
ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતા હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વિવિધ સ્તરના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપી, નર્મદા, ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વલસાડ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ સાથે તેજ પવન અને વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે.
વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, ગીરસોમનાથ, દીવ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે તેમજ આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા યથાવત રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે નદી-નાળાઓ નજીક રહેતા લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Mumbai Breaking News : પહેલા જ વરસાદમાં ડુબી મુંબઈનગરી! લોકલ ટ્રેન, સબવે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ, જુઓ Video