
ભારતની ખાનગી ક્ષેત્રની હવામાનને લગતી આગાહી કરતી કંપની સ્કાયમેટે 2025 માટે ચોમાસાની આગાહી જાહેર કરી છે. સ્કાયમેટે 2025નું ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિના માટે સરેરાશ વરસાદ 103 ટકા % રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં ભૂલ શ્રેણી 5 ટકા વધુ અથવા 5 ટકા ઓછો વરસાદ રહેવાની ધારણા વ્યક્ત કરાઈ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સ્કાયમેટ દ્વારા 103 ટકાની જે આગાહી કરવામાં આવી છે તેમા, સામાન્ય ચોમાસાની શ્રેણી 98 % થી 108 % માનવામાં આવે.
સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતીન સિંહના જણાવ્યા અનુસાર, “આ વર્ષે લા નીના પ્રમાણમાં નબળું રહ્યું છે અને હવે તેની અસર સમાપ્ત થઈ રહી છે. જ્યારે, અલ નીનોની કોઈ શક્યતા વર્તાતી નથી, જે સામાન્ય રીતે ચોમાસાને અસર કરે છે. આ વખતે ENSO-તટસ્થ (સામાન્ય પરિસ્થિતિ) સૌથી અસરકારક પરિસ્થિતિ રહેશે. આ સાથે, હિંદ મહાસાગર ડાયપોલ (IOD) પણ સકારાત્મક રહેવાની શક્યતા છે, જે ચોમાસા માટે સારો સંકેત છે. ભૂતકાળના આંકડાઓ દર્શાવે છે કે જ્યારે ENSO તટસ્થ હોય છે અને તે જ સમયે હિંદ મહાસાગર ડાયપોલ (IOD) સકારાત્મક હોય છે, ત્યારે ભારતમાં ચોમાસું સારું હોય છે. આવી સ્થિતિમાં, સ્કાયમેટનું માનવું છે કે આ વખતે ચોમાસાનો બીજો ભાગ એટલે કે જુલાઈ પછીનો સમય પહેલા ભાગ કરતાં વધુ સારો અને વરસાદથી ભરપૂર હોઈ શકે છે.
ENSO (અલ નિનો/લા નિના) ઉપરાંત, ચોમાસાને અસર કરતા કેટલાક અન્ય મહત્વપૂર્ણ પરિબળો પણ છે. આ સમયે, હિંદ મહાસાગર ડાયપોલ (IOD) એટલે કે હિંદ મહાસાગરમાં તાપમાનનો તફાવત “તટસ્થ” સ્થિતિમાં છે. પરંતુ એવી શક્યતા છે કે ચોમાસુ શરૂ થાય તે પહેલાં, તે “સકારાત્મક” હોઈ શકે છે, એટલે કે, ચોમાસા માટે ફાયદાકારક હોય. ENSO અને IOD બંને મળીને સારા સંકેતો આપી રહ્યા છે. જ્યારે આ બંને એકસાથે સકારાત્મક હોય છે, ત્યારે તે ચોમાસાને સુરક્ષિત અને સંતુલિત દિશામાં લઈ જાય છે. જોકે, શરૂઆતમાં ચોમાસુ થોડું ધીમું હોઈ શકે છે, એટલે કે જૂનમાં વરસાદ થોડો ઓછો થઈ શકે છે. પરંતુ, જેમ જેમ મોસમ આગળ વધશે તેમ તેમ જુલાઈ અને ઓગસ્ટમાં ચોમાસુ ગતિ પકડશે અને સારા વરસાદની અપેક્ષા છે.
પ્રાદેશિક રીતે, સ્કાયમેટ 2025 ના ચોમાસામાં પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની અપેક્ષા રાખે છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય ચોમાસાના વિસ્તારોમાં પૂરતો વરસાદ પડશે. કેરળ, દરિયાકાંઠાના કર્ણાટક અને ગોવા જેવા પશ્ચિમ ઘાટમાં વધુ વરસાદ પડી શકે છે. બીજી તરફ, ઉત્તરપૂર્વ ભારત અને ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જેમ કે મેઘાલય, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે.
ગુજરાત સહીત દેશભરના હવામાન અંગે વિશ્વસનીય અહેવાલ જાણવા માટે આપ અમારા હવામાનને લગતા ટોપિક પર ક્લિક કરો.
Published On - 7:32 pm, Wed, 9 April 25