Banana Halwa Recipe: બજારની મીઠાઈને કહો અલવિદા ! ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બનાવો ટેસ્ટી કેળાનો હલવો, મા અંબાને ધરાવો પ્રિય ભોગ

નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતાને કેળાનો ભોગ અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. બહારની મીઠાઈને બદલે ઘરે જ શુદ્ધ દેશી ઘી, દૂધ અને ડ્રાયફ્રૂટ્સ સાથે બનાવો સ્વાદિષ્ટ અને દાણેદાર કેળાનો હલવો.

Banana Halwa Recipe: બજારની મીઠાઈને કહો અલવિદા ! ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બનાવો ટેસ્ટી કેળાનો હલવો, મા અંબાને ધરાવો પ્રિય ભોગ
| Updated on: Oct 15, 2026 | 6:45 PM

આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે અને આ પાવન દિવસે માતા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની વિધિવિધાનપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મા સ્કંદમાતાને કેળાનો ભોગ અતિ પ્રિય છે. એવી માન્યતા છે કે પંચમી તિથિએ માતાજીને કેળા અથવા કેળામાંથી બનેલી વાનગીઓનો પ્રસાદ અર્પણ કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જો તમે પણ આ પવિત્ર અવસરે માતાજીને પ્રસન્ન કરવા માટે કંઈક વિશેષ અને શુદ્ધ બનાવવા માંગતા હોવ, તો કેળાનો હલવો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પાકાં કેળાં, શુદ્ધ દેશી ઘી, દૂધ અને ડ્રાયફ્રૂટ્સમાંથી તૈયાર થતો આ હલવો માત્ર સ્વાદિષ્ટ અને દાણેદાર જ નથી બનતો, પરંતુ તેને બનાવવો પણ ખૂબ સરળ છે. આવો જાણીએ તેને બનાવવાની સૌથી સરળ રીત:

જરૂરી સામગ્રી:

  • 4 પાકાં કેળાં (સારી રીતે મેશ કરેલાં)
  • 3-4 મોટી ચમચી શુદ્ધ દેશી ઘી
  • 1/2 કપ ઉકાળેલું દૂધ
  • 3-4 મોટી ચમચી ખાંડ અથવા ગોળનો પાવડર (કેળાની મીઠાશ મુજબ)
  • 1/2 નાની ચમચી એલચી પાવડર
  • 10-12 કાજુ, બદામ અને પિસ્તા (ઝીણા સમારેલાં)
  • 8-10 કિસમિસ
  • ચપટી કેસરના તાંતણા (દૂધમાં પલાળેલા)

બનાવવાની રીત:

  • પાકાં કેળાંની છાલ ઉતારી કાંટા ચમચી કે મેશર વડે સારી રીતે મેશ કરી લો, જેથી તેમાં કોઈ ગઠ્ઠા ન રહે.
  • એક કડાઈમાં 1 ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં ઝીણા સમારેલા કાજુ, બદામ અને કિસમિસને હળવા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળીને એક પ્લેટમાં કાઢી લો.
  • હવે એ જ કડાઈમાં 2-3 ચમચી દેશી ઘી ઉમેરો. ત્યારબાદ મેશ કરેલા કેળાં ઉમેરી મધ્યમ-ધીમી આંચ પર સતત હલાવતા રહી 5-7 મિનિટ સુધી શેકો. કેળાંને ત્યાં સુધી શેકવા જ્યાં સુધી તેનો રંગ હલકો બદામી ન થાય અને તેમાંથી સરસ સુગંધ ન આવવા લાગે.
  • જ્યારે કેળાં કડાઈની સપાટી છોડવા લાગે, ત્યારે તેમાં 1/2 કપ દૂધ અને કેસરવાળું દૂધ ઉમેરો. આંચ ધીમી રાખી સારી રીતે મિક્સ કરો જેથી કેળાં દૂધને સંપૂર્ણપણે શોષી લે.
  • હવે તેમાં સ્વાદાનુસાર ખાંડ અને એલચી પાવડર ઉમેરો. ખાંડ ઓગળ્યા બાદ હલવામાં સરસ ચમક આવી જશે.
  • છેલ્લે શેકેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી બરાબર મિક્સ કરો અને 1-2 મિનિટ ધીમી આંચે પકવીને ગેસ બંધ કરી દો.

તૈયાર છે સ્વાદિષ્ટ, રસીલો અને દાણેદાર કેળાનો હલવો! માતાજીના નૈવેદ્ય માટે તેના પર તુલસીપત્ર મૂકી મા સ્કંદમાતાને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરો.

નવરાત્રીમાં અને સામન્ય દિવસોમાં ભારતના એવા 7 પ્રસિદ્ધ મંદિર જ્યાં દેવી – દેવતાને લાગે છે નોનવેજનો ભોગ, જાણો સદીઓ જૂની પરંપરા!

Follow Us
Loading...
Unable to load recommendations.