NHAI નો ઐતિહાસિક નિર્ણય, 20 દિવસમાં રસ્તો ધસી જતાં કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી, એક્સપ્રેસવે ટોલ ફ્રી કરાયો

કાનપુર-લખનૌ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થયાના 20 દિવસમાં જ રસ્તો ખરાબ થતાં NHAI એ ટોલ વસૂલાત રોકી દીધી છે અને કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. જાણો ભારતમાં આ પહેલા ક્યારે ટોલ રોકવામાં આવ્યો હતો.

NHAI નો ઐતિહાસિક નિર્ણય, 20 દિવસમાં રસ્તો ધસી જતાં કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી, એક્સપ્રેસવે ટોલ ફ્રી કરાયો
| Updated on: Aug 05, 2026 | 8:15 PM

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌને કાનપુર સાથે જોડતા નવાનિર્મિત એક્સપ્રેસવે પર ઠેર-ઠેર રસ્તો બેસી જવા અને ખરાબ ગુણવત્તાની ફરિયાદો સામે આવ્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ મોટો અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. એક્સપ્રેસવે ચાલુ થયાના 20 દિવસની અંદર જ રસ્તો ક્ષતિગ્રસ્ત થતાં NHAI એ ટોલ વસૂલાત સંપૂર્ણપણે રોકી દીધી છે અને આખા એક્સપ્રેસવેને ફ્રી કરી દીધો છે. જ્યાં સુધી રસ્તાનું સમારકામ પૂરું નહીં થાય ત્યાં સુધી પ્રવાસીઓ પાસેથી કોઈ ટોલ લેવામાં આવશે નહીં.

ઉદ્ઘાટનના 20 દિવસમાં જ ખુલ્લી પડી પોલ

ગત 13 જુલાઈના રોજ શરૂ થયેલા 63 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવે પર ખાસ કરીને ઉન્નાવ-લખનૌ કેરેજવે પર અનેક જગ્યાએ રસ્તો ધસી જવાની ફરિયાદો મળી હતી. મુસાફરો પાસેથી કાર/જીપ માટે એક તરફનો 275 રૂપિયા ટોલ વસૂલવામાં આવતો હતો. ખરાબ રસ્તાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અને 26 જુલાઈએ 64મા કિલોમીટર પાસે મોટો ખાડો પડી જતાં NHAI એ તાત્કાલિક અસરથી ટોલ નાબૂદ કર્યો છે અને કહ્યું છે કે ટોલના નુકસાનની ભરપાઈ કોન્ટ્રાક્ટર પાસેથી કરવામાં આવશે.

કોન્ટ્રાક્ટર, એન્જિનિયરો અને અધિકારીઓ પર ગાજ

બનાવટમાં બેદરકારી દાખવવા બદલ NHAI એ પહેલીવાર આટલી આકરી કાર્યવાહી કરતા નીચે મુજબના પગલાં ભર્યા છે:

  • કોન્ટ્રાક્ટર પર બેન: PNC ઇન્ફ્રાટેક લિમિટેડ (PNC Infratech) ને ‘નોન-પરફોર્મર’ જાહેર કરીને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે બ્લેકલિસ્ટ કરવાની અને 3 વર્ષનો બેન મૂકવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
  • દંડ અને સમારકામ ખર્ચ: કામગીરીની સુરક્ષાના 2 ટકા દંડ સાથે રૂ. 3 કરોડના ખર્ચે સમારકામ પોતાના ખર્ચે કરવા આદેશ અપાયો છે.
  • અધિકારીઓ બરતરફ: પ્રોજેક્ટ મેનેજર વિવેક કુમાર ગુપ્તા, ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયર સુરેન્દ્ર કુમાર અને રેસિડેન્ટ એન્જિનિયર યતેન્દ્ર કુમારને પ્રોજેક્ટમાંથી હટાવી 2 વર્ષ માટે બેન કરાયા છે.
  • પ્રોજેક્ટ ડાયરેક્ટર સામે ચાર્જશીટ: વર્તમાન પ્રોજેક્ટ ડાયરેક્ટર નકુલ પ્રકાશ વર્મા અને પૂર્વ પ્રોજેક્ટ ડાયરેક્ટર સૌરભ ચૌરસિયા સામે તપાસ અને ચાર્જશીટ જારી કરાઈ છે.
  • IIT ખડગપુર દ્વારા તપાસ: રસ્તો ધસી જવાના કારણોની તપાસ માટે IIT ખડગપુરના પ્રોફેસર કે.એસ. રેડ્ડીના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમ તૈનાત કરાઈ છે.

આ પહેલા ક્યારે રોકવામાં આવી હતી ટોલ વસૂલાત?

NHAI દ્વારા રસ્તાની ખરાબ ગુણવત્તાને કારણે ટોલ વસૂલાત રોકવાનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અગાઉ પણ ખરાબ રસ્તા અને જનતાની પરેશાનીને ધ્યાનમાં રાખીને અદાલતના આદેશથી ટોલ રોકવાનો એક મોટો કિસ્સો સામે આવી ચૂક્યો છે:

  • કેરળ – પાલયિક્કારા ટોલ પ્લાઝા (2024-25):

કેરળના પાલયિક્કારા ટોલ પ્લાઝા પર ખરાબ રસ્તો, સતત લાગતો ભારે ટ્રાફિક જામ અને બાંધકામના અધૂરા કામના કારણે ભારે જનરોષ જોવા મળ્યો હતો. તે સમયે કેરળ હાઇકોર્ટે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટોલ વસૂલાત પર વચગાળાની રોક લગાવી દીધી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે “જ્યાં સુધી ટ્રાફિક સામાન્ય ન થાય અને રસ્તો યોગ્ય ન બને ત્યાં સુધી જનતા પાસેથી ટોલ વસૂલવો વ્યાજબી નથી.” પાછળથી સ્થિતિ સુધર્યા બાદ ત્યાં ફરીથી ટોલ શરૂ કરવામાં આવ્યો હતો.

કાનપુર-લખનૌ એક્સપ્રેસવે પર લેવાયેલું આ પગલું દર્શાવે છે કે હવે નેશનલ હાઇવે ઓથોરિટી પણ નિર્માણની ગુણવત્તા અને મુસાફરોની સુરક્ષા પ્રત્યે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી.

સરકારનો મોટો પ્લાન, હવે એકબીજા સાથે વાતો કરશે ગાડીઓ, 2027 થી શરૂ થશે નવી સિસ્ટમ

Follow Us
Loading...
Unable to load recommendations.