Janmashtami 2021 : શુભ સંયોગ સાથે જન્માષ્ટમી ! ખુશીઓથી ભરાશે ખાલી ઝોળી !
આ જન્માષ્ટમી પર જયંતી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ 101 વર્ષે સર્જાઈ રહ્યો છે. જે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. ત્યારે આવો જાણીએ કે કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવી શકે છે આ દિવસની વિશેષ પૂજા.
શ્રાવણ વદ અષ્ટમી (ashtami) એટલે એ દિવસ કે જેની કૃષ્ણભક્તો સમગ્ર વર્ષ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. કારણ કે આ દિવસે જ તો થયું હતું સૌને ઘેલું લગાવનારા શ્રીકૃષ્ણનું ધરતી પર અવતરણ. સમગ્ર ભારતમાં કૃષ્ણ જન્મોત્સવનો પર્વ એટલે કે જન્માષ્ટમીનો (janmashtami) રૂડો અવસર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. એટલું જ નહીં, આ દિવસ તો શ્રીકૃષ્ણની કૃપાપ્રાપ્તિ માટે પણ સર્વોત્તમ મનાય છે. ત્યારે, ખાસ વાત તો એ છે કે આ વખતની જન્માષ્ટમી વિશેષ સંયોગ સાથે આવી છે. જે ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનાર મનાઈ રહી છે.
આ વખતે જન્માષ્ટમી 30 ઓગષ્ટના રોજ છે, સાથે જ સોમવારનો શુભ સંયોગ પણ છે. શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ વખતે પણ જન્મોત્સવ સમયે રોહિણી નક્ષત્ર રહેશે અને ચંદ્રમા વૃષભ રાશિમાં સંચાર કરશે. કહે છે કે તેનાથી જયંતી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ 101 વર્ષે સર્જાઈ રહ્યો છે. જે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. ત્યારે આવો જાણીએ કે કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવી શકે છે આ દિવસની વિશેષ પૂજા.
આર્થિક સ્થિતિ સુધારવા જો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ, તો જન્માષ્ટમીના દિવસે એક પ્રયોગ ખાસ કરો. શક્ય હોય તો જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણને ચાંદીની વાંસળી અર્પણ કરો. પૂજા બાદ તે વાંસળીને તમારા પર્સમાં અથવા તો પૈસા રાખવાની જગ્યા પર મૂકી દો. માન્યતા અનુસાર તેના લીધે ઘરમાં ક્યારેય નાણાંની તંગી અનુભવવી નહીં પડે !
સંતાનની સમસ્યાઓનું નિવારણ જો તમને સતત બાળકોની ચિંતા સતાવી રહી હોય અથવા સંતાનો સંબંધી પ્રશ્નો મૂંઝવી રહ્યા હોય કે પછી ખુદ સંતાનો કોઈ મુસીબતમાં હોય, તો જન્માષ્ટમીએ એક ખાસ વિધિ કરવી. ઘરમાં વાછરડા સાથેની ગાયની પ્રતિમા લઈ આવવી. તેની પૂજા કરી તેને બાળ ગોપાલ પાસે મૂકવી. કહે છે કે તેનાથી સંતાન સંબંધી તમામ સમસ્યાથી મુક્તિ મળી જશે.
વિવાહ અર્થે કોઈને વિવાહ આડે વારંવાર અડચણ આવતી હોય અથવા વિવાહના યોગ ન સર્જાઈ રહ્યા હોય, તો તેમણે લડ્ડુ ગોપાલ માટે વ્રત રાખવું જોઈએ. અને રાત્રે જન્મોત્સવ સમયે બાળ ગોપાલને પારણામાં ઝૂલાવવા જોઈએ. કહે છે કે, તેનાથી વિવાહના સંયોગ ખૂબ જ જલ્દી સર્જાશે.
સંતાન પ્રાપ્તિ અર્થે જન્માષ્ટમીના વ્રતનું એક આગવું જ મહત્વ છે. માન્યતા અનુસાર જેમને ત્યાં શેર માટીની ખોટ છે, તેમણે આ વ્રત અવશ્ય કરવું. કહે છે કે નિઃસંતાન દંપતિ જન્માષ્ટમીનું વ્રત રાખી વિધિ-વિધાન સાથે તેને પૂર્ણ કરે તો શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, તેમને સંતાનના આશિષ પણ પ્રદાન કરે છે.
કામનાપૂર્તિ અર્થે કોઈ વિશેષ કામનાની પૂર્તિની ઝંખના હોય તો જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ અર્પણ કરવા. કહે છે કે, તેનાથી શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે. અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.
ચંદ્ર દોષથી મુક્તિ જેમની કુંડળીમાં ચંદ્ર નબળી સ્થિતિમાં હોય, તેમણે આ દિવસે વ્રત અવશ્ય જ કરવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસનું વ્રત વ્યક્તિ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે અને ચંદ્ર દોષનું પણ નિવારણ થશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ એક હજાર એકાદશી બરાબર છે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત, જાપનો મળે છે અનંત ગણો લાભ
આ પણ વાંચોઃ આ જન્માષ્ટમીએ રંગથી રીઝવો ‘રંગ રસીયા’ને ! સઘળા મનોરથ થશે પૂર્ણ !