આજનું હવામાન : આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો વધવાની સંભાવના, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે 15 ડિગ્રી રહી શકે

જમ્મુ-કાશ્મીરમાં દેશનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જેની અસર હવે મેદાની પ્રદેશો ધરાવતા રાજ્યોમાં થઇ રહી છે. ગુજરાતમાં પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. જો કે આગામી દિવસોમાં ઠંડીમાં રાહત મળી શકે છે.  તાપમાન વધવાની શક્યતા છે.

આજનું હવામાન : આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો વધવાની સંભાવના, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે 15 ડિગ્રી રહી શકે
| Updated on: Dec 17, 2025 | 9:00 AM

દેશના અનેક રાજ્યો હાલ કાતિલ ઠંડીની ઝપેટમાં છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા પહાડી પ્રદેશોમાં કેટલાંક તળાવો અને ઝરણાં થીજી ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં દેશનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જેની અસર હવે મેદાની પ્રદેશો ધરાવતા રાજ્યોમાં થઇ રહી છે. ગુજરાતમાં પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. જો કે આગામી દિવસોમાં ઠંડીમાં રાહત મળી શકે છે.  તાપમાન વધવાની શક્યતા છે.

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો વધવાની સંભાવના છે, જેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે 15 ડિગ્રી રહી શકે છે. આજે રાજ્યમાં નલિયા 11.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 15.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ અમરેલી, પોરબંદર, ભુજ અને ડીસામાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે.

રાજ્યમાં પૂર્વના પવનો શરૂ થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પવન ફૂંકાતા તાપમાનમાં આશરે 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઠંડી વધુ અનુભવી રહી છે અને શહેરમાં લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 20 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધુ વધી શકે છે.

આ તરફ ઠંડીનો પ્રકોપ વધતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે હેતુસર અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને સમયમાં ફેરફાર કરવા સૂચના આપી છે. આ સૂચન મુજબ શાળાઓ વિદ્યાર્થીઓને ઠંડીનો સામનો ન કરવો પડે તે રીતે પોતાની રીતે નિર્ણય લઈને સ્વેચ્છાએ શાળાના સમયમાં બદલાવ કરી શકશે. સાથે સાથે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલા આવા નિર્ણયની જાણ DEO કચેરીને કરવા પણ સૂચના આપવામાં આવી છે. અગાઉ અધિકૃત સૂચના ન મળવાના કારણે અનેક શાળા સંચાલકો સમયમાં ફેરફાર કરી રહ્યા નહોતા, જે બાબત ધ્યાને આવતાં આ સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો