એપ્રિલથી દેશભરમાં માત્ર ‘E20 પેટ્રોલ’ જ વેચાશે ? શું તમારા વાહનની માઈલેજ ઘટી જશે? જાણો સરકારનો શું છે મોટો નિર્ણય

ભારત સરકાર એપ્રિલથી દેશભરમાં 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ફરજિયાત કરવા જઈ રહી છે. પ્રદૂષણ ઘટાડવા અને આયાત ઓછી કરવાના આ નિર્ણયની તમારી ગાડીના એન્જિન અને માઈલેજ પર શું અસર પડશે? વાંચો સંપૂર્ણ વિગત.

એપ્રિલથી દેશભરમાં માત્ર E20 પેટ્રોલ જ વેચાશે ? શું તમારા વાહનની માઈલેજ ઘટી જશે? જાણો સરકારનો શું છે મોટો નિર્ણય
Image Credit source: TV9 Network
| Edited By: | Updated on: Feb 25, 2026 | 7:40 PM

ભારત સરકાર પર્યાવરણની સુરક્ષા અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે એક મોટું પગલું ભરી રહી છે. 1 એપ્રિલ 2026 થી દેશભરમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેને E20 પેટ્રોલ તરીકે ઓળખવામાં આવશે. આ સાથે સરકારે પેટ્રોલમાં લઘુત્તમ RON 95 (રિસર્ચ ઓક્ટેન નંબર) હોવો પણ અનિવાર્ય કર્યો છે.

તમારી ગાડી પર શું થશે અસર?

આ નવા ફેરફારને કારણે વાહનચાલકોના મનમાં માઈલેજને લઈને અનેક સવાલો છે:

  • નવા વાહનો: વર્ષ 2023-25 પછી બનેલા મોટાભાગના વાહનો E20 ઇંધણ મુજબ જ ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેથી તેમાં કોઈ ખાસ સમસ્યા નહીં આવે.
  • જૂના વાહનો: જૂની ગાડીઓમાં માઈલેજમાં 3 થી 7 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, એન્જિનની પરફોર્મન્સ જાળવી રાખવા માટે સરકારે RON 95ની શરત રાખી છે.
  • એન્જિનની સુરક્ષા: RON 95 પેટ્રોલ એન્જિનમાં ‘નોકિંગ’ (પ્રી-ઇગ્નીશન) ની સમસ્યા અટકાવે છે, જેથી લાંબા ગાળે એન્જિન સુરક્ષિત રહે છે.

સરકારે કેમ લીધો આ નિર્ણય?

સરકારે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા 17 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સૂચના મુજબ આ નિર્ણય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • પ્રદૂષણમાં ઘટાડો: ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ સ્વચ્છ રીતે બળે છે, જેનાથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે.
  • ખેડૂતોને ફાયદો: ઇથેનોલ મુખ્યત્વે શેરડી અને મકાઈ જેવી ખેતીની પેદાશોમાંથી બને છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
  • આયાત બિલમાં બચત: પેટ્રોલની આયાત ઓછી થવાથી દેશના વિદેશી હૂંડિયામણની બચત થશે.

પેટ્રોલિયમ મંત્રાલયની સૂચના

કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તમામ તેલ કંપનીઓએ ભારતીય માનક બ્યુરો (BIS) ના ધોરણો મુજબ જ 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવાનું રહેશે. જોકે, ખાસ સંજોગોમાં અમુક વિસ્તારોમાં મર્યાદિત સમય માટે છૂટછાટ આપવામાં આવી શકે છે.

શું છે આ RON 95?

RON એ પેટ્રોલની ગુણવત્તા માપવાનો એક આંકડો છે. જેટલો RON વધારે, તેટલું પેટ્રોલ એન્જિનમાં અકાળે સળગતું અટકાવશે. આનાથી એન્જિનમાંથી આવતો અવાજ (Ping sound) ઓછો થાય છે અને એન્જિનની લાઈફ વધે છે.

DRS ટેકનોલોજી: શું અમ્પાયરની આંગળી એટલે ફાઈનલ આઉટ ? જુઓ કેવી રીતે કામ કરે છે DRS, વાંચવા માટે અહીં ક્લિક કરો