
ભાદરવા મહિનામાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ અતિભારે વરસાદની શક્યતા છે અને હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનો દાવો છે કે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગની રેડ આગાહીને વચ્ચે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ પર છે.
હવામાન વિભાગ દ્વારા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો હાલ વરસાદી પ્રકોપથી રાહત મળે તેવી કોઇ શક્યતા નથી. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે 3 દિવસ બાદ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ગાંધીનગર ખાતે આવેલા સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યના વિવિધ જિલ્લાઓના કલેક્ટરો સાથે સીધી ચર્ચા કરી હતી. અધિકારી તથા કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર ફરજિયાત હાજર રહેવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આકાશી આફતને પગલે આજે બનાસકાંઠામાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો આ તરફ ખેડામાં પણ શાળા, કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તંત્રએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે.
Published On - 8:44 am, Mon, 8 September 25