શું તમે જાણો છો નારદ મુનિ અંગેની આ રસપ્રદ વાતો ? નારદ જયંતીએ જાણો નારદ મુનિનો મહિમા
દેવર્ષિ નારદને (Narada) આપણે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત માનીએ છીએ. કારણ કે, તેમના મુખેથી તો સતત "નારાયણ"ના નામનું જ રટણ થતું રહે છે. અલબત્, એક માન્યતા અનુસાર દેવર્ષિ નારદ પણ સ્વયં વિષ્ણુનો જ અવતાર છે !

ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ વદ એકમની તિથિને નારદ મુનિનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. આજે સમગ્ર ભારતમાં નારદ જયંતીની ઉજવણી થશે. નારદ મુનિ પૃથ્વી, આકાશ, પાતાળ એમ તમામ લોકમાં વિચરણ કરતા રહે છે. એટલું જ નહીં, મહત્વની માહિતી, સંદેશાઓનું આદાન-પ્રદાન પણ કરતા રહે છે. ત્યારે આવો, આજે આપને નારદ મુનિ અંગેની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. કે જેના વિશે આપ ભાગ્યે જ માહિતગાર હશો.
કેવી રીતે નામ પડ્યું નારદ ?
સૌથી પહેલાં એ જાણીએ કે તેમનું નામ ‘નારદ’ કેવી રીતે પડ્યું ? શાસ્ત્ર અનુસાર નારનો અર્થ થાય છે જળ. નારદજી જ્ઞાન, જળ અને તર્પણ કરવાનું કામ કરે છે. એટલે જ તે નારદના નામથી ઓળખાયા. એવી પણ માન્યતા છે કે નારદજી સ્વયં બ્રહ્માજીના કંઠમાંથી ઉત્પન્ન થયા છે. તેમને સંગીત, વ્યાકરણ, ભૂગોળ, ઇતિહાસ, પુરાણ, જ્યોતિષ, યોગ, વગેરે શાસ્ત્રોમાં પારંગત માનવામાં આવે છે.
વિષ્ણુનો જ અવતાર !
દેવર્ષિ નારદને આપણે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત માનીએ છીએ. કારણ કે, તેમના મુખેથી તો સતત “નારાયણ”ના નામનું જ રટણ થતું રહે છે. અલબત્, એક માન્યતા અનુસાર દેવર્ષિ નારદ પણ સ્વયં વિષ્ણુનો જ અવતાર છે ! શ્રીવિષ્ણુના પૂર્ણાવતાર ઉપરાંત તેમના અંશાવતાર પણ થયા છે. નારદ મુનિ તે જ અંશાવતારમાંથી એક મનાય છે. અને શ્રીહરિના 24 અવતારોમાં તેનો સમાવેશ થાય છે.
સ્વયં પરમપિતા બ્રહ્માજીએ આપ્યો શ્રાપ !
નારદ મુનિને પરમપિતા બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે. આપને જણાવી દઇએ કે નારદજીને સ્વયં તેમના પિતા બ્રહ્માજીએ જ શ્રાપ આપ્યો હતો કે તે કોઈપણ સ્થાન પર સ્થિર નહીં રહે. એટલે કે, સતત ભ્રમણ કરતા રહેવાનો તેમને શ્રાપ છે ! વાસ્તવમાં બ્રહ્માજીએ નારદજીના પ્રાગટ્ય બાદ તેમને સંસાર બનાવી સૃષ્ટિનો વિસ્તાર કરવાની આજ્ઞા કરી હતી. પરંતુ, નારદજીને તો સંસારમાં નહીં, માત્ર શ્રીવિષ્ણુની ભક્તિમાં જ રસ હતો. તેમણે બ્રહ્માજીની આજ્ઞાનો અનાદર કર્યો. એટલે, ક્રોધાવેશમાં બ્રહ્માજીએ નારદ મુનિને શ્રાપ આપી દીધો.
‘મહતી’ વીણાનું રહસ્ય !
નારદ મુનિએ હજારો વર્ષો સુધી તપસ્યા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેમની કૃપાની પ્રાપ્તિ કરી હતી. નારાયણે પ્રસન્ન થઈ નારદ મુનિને ‘મહતી’ નામની વીણા આપી હતી. સાથે જ વરદાન આપ્યું હતું કે જ્યારે નારદ તે વીણા વગાડશે ત્યારે તેઓ સ્વયં પ્રગટ થશે. દંતકથા અનુસાર આ જ વીણા વડે નારદ મુનિ રુચાઓ, મંત્ર અને સ્તુતિઓ રચે છે. નારદ મુનિને પ્રથમ નાટ્યયોગી પણ માનવામાં આવે છે.
પૂર્વ જન્મનું રહસ્ય !
પૌરાણિક કથાઓ અનુસાર પોતાના પૂર્વ જન્મમાં નારદ ‘ઉપબર્હણ’ નામના ગંર્ધવ હતા. તેમને પોતાના રૂપનું બહુ અભિમાન હતું. એકવાર સ્વર્ગમાં અપ્સરાઓ અને ગંધર્વ ગીત, સંગીત અને નૃત્યથી બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા. ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓ સાથે ત્યાં આવ્યા અને રાસલીલા કરવા લાગ્યા. આ જોઇ બ્રહ્માજી અત્યંત ક્રોધિત થઇ ઉઠ્યા અને તે ગંધર્વને શ્રાપ આપ્યો કે તે શુદ્ર યોનિમાં જન્મ લેશે. ત્યારબાદ ગંધર્વનો જન્મ એક દાસીના પુત્રના રૂપમાં થયો. માતા અને પુત્ર સાચા મનથી સાધુ સંતોની સેવા કરતા હતા. નારદમુનિ બાળકના રૂપમાં સંતોનું એઠું ભોજન ગ્રહણ કરતા. જેનાથી તેમના મનના દરેક પાપ નષ્ટ થઇ ગયા. તેમનું મન પ્રભુને પામવા વ્યાકૂળ બન્યું અને પછી બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે તેમનું પ્રાગટ્ય થયું.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)