ભારતમાં અનેક એવા મંદિરો છે જે પોતાની દિવ્યતા અને રહસ્યો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એમાંનું એક છે મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં ત્રિકૂટ પર્વત પર આવેલું મૈહર માતાનું મંદિર. મા શારદાને સમર્પિત આ મંદિરના દરવાજા રાત્રે બંધ કરી દેવામાં આવે છે, પરંતુ માન્યતા છે કે બંધ દરવાજા પાછળ આજે પણ કોઈ અજાણી શક્તિ સૌથી પહેલા માતાની પૂજા કરે છે.
મૈહર મંદિરનું રહસ્ય
મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલું મૈહર માતા મંદિર (મા શારદા ધામ) આસ્થા, ચમત્કાર અને રહસ્યોનું અનોખું સંગમ માનવામાં આવે છે. વિંધ્ય પર્વતમાળાની ત્રિકૂટ પહાડી પર સ્થિત આ મંદિરે પહોંચવા માટે ભક્તોને આશરે 1063 સીડીઓ ચઢવી પડે છે. નવરાત્રિ દરમિયાન અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે, પરંતુ આ મંદિરની સૌથી ખાસ વાત છે રાત્રે જાતે વાગતી ઘંટડીઓ.આ અજાણ્યું રહસ્ય આજે પણ લોકોના મનમાં પ્રશ્નો ઉભા કરે છે
રાત્રે જાતે જ વાગે છે ઘંટડીઓ
સ્થાનિક માન્યતાઓ અનુસાર, મંદિરના કપાટ બંધ થયા પછી પણ રાત્રે ઘંટડીઓ વાગવાનો અવાજ સંભળાય છે. કહેવાય છે કે આ સમયે મંદિરની અંદર કોઈ માણસ હાજર નથી, છતાં ઘંટડીઓ વાગતી રહે છે. ભક્તોનું માનવું છે કે આ સામાન્ય ઘટના નથી, પરંતુ દૈવી સંકેત છે. માન્યતા મુજબ, રાત્રે મા શારદા સ્વયં મંદિરમાં વિરાજમાન રહે છે અને તેમની પૂજા થાય છે, જેના કારણે ઘંટડીઓ વાગે છે.
આલ્હા-ઉદલ સાથે જોડાયેલી માન્યતા
મૈહર માતા મંદિરનો સંબંધ વીર યોદ્ધા આલ્હા-ઉદલ સાથે પણ જોડાય છે. લોકકથાઓ મુજબ, આલ્હા આજે પણ અમર છે અને દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૌથી પહેલા મંદિરે આવી મા શારદાની પૂજા કરે છે. કહેવાય છે કે સવારે જ્યારે પૂજારી મંદિરના દરવાજા ખોલે છે, ત્યારે ત્યાં તાજા ફૂલ અને પૂજાના નિશાન જોવા મળે છે, જે આ રહસ્યને વધુ ગહન બનાવે છે.
ત્રિકૂટ પર્વત પર આવેલું પવિત્ર ધામ
આ મંદિર ત્રિકૂટ પર્વતની ઊંચાઈ પર આવેલું છે, જ્યાંથી સમગ્ર મૈહર શહેરનું અદભૂત દૃશ્ય જોવા મળે છે. ભક્તો સીડીઓ દ્વારા અથવા રોપવે દ્વારા પણ મંદિરે પહોંચી શકે છે. અહીં વિરાજમાન મા શારદાને વિદ્યાની દેવી મા સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓ ખાસ કરીને અહીં દર્શન માટે આવે છે.
નવરાત્રિમાં ઉમટે છે આસ્થાનો પ્રવાહ
ચૈત્ર અને શારદીય નવરાત્રિ દરમિયાન મૈહર માતા મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે અને માન્યતા છે કે સચ્ચા મનથી મા ને યાદ કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તેથી મૈહર માતા મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ રહસ્યમય ઘટનાઓનું કેન્દ્ર પણ છે. રાત્રે વાગતી ઘંટડીઓ, આલ્હા-ઉદલની વાર્તા અને દૈવી ઉપસ્થિતિની માન્યતાઓ આ મંદિરને વધુ વિશેષ બનાવે છે.