શક્તિ અને સુરક્ષા પ્રત્યે હંમેશાં સજાગ રહેવાની પ્રેરણા આપે છે. આજે પણ લોકો પોતાના ઘરોમાં આત્મરક્ષાના સાધનોની પૂજા કરે છે. વિજયાદશમીનો આ દિવસ દરેક વ્યક્તિને પોતાના કર્તવ્યો અને સુરક્ષાનું સ્મરણ કરાવે છે તેમજ જીવનમાં કોઈપણ બદી અને અન્યાય સામે લડવાની નવી ઊર્જા આપે છે.
શસ્ત્ર પૂજાની આ મહાન પરંપરા માત્ર હથિયારોના પૂજન પૂરતી સીમિત નથી, પરંતુ તેનો સંબંધ સીધો ધર્મ, ન્યાય અને અધર્મના વિનાશ સાથે જોડાયેલો છે. પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે દેવતાઓની શક્તિઓ પણ મહિષાસુરના આતંક સામે ઓછી પડવા લાગી હતી, ત્યારે મા દુર્ગાએ તમામ દિવ્ય અસ્ત્ર-શસ્ત્રો ધારણ કરીને તેનો વધ કર્યો હતો. પ્રાચીન કાળથી જ એવી માન્યતા છે કે અન્યાયનો નાશ કરવા અને આત્મરક્ષા કાજે શસ્ત્રોનું સન્માન કરવું અનિવાર્ય છે, જે મનુષ્યને પ્રત્યેક પરિસ્થિતિમાં વિજયી બનાવે છે.